અમેરિકન અબજપતિ જ્યોર્જ સોરોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ક્રોની કેપીટલિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે મોદીને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે ખાસ સંબંધો છે. તેમણે કહ્યું, “મોદી અને અદાણી બહુ નજીકથી કાર્ય કરે છે. તેમનાં ભાગ્ય એકબીજાં સાથે જોડાયેલાં છે.”
જર્મનીમાં આયોજિત મ્યુનિખ સુરક્ષા સંમેલન અગાઉ ટેક્નીકલ યુનિવર્સીટી ઓફ મ્યુનિખનાં (TUM) એક કાર્યક્રમને સંબોધિત કરતાં ગુરુવારે (16th February 2023) સોરોસે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. સોરોસે કહ્યું, “અદાણી એન્ટરપ્રાઈઝીસે શેરબજારમાંથી મૂડી ભેગી કરવાની કોશિશ કરી પરંતુ તેઓ અસફળ રહ્યાં હતાં. અદાણી પર શેરની હેરફેર કરવાનો આરોપ છે. તેમનો શેર રેતીના કિલ્લાની માફક પડી ભાંગ્યો છે.”
આ અમેરિકી અબજપતિ જ્યોર્જ સોરોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી સમૂહની કથિત હેરફેરમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, “મોદી આ મામલે ચુપ છે. પરંતુ તેમણે વિદેશી રોકાણકારો અને સંસદમાં ઉભા થયેલાં પ્રશ્નોનો ઉત્તર આપવો જ પડશે.”
જ્યોર્જ સોરોસનું આ નિવેદન હિન્ડેનબર્ગ રિસર્ચના 3200 પાનાનાં એ રીપોર્ટના ત્રણ અઠવાડિયાં બાદ આવ્યું છે જેમાં અદાણી જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અદાણી સમુહે પણ આનાં જવાબમાં 413 પાનાની સ્પષ્ટતા આપીને હિન્ડેનબર્ગ રીપોર્ટ અસત્ય હોવાનો દાવો કર્યો હતો. આ રીપોર્ટને અદાણીએ ભારત તેમજ ભારતીય કંપનીઓ તેમજ દેશનાં વિકાસ પર સુનિયોજિત હુમલો ગણાવ્યો હતો.
રાષ્ટ્રવાદીઓ તેમજ મોદી વિરોધી છે જ્યોર્જ સોરોસ
મૂળ હંગેરીના એવા અમેરિકન અજબપતિ જ્યોર્જ સોરોસે વર્ષ 2020માં એક વૈશ્વિક વિશ્વવિદ્યાલય શરુ કરવા માટે 100 કરોડ ડોલર આપવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આ વિશ્વવિદ્યાલયની સ્થાપના “રાષ્ટ્રવાદીઓ સામે લડવા” માટે કરવામાં આવશે. સોરોસે સરમુખત્યાર સરકારો અને જલવાયુ પરિવર્તનને માનવજાતિનાં અસ્તિવ માટે ભયજનક ગણાવ્યાં હતાં.
વૈશ્વિક નેતાઓ પર હુમલો કરતાં સોરોસે કહ્યું હતું કે અમેરિકા, ચીન અને રશિયા જેવી દુનિયાની સહુથી તાકાતવાન શક્તિઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કબજામાં છે અને આ પ્રકારના સત્તા પર પકડ બનાવી રાખનારા શાસકોમાં વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત સોરોસે એવો દાવો પણ કર્યો હતો કે તેમનાં માટે સહુથી મોટો અને જબરદસ્ત આઘાત ભારતમાંથી મળ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમણે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો આરોપ પણ મુક્યો હતો.
જ્યોર્જ સોરોસે કહ્યું હતું કે, “રાષ્ટ્રવાદ ઘણો આગળ નીકળી ગયો છે. સહુથી મોટો અને ભયંકર આઘાત ભારતને લાગ્યો છે કારણકે ત્યાં લોકતાંત્રિક સ્વરૂપે ચૂંટાયેલા નરેન્દ્ર મોદી ભારતને એક હિંદુ રાષ્ટ્ર બનાવી રહ્યાં છે.” સોરોસે નરેન્દ્ર મોદી પર આરોપ મુક્યો હતો કે તેઓ કાશ્મીરમાં કડક હાથે કામ કરી રહ્યાં છે. આ એક એવું અર્ધ સ્વાયત્ત મુસ્લિમ ક્ષેત્ર છે જ્યાંના લાખો નાગરિકોને તેમની નાગરિકતાથી દૂર રાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.