સુપ્રીમ કોર્ટ દ્વારા મળેલા 21 દિવસના વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં સરેન્ડર કરવા જઈ રહ્યા છે. તેઓ તિહાડ જેલ પ્રશાસનના અધિકારીઓ સામે આત્મસમર્પણ કરશે. તે પહેલાં તેઓ પોતાના ‘શીશમહેલ’થી રાજઘાટ માટે રવાના થયા હતા. તેમણે રાજઘાટ પર ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ ક્નૉટ પેલેસ સ્થિત હનુમાનજી મંદિરે ગયા હતા. જ્યાં તેમણે હનુમાનજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીના (AAPના) કાર્યાલય પર પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ટુંકમાં જેલમાં જતાં પહેલાં કેજરીવાલે દિલ્હી ભ્રમણ કર્યું હતું.
રવિવારે (2 જૂન, 2024) દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં સરેન્ડરર કરવાના છે. સુપ્રીમ કોર્ટે તેમને 21 દિવસના વચગાળા જામીન આપીને ચૂંટણી પ્રચાર માટે મુક્ત કર્યા હતા. જોકે, કેજરીવાલે વચગાળાના જામીન વધારવા માટે અનેક ગતકડા કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી શકી નહોતી. તેથી હવે તેમની પાસે આત્મસમર્પણ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. સુપ્રીમ કોર્ટમાં તેમણે મેડિકલ ચેકઅપનો હવાલો આપીને જામીન વધારવા માટે અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી અને વધુ નિર્ણય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લેવા માટેના નિર્દેશો આપ્યા હતા. પરંતુ અંતે તેમને જામીન મળી શક્યા નહોતા.
#WATCH | Delhi CM and AAP national convenor Arvind Kejriwal reaches party office in Delhi.
— ANI (@ANI) June 2, 2024
Arvind Kejriwal will surrender at Tihar Jail later today at the end of his interim bail granted by Supreme Court to campaign for Lok Sabha elections on May 10. He was asked to surrender… pic.twitter.com/V9Ae3H55sE
તિહાડ જેલમાં સરેન્ડર કર્યા પહેલાં અરવિંદ કેજરીવાલ તેમના પત્ની સુનિતા કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ ક્નૉટ પેલેસ ખાતે હનુમાનજીના દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ પાર્ટી ઓફિસમાં પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધિત કરીને રાબેતામુજબ ઈમોશનલ વાર્તાલાપ કર્યો હતો. તેમની સાથે દિલ્હી સરકારના મંત્રી આતિષી, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગહલોત અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર હતા.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 10 મે, 2024ના રોજ 21 દિવસ માટે ચૂંટણી પ્રચાર કરવા વચગાળાના જામીન આપ્યા હતા. તેની અવધિ 2 જૂનના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. તેથી અરવિંદ કેજરીવાલ હવે તિહાડ જેલમાં સરેન્ડર કરશે. સરેન્ડર બાદ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ અને તેની સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે એજન્સીઓ તેમની તપાસ આગળ વધારશે. હાલ EDએ ચાર્જશીટમાં તેમને અને આમ આદમી પાર્ટીને આરોપી બનાવ્યા છે. કેજરીવાલને તો ‘મુખ્ય કાવતરાખોર’ ગણવામાં આવ્યા છે.
એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં થઈ હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલની 21 માર્ચ 2024ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ તેમને દિલ્હી લિકર પોલિસી કેસના કિંગપિન ગણાવ્યા છે. એજન્સીનું કહેવું છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે તેઓ લિકર પોલીસી થકી થયેલા કરોડોના કૌભાંડનું કાવતરું રચવામાં મુખ્ય રૂપે સામેલ હતા. એજન્સીએ તેમની પૂછપરછ માટે 9 સમન્સ પણ મોકલ્યાં હતા. જોકે, કેજરીવાલ એકપણ સમન્સ પર હાજર થયા નહોતા.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગ મામલે તેમની પૂછપરછ કરવા માટે એજન્સીએ અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ કેજરીવાલ તેમાં કોઈ સહકાર આપી રહ્યા નહોતા. તેમના પર આરોપ છે કે, તેમણે દારૂ નીતિમાં કૌભાંડ આચારીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટ તેમના વચગાળાના જામીન ન વધારે તો તેમણે 2 જૂનના રોજ ફરી જેલભેગા થવું પડશે.