Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન-તૂર્કીના જોરે કૂદતા અઝરબૈજાનને એક ઝાટકે પરાસ્ત કરવા આર્મેનિયાએ ભારત સાથે હાથ...

    પાકિસ્તાન-તૂર્કીના જોરે કૂદતા અઝરબૈજાનને એક ઝાટકે પરાસ્ત કરવા આર્મેનિયાએ ભારત સાથે હાથ મિલાવ્યા: બંને દેશો વચ્ચે 2 હજાર કરોડની હથિયારોની ડીલ

    અઝરબૈજાન સાથે સરહદીય તણાવ વચ્ચે આર્મેનિયા ભારત પાસેથી હથિયારોની ખરીદી કરશે, અત્યાધુનિક પિનાકા સિસ્ટમ પણ સામેલ.

    - Advertisement -

    અઝરબૈઝાન સાથે ચાલતા વિવાદ વચ્ચે આર્મેનિયાએ ભારત સાથે હથિયારોની એક મોટી ડીલ કરી છે, જેમાં ભારત મિસાઈલ, રોકેટ લોન્ચર્સ, હથિયારો અને વિસ્ફોટકો એક્સપોર્ટ કરશે. ભારત સાથેની આ ડીલ આર્મેનિયાને સુરક્ષામાં વધારો કરવામાં મદદરૂપ થશે, જ્યારે બીજી તરફ ભારતના હથિયારોના ઉદ્યોગને પણ વેગ મળશે. 

    રિપોર્ટ્સ અનુસાર, હથિયારો માટે બંને દેશોએ લગભગ બે હજાર કરોડની ડીલ કરી છે. જે મુજબ ભારત આર્મેનિયાને વિસ્ફોટકો અને અત્યાધુનિક હથિયારો આપશે. જેમાં પિનાક રોકેટ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ભારત પાસેથી આ સિસ્ટમ મેળવનારો આર્મેનિયા પ્રથમ દેશ બનશે. 

    પિનાક મલ્ટી બેરેલ રોકેટ લોન્ચર્સને ભારતીય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને વિકસાવી છે, જેનું નિર્માણ અલગ-અલગ સ્વદેશી ખાનગી કંપનીઓએ કર્યું છે. માર્ક 1 માટે પિનાકાની મહત્તમ રેન્જ 40 કિલોમીટર અને માર્ક 1ના અપડેટ વર્ઝનની રેન્જ 60 કિલોમીટર સુધીની છે. આ સિસ્ટમ માત્ર 44 સેકન્ડમાં 12 રોકેટ છોડવાની ક્ષમતા ધરાવે છે. આ રોકેટ સિસ્ટમ ઉપરાંત આર્મેનિયાને એન્ટી ટેન્ક રોકેટ અને વિસ્ફોટકો પણ સપ્લાય કરવામાં આવશે. 

    - Advertisement -

    એક અહેવાલ અનુસાર, સરકારે વર્ષ 2025 સુધીમાં 35 હજાર કરોડનાં હથિયારોનું વેચાણ કરી બહારના દેશોમાં એક્સ્પોર્ટ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ગત વર્ષે 13 હજાર કરોડનાં હથિયારોનું એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું. મોદી સરકાર સતત ડિફેન્સ એક્સપોર્ટ વધારવા પર ધ્યાન આપી રહી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    જોકે, આર્મેનિયાએ પહેલીવાર ભારત સાથે હથિયારોની ડીલ કરી નથી. વર્ષ 2020માં પણ સરકારે 350 કરોડની કિંમતના રડાર એક્સપોર્ટ કર્યા હતા. જોકે, આટલી મોટી ડીલ પહેલી વખત થઇ છે. 

    આર્મેનિયા અને તેના પાડોશી દેશ અઝરબૈજાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ઘર્ષણ થયું હતું, જેમાં જાનહાનિ પણ ઘણી થઇ હતી. 

    અઝરબૈજાનના પાકિસ્તાન અને તુર્કી જેવા ઇસ્લામિક રાષ્ટ્રો સાથે સારા સબંધો રહ્યા છે. ત્રણેય દેશો વર્ષ 2020માં 44 દિવસ માટે સંયુક્ત યુદ્ધાભ્યાસ પણ કર્યા હતા. જેને ‘થ્રી બ્રધર્સ’ નામ આપવામાં આવ્યું હતું. 

    ભારત પાસેથી હથિયારોની ખરીદી બાદ આર્મેનિયાને સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂતાઈ મળશે અને બીજી તરફ અઝરબૈજાન પર પણ તેની અસર પડશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં