Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણવિડીયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં હાજર થયા અરવિંદ કેજરીવાલ, ED સમન્સના અનાદર માટે બજેટ...

    વિડીયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં હાજર થયા અરવિંદ કેજરીવાલ, ED સમન્સના અનાદર માટે બજેટ સત્ર અને વિશ્વાસ મતનું આપ્યું બહાનું આપ્યું: કહ્યું- આવતી વખતે હું પોતે હાજર થઈશ

    મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે કહ્યું કે, "હું કોર્ટમાં આવવા માંગતો હતો, પરંતુ બજેટ સત્ર અને વિશ્વાસ પ્રસ્તાવના કારણે આવી શક્યો નહોતો. આવતી વખતે હું પોતે હાજર થઈશ."

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે તપાસ ટાળતા જોવા મળ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) વારંવાર તેમને સમન્સ પાઠવ્યા હતા. તેમ છતાં તેઓ એકપણ વાર ED સમક્ષ હાજર થયા નહોતા. જે બાદ EDએ CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું હતું. પરંતુ EDને વારંવાર આપેલા બહાના તેમણે કોર્ટને પણ આપ્યા છે. તેઓ બજેટ સત્ર અને વિશ્વાસ મતનું બહાનું આપી કોર્ટમાં હાજર રહ્યા નહોતા. જોકે, તેઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહીમાં જોડાયા હતા.

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 17 ફેબ્રુઆરી 2024ના કોર્ટમાં હાજર રહ્યા નહોતા. જોકે, સુનાવણી દરમિયાન તેઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા રહ્યા હતા. પરંતુ તેઓ કોર્ટની કાર્યવાહીમાં રૂબરૂ હાજર રહ્યા ન હતા. તેમના વકીલે કોર્ટને કહ્યું કે, તેઓ બજેટ સત્ર અને દિલ્હી સરકારના વિશ્વાસ પ્રસ્તાવને કારણે હાજર રહી શક્યા નથી. કેજરીવાલે આ અંગે કહ્યું છે કે, “હું કોર્ટમાં આવવા માંગતો હતો, પરંતુ બજેટ સત્ર અને વિશ્વાસ પ્રસ્તાવના કારણે આવી શક્યો નહોતો. આવતી વખતે હું પોતે હાજર થઈશ.”

    અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કહ્યું કે, કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. આગામી તારીખ 16 માર્ચ 2024 હોવાનું જાણવા મળ્યું છે. જો આ તારીખે બધું બરાબર રહેશે તો અરવિંદ કેજરીવાલ કોર્ટમાં હાજર થશે. નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલના વકીલે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટે કોર્ટમાં અરજી કરી છે.

    - Advertisement -

    EDએ કોર્ટમાં દાખલ કરી હતી ફરિયાદ

    ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા CM કેજરીવાલને વારંવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે, તેમ છતાં તેઓ કોઈપણ પ્રકારનો સહયોગ આપી રહ્યા નથી. જે બાદ EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં રહેવા માટે કહ્યું હતું. જોકે, દર વખતની જેમ આ વખતે પણ તેઓ બહાના બતાવતા જોવા મળ્યા હતા અને વિશ્વાસ મત અને બજેટ સત્રના નામે બચી નીકળ્યા હતા.

    નોંધનીય છે કે, EDએ દારૂ નીતિ કૌભાંડ મામલે પૂછપરછ માટે મુખ્યમંત્રી કેજરીવાલને 5 વાર સમન્સ મોકલ્યા હતા. EDએ તેમને 2 નવેમ્બર, 2023 અને 21 ડિસેમ્બર, 2023એ સમન્સ મોકલ્યા હતા. જે બાદ આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરી, 2024ના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, તેઓ પૂછપરછમાં સામેલ થયા નહોતા. તેમ છતાં એજન્સીએ તેમને વધુ એક સમન્સ પાઠવીને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

    AAP સરકારે વિધાનસભામાં સાબિત કરી બહુમતી

    બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે (16 ફેબ્રુઆરી) વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેના પર શનિવારે (17 ફેબ્રુઆરી) સ્પીકર દ્વારા મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીમાં AAP સરકારે ફરી એકવાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી છે. દિલ્હી વિધાનસભાએ ધ્વનિ મતથી વિશ્વાસ પ્રસ્તાવ પસાર કર્યો છે. ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન AAP સરકારની તરફેણમાં 54 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં માત્ર એક વોટ પડ્યો હતો. નોંધનીય છે કે, 70 સીટોની દિલ્હી વિધાનસભામાં AAP પાસે 62 ધારાસભ્યો છે અને વિપક્ષ ભાજપ પાસે 8 ધારાસભ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં