બુધવારે (13 સપ્ટેમ્બર, 2023) જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારીઓ અને એક જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી એમ ત્રણ જવાનો વીરગતિ પામ્યા. આતંકીઓ છુપાયા હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ તેઓ ઓપરેશન પર નીકળ્યા હતા, જ્યાં તેમને ગોળી વાગી ગઈ અને વારાફરતી ત્રણેયે હોસ્પિટલમાં દમ તોડી દીધો. આ ત્રણ અધિકારીઓમાં કર્નલ મનપ્રીતસિંઘ, મેજર આશિષ ધૌંચક અને DSP (જમ્મુ-કાશ્મીર પોલીસ) હુમાયુ ભટનો સમાવેશ થાય છે. દેશ તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કરીને નમન કરી રહ્યો છે.
અદમ્ય સાહસનું પ્રતીક હતા કર્નલ મનપ્રીત સિંઘ, મળી ચૂક્યું હતું સેના મેડલ
41 વર્ષીય કર્નલ મનપ્રીત સિંઘ સર્ચ ઓપરેશન શરૂ કરનારી બટાલિયનનું નેતૃત્વ કરી રહ્યા હતા અને અગ્રિમ મોરચે હતા. તેમનો પરિવાર ચંદીગઢમાં રહે છે. અંતિમ વખત બુધવારે સવારે તેમણે પરિવાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ આર્મી ઓપરેશન માટે જઈ રહ્યા છે અને પરત ફર્યા બાદ સાંજે વાત કરશે. પરંતુ તે પહેલાં જ તેમણે બલિદાન આપી દીધું.
તેમના ભાઇએ મીડિયાને જણાવ્યું હતું કે, “મેં આજે સવારે પોણા સાત વાગ્યે તેમની સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વ્યસ્ત છે અને આર્મી ઓપરેશન પૂર્ણ થઈ જાય ત્યારબાદ સાંજે મને ફોન કરશે. બપોરે અમને જાણકારી મળી કે તેઓ ઇજાગ્રસ્ત થયા છે.” તેમણે જણાવ્યું કે કર્નલનાં પત્નીને પતિના નિધન અંગેના સમાચાર આપવામાં આવ્યા નથી અને માત્ર ઈજાગ્રસ્ત થયા હોવાનું જ જણાવ્યું છે. સૈન્ય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેમના પાર્થિવ દેહને વતન લાવવામાં આવશે. તેમનું વતન મોહાલીમાં છે.
મનપ્રીતસિંઘ પત્ની અને બે બાળકો (6 વર્ષીય પુત્ર, 2 વર્ષીય પુત્રી)ને છોડી ગયા છે. પત્ની વ્યવસાયે શિક્ષિકા છે. તેમના પુત્રનો આગામી મહિને જન્મદિવસ આવે છે, જે માટે ઘરે આવવાના હતા. તેમની વીરગતિના સમાચાર સાંભળીને ગામમાં માતમ છવાઈ ગયો છે.
મનપ્રીતસિંઘ સેનામાં 17 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂક્યા હતા. વર્ષ 2021માં કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેમને સૈન્ય પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, 2016માં કુખ્યાત આતંકવાદી બુરહાન વાનીને પણ મનપ્રીતસિંઘે જ ઠાર કર્યો હતો. સેવા દરમિયાન પહેલા ત્રણ વર્ષ સેકેન્ડ ઇન કમાન્ડ અને ત્યારબાદ બે વર્ષ કમાન્ડિંગ ઓફિસર તરીકે, એમ કુલ પાંચ વર્ષ રાષ્ટ્રીય રાયફલ્સ સાથે વીતાવ્યાં. ચાર મહિનામાં તેમનો રાષ્ટ્રીય રાઇફલ્સ સાથેનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો.
ઓક્ટોબરમાં ઘરે આવવાના હતા મેજર આશિષ ધૌંચક
મેજર આશિષ ધૌંચક મૂળ પાણીપતના રહેવાસી હતા. વર્ષ 2013માં પ્રથમ પ્રયાસમાં SSBની પરીક્ષા પાસ કરીને લેફ્ટનન્ટ બન્યા હતા. અત્યાર સુધીમાં તેમણે ભટિંડા, મેરઠ અને જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી હતી. બે વર્ષ પહેલાં જ તેમની બદલી જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. આગામી મહિને તેઓ નવા ઘરમાં ગૃહપ્રવેશ પ્રસંગે ઘરે આવવાના હતા.
પરિજનોએ જણાવ્યું કે, આશિષ ભણતર સાથે રમતગમતમાં પણ અવ્વલ હતા અને બેડમિન્ટનના ખેલાડી હતા. સાદું જીવન જીવતા હતા. હાલ તેમનું નવું મકાન બની રહ્યું છે, જે લગભગ તૈયાર છે અને આગામી 23 ઓક્ટોબરના રોજ તેમાં ગૃહપ્રવેશ પણ કરવાનો હતો, પરંતુ તે પહેલાં જ તેઓ વીરગતિ પામ્યા. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની, ત્રણ બહેનો અને એક પુત્રી છે.
તેમના પિતા પાણીપત સ્થિત એક ફર્ટિલાઇઝર કંપનીમાં નોકરી કરતા હતા. બે વર્ષ પહેલાં સેવાનિવૃત્તિ પછી તેમણે એક પ્લોટ લઈને મકાન બનાવવાનું શરૂ કર્યું હતું.
કાશ્મીરના DIGના પુત્ર હતા હુમાયુ, બે મહિનાની છે પુત્રી
હુમાયુ ભટ મૂળરૂપે પુલવામા જિલ્લાના ત્રાલના રહેવાસી હતા. જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડીએસપી તરીકે ફરજ બજાવતા હતા. તેમના પિતા ગુલામ હસન ભટ કાશ્મીરના ડીઆઇજી રહી ચૂક્યા છે. હાલ તેમનો પરિવાર શ્રીનગરમાં રહેતો હતો. હુમાયુ ભટ માતા-પિતા, પત્ની અને માત્ર બે મહિનાની બાળકીને છોડી ગયા છે. ગત વર્ષે જ તેમનાં નિકાહ થયા હતા.
હુમાયુ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DSP હતા અને ત્રણ વર્ષથી આ પદ પર ફરજ બજાવતા હતા. બુધવારે ઓપરેશન દરમિયાન તેઓ પણ ટીમમાં સામેલ હતા. આતંકવાદીઓના ગોળીબારમાં તેમને ગોળી વાગી ગઈ અને ત્યારબાદ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઇ જવાયા, ત્યાં તેમણે દમ તોડી દીધો હતો.
તેમની અંતિમ ક્રિયા બુધવારે રાત્રે જ પૂર્ણ કરવામાં આવી હતી. સેનાએ શ્રદ્ધાંજલિ આપી તે વખતે તેમના પિતા ગુલામ હસન પણ વીરગત પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.
ત્રણેય જવાનો મંગળ-બુધ દરમિયાન અનંતનાગમાં ચાલેલા સૈન્ય ઓપરેશનનો ભાગ હતા અને અગ્રિમ મોરચે રહીને લડી રહ્યા હતા. મંગળવારે સાંજે ઇનપુટ મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે સાંજે સ્થગિત કરાયું હતું. ત્યારબાદ બુધવારે ફરીથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં આતંકવાદીઓએ તેમની ઉપર ગોળીબાર કરી દીધો હતો.
સૌથી આગળ રહેલા કર્નલ મનપ્રીતસિંઘને ગોળી વાગ્યા બાદ બાકીના અધિકારીઓએ આતંકવાદીઓનો સામનો કર્યો હતો, પરંતુ તેમને પણ ગોળી વાગી ગઈ હતી. ત્રણેય જવાનોને ત્યારબાદ હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા ન હતા. દેશ ત્રણેય વીરગત જવાનોને નમન કરી રહ્યો છે.