PM મોદીની ડિગ્રીઓ મામલેના કેસમાં કરેલી ટિપ્પણીઓ મામલે ગુજરાત યુનિવર્સીટીએ બદનક્ષીની ફરિયાદ કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંઘ વિરુદ્ધ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં વચગાળાની રોક લગાવવા માટે બંને નેતાઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે.
#Breaking: Gujarat High Court refuses to grant interim stay on the defamation proceedings initiated against Delhi CM Arvind Kejriwal and his party's MP Sanjay Singh for their defamatory statements against Gujarat University. #GujaratHighCourt #ArvindKejriwal #PMModi https://t.co/fc323CNcIE
— Bar & Bench (@barandbench) August 11, 2023
મેટ્રો કોર્ટે બદનક્ષી કેસમાં હાજર થવા માટે બંને નેતાઓને આજની (11 ઓગસ્ટ, 2023) તારીખ આપી હતી, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કોર્ટ બે-ત્રણ વખત સમન્સ પાઠવી ચૂકી છે પરંતુ એક પણ વખત બેમાંથી એકેય સુનાવણી દરમિયાન હાજર રહ્યા ન હતા, જેથી 11 ઓગસ્ટની નવી તારીખ પડી હતી.
હાઈકોર્ટ સમક્ષ અરજી કરીને કેજરીવાલે વિનંતી કરી હતી કે, ટ્રાયલ કોર્ટના આદેશ સામે સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી આ કેસની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટે સમન્સ પાઠવ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંઘે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરીને આ સમન્સ પડકાર્યા હતા.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, તમે આજે કોર્ટમાં હાજર રહેવાનું આશ્વાસન આપ્યું હતું. જો તમે કોર્ટની અવગણના કરતા હો તો એ યોગ્ય નથી. જેના પર કેજરીવાલના વકીલે કહ્યું કે, તેઓ (કેજરીવાલ) વકીલ મારફતે કોર્ટમાં હાજર થયા હતા અને અગાઉ બે વખત દિલ્હીમાં આવેલા પૂરના કારણે હાજરીમાંથી છૂટ આપવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે પૂછ્યું કે હવે તો દિલ્હીમાં બધું ઠીક થઇ ગયું છે તો તમે ક્યારે હાજર થશો?
Amin: They were to appear before the Court today only. But they haven't. When an undertaking is given, it needs to be honoured and respected. #GujaratHighCourt #ArvindKejriwal #PMModi
— Bar & Bench (@barandbench) August 11, 2023
રાજ્ય સરકાર તરફથી પબ્લિક પ્રોસિકયૂટરે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે કેજરીવાલ અને સંજય સિંઘે આજે કોર્ટમાં હાજર થવાનું હતું પણ તેઓ આવ્યા ન હતા. જ્યારે કોર્ટ છૂટ આપે તો તેનું યોગ્ય સન્માન થવું જોઈએ. કોર્ટે પણ એ બાબતની નોંધ લીધી હતી કે બંને નેતાઓએ 11 ઓગસ્ટે હાજર રહેવા માટે જણાવ્યું હતું. કોર્ટે કેજરીવાલના વકીલને પૂછ્યું કે તેઓ ક્યારે હાજર રહેશે? આખરે કોર્ટે રાહત આપવાની ના પાડી દીધી હતી.
શું છે કેસ? અત્યાર સુધી શું બન્યું?
આ કેસ એક અન્ય કેસ સાથે સબંધિત છે. વાસ્તવમાં થોડાં વર્ષો પહેલાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સમક્ષ અરજી કરીને પીએમ મોદીની ડિગ્રી અંગે વિગતો માંગી હતી. ત્યારબાદ કમિશને મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો એ ગુજરાત યુનિવર્સીટી અને દિલ્હી યુનિવર્સીટી તેમજ PMOને આ વિગતો આપવા જણાવ્યું હતું. આ આદેશને ગુજરાત યુનિવર્સીટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગત 31 માર્ચ, 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટે ઇન્ફોર્મેશન કમિશનના આદેશને રદ કરીને કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હાઇકોર્ટના ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંઘે નિવેદનો આપતાં ગુજરાત યુનિવર્સીટી પર પીએમ મોદીની ડિગ્રી છુપાવવાના આરોપો લગાવ્યા હતા. જેને લઈને યુનિવર્સીટીએ અમદાવાદ મેટ્રો કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિ થયાનો દાવો માંડ્યો હતો. 16 એપ્રિલ, 2023ના રોજ કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ મામલો માનહાનિનો લાગતાં યુનિવર્સીટીની અરજી સ્વીકારીને બંને નેતાઓને સમન્સ પાઠવ્યાં હતાં અને 23 મેના રોજ હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ 7 જૂનની બીજી સુનાવણીમાં પણ હાજર ન રહેતાં 13 જુલાઈની તારીખ આપવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમણે દિલ્હીમાં પૂરની સ્થિતિ હોવાનું જણાવીને રાહત માગી હતી, ત્યારબાદ 26 જુલાઈએ આગલી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી, પરંતુ ત્યારે પણ નેતાઓ હાજર ન રહેતાં 11 ઓગસ્ટની તારીખ અપાઈ હતી. બીજી તરફ, AAP નેતાઓએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા પરંતુ કોર્ટે રાહત આપવાની ના પાડી દીધી છે.