Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશિવલિંગ ઉખાડ્યું, હનુમાનજી અને નંદી મહારાજની મૂર્તિઓના ટુકડા કર્યા: વારાણસીમાં મંદિર પર...

    શિવલિંગ ઉખાડ્યું, હનુમાનજી અને નંદી મહારાજની મૂર્તિઓના ટુકડા કર્યા: વારાણસીમાં મંદિર પર અસામાજિક તત્વો ત્રાટક્યા; સ્થાનિક હિંદુઓમાં રોષ

    ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ હતી અને CCTV અને અન્ય પુરાવાઓ દ્વારા આ ઉપદ્રવીઓનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક મંદિર પર ત્રાટકેલા કેટલાક ઈસમોએ મૂર્તિઓ ખંડિત કરી નાંખી હતી. આ ઘટના ચૌબેપુરના ડૂબકીયાં ગામથી સામે આવી છે. જ્યાં ખૂબ જૂના હનુમાન મંદિરમાં સ્થાપિત ભગવાન હનુમાનજીની પ્રતિમાને તોડી નાંખવામાં આવી છે. આ સાથે જ શિવાલયમાંથી શિવલિંગ ઉખાડી નાંખ્યું છે અને નંદી મહારાજ અને ત્રિશુલ ખંડિત કરીને અજાણ્યા અસામાજિક તત્વો ભાગી છૂટ્યા છે. બીજી તરફ, ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

    મીડિયા અહેવાલો અનુસાર, વારાણસીમાં મંદિર પર અસામાજિક તત્વો ત્રાટક્યા અને મૂર્તિઓ ખંડિત કરી નાંખી હોવાના સમાચાર સ્થાનિક વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જે બાદ આક્રોશિત હિંદુઓના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ હતી અને CCTV અને અન્ય પુરાવાઓ દ્વારા આ ઉપદ્રવીઓનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી હતી. તો બીજી તરફ આક્રોશિત જનતાના રોષને જોતાં પોલીસે ખંડિત મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓ સ્થાપિત કરવાનું વચન આપ્યું છે.

    વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાંખવામાં આવ્યો

    નોંધનીય છે કે આ ઘટના ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ડૂબકીયા સ્થિત ખપડીયા બાબા આશ્રમના દક્ષીણમુખી હનુમાન મંદિરની છે. આ મંદિરમાં તમામ હિંદુ દેવી-દેવતાઓ સહિત હનુમાનજી અને શિવલિંગને સ્થાપિત કરવામાં આવ્યાં છે. ગત રાત્રે લગભગ 3 વાગ્યાના આરસમાં ઉપદ્રવી અસામાજિક તત્વોએ મંદિરના શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી હતી. દરમિયાન સીતારામ નામના શ્રદ્ધાળુ મંદિરમાં દર્શન કરવા આવી પહોંચતા આ ઘટનાનો ખુલાસો થયો હતો. ઘટનાને લઈને વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિને જોતા આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાંખવામાં આવ્યો છે.

    - Advertisement -

    પોલીસે નવી મૂર્તિ સ્થાપિત કરવાનું આશ્વાશન આપ્યું

    મંદિરમાં તોડફોડ અને ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાના સમાચાર વાયુવેગે વિસ્તારમાં ફેલાઈ જતા શ્રદ્ધાળુઓના ટોળેટોળાં મંદિરે ભેગા થઇ ગયા હતાં અને આરોપીઓની ઓળખ કરીને તેમના પર કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, દરમિયાન લોકોએ આક્રોશ જતાવતાં ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે મંદિરમાં નવી મૂર્તિ અને શિવલિંગ સ્થાપિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. અહેવાલો મુજબ તપાસ અધિકારી ઇન્સ્પેકટર રાજીવ સિંહએ જણાવ્યું હતું કે, હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. CCTVની પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આરોપીઓની ઓળખ નથી થઈ શકી.

    આ પહેલા પણ ઘટી ચુકી છે આવી ઘટના

    કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય અગાઉ આ વિસ્તારથી જ નજીકના શિવપુર પોલીસ સ્ટેશનની હદમાં ડીહ બાબા મંદિરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. તે વખતે 10 દાનપાત્રો તોડીને લાખો રૂપિયા લૂંટી લીધા હતા. આટલું જ નહીં, ચોર ટોળકીએ મંદિરમાં લાગેલા CCTV અને DVRની પણ ચોરી કરી હતી. તો બીજી તરફ ચૌબેપુર ઘટનામાં એસપી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે મૂર્તિઓ ખંડિત કરનાર અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગોમાં ઝડપી લેવામાં આવશે અને ખંડિત મૂર્તિઓ પોલીસ દ્વારા નવી બનાવડાવી આપવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં