દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. તેમને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં હાલ રાહત મળી શકી નથી. સુપ્રીમ કોર્ટે હાલ તેમને CBIના કેસમાં વચગાળા જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટમાં કેજરીવાલના પક્ષ તરફથી મનીષ સિસોદિયાવાળી દલીલ આપવામાં આવી હતી, પરંતુ તે ચાલી શકી નહીં. નોંધનીય છે કે, CBI દ્વારા તેમની ધરપકડને બહાલ કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર આપતાં કેજરીવાલે વચગાળાના જામીન માટેની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાલ તેમને તાત્કાલિક કોઇ રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને 23 ઑગસ્ટ સુધીમાં CBI પાસેથી આ વિશેનો જવાબ પણ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે (14 ઑગસ્ટ) આ મામલે સુનાવણી કરતાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા માટેનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભૂઈયાંની બેન્ચે CBI દ્વારા કેજરીવાલની ધરપકડને બહાલ કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ તેમની અરજી પર તપાસ એજન્સીને માત્ર નોટિસ મોકલી છે. કોર્ટે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું છે કે, “અમે કોઈપણ પ્રકારના વચગાળાના જામીન નથી આપી રહ્યા. અમે નોટિસ જારી કરીશું.” આ વિશેની આગામી સુનાવણી પણ 23 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાને જામીન મળ્યાના 2 દિવસ બાદ દાખલ કરેલી અરજીમાં કેજરીવાલે CBI દ્વારા પોતાની ધરપકડ અને તે બાદના રિમાન્ડના આદેશોને પડકાર આપ્યો છે અને કેસમાં જામીનની પણ માંગ કરી છે. તેમણે દિલ્હી હાઈકોર્ટના 5 ઑગસ્ટના આદેશને પડકાર્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, કેજરીવાલની ધરપકડ ન તો ગેરકાયદેસર હતી અને ન તો કોઈ આધાર-પુરાવા વગરની હતી, કારણ કે, CBIએ તેમની કસ્ટડી અને રિમાન્ડ માટે જરૂરી તમામ પુરાવા રજૂ કર્યા હતા.
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે અરજીમાં દલીલ કરી હતી કે, જે આધાર પર મનીષ સિસોદિયાને જામીન પર છોડવામાં આવ્યા છે, તે આધાર તેમના પર પણ લાગુ પડવા જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની આ દલીલ ચાલી શકી નહીં. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલને PMLAના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ચૂક્યા છે. CBI કેસમાં પણ નીચલી કોર્ટે જામીન આપી દીધા છે. એમ પણ કહ્યું કે, CBIએ કેસ દાખલ કર્યાના 1 વર્ષ અને 10 મહિના પછી કેજરીવાલની ધરપકડ કરી છે, જે કાયદા અનુસાર નથી. તેમણે કોર્ટને કહ્યું કે, તેમણે વચગાળાના જામીન માટે પણ માંગ કરી છે, પણ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વચગાળાની કોઇ રાહત મળશે નહીં. કોર્ટે CBI પાસે જવાબ માંગ્યો છે, જે રજૂ થયા બાદ 23 ઑગસ્ટના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.