Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલો: કરાંચીની અહમદીયા મસ્જિદ પર ચડીને કટ્ટરપંથીઓના ટોળાએ તોડફોડ...

    પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલો: કરાંચીની અહમદીયા મસ્જિદ પર ચડીને કટ્ટરપંથીઓના ટોળાએ તોડફોડ કરી, તમાશો જોતી રહી પોલીસ- વિડીયો વાયરલ

    જે સમયે આ મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી રહી હતી તે સમયે પાકિસ્તાનની સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી

    - Advertisement -

    સામાન્ય રીતે પાકિસ્તાનથી હિંદુ મંદિરો તોડવાના દ્રશ્યો સામે આવતા હોય છે પણ તાજેતરમાં સામે આવેલા એક વિડીયોએ કુતુહલ સર્જી દીધું હતું. હવે પાકિસ્તાનમાં કટ્ટરપંથી મુસ્લિમોએ અહમદીયા સમુદાયની મસ્જિદને ટાર્ગેટ કરીને તેમાં તોડફોડ કરી છે. આ તોડફોડ કરનારા લોકો કટ્ટર ઇસ્લામી પાર્ટી ‘તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન’ના સભ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહમદીયા મસ્જિદમાં હુમલો કરતા લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં જે અહમદીયા મસ્જિદમાં હુમલો થયો તે કરાંચીમાં આવેલી છે, જેનું નામ કાદીમીયા મસ્જિદ છે. હુમલાખોર કટ્ટરપંથી મુસ્લિમોએ આ મસ્જિદની મિનારો અને છાજલીઓ પર ચડીને તોડફોડ કરી હતી. તોડફોડના આ વિડીયોમાં 4 લોકો હાથમાં હથોડા લઈને મસ્જિદને નુકસાન પહોંચાડતા જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત સ્થાનિક લોકોનું ટોળું નીચે ઉભા રહીને તોડફોડનો તમાશો જોઈ રહ્યું છે.

    આ ઘટનામાં વિચારવા જેવી બાબત તો તે છે કે જે સમયે આ મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી રહી હતી તે સમયે પાકિસ્તાનની સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતી અને મસ્જિદની નીચે ઉભેલા ટોળા સાથે રહીને પોલીસ પણ માત્ર તમાશો જોઈ રહી હતી. મસ્જિદની પાસે ઉભેલા લોકો કે પોલીસ કોઈએ પણ મસ્જિદને નુકસાન પહોંચાડતા લોકોને અટકાવવા કોઈ પગલાં લીધાં ન હતાં. હુમલો કરનારા TLPના લોકો પોલીસની નજર સામે ફરાર થઈ ગયા હતા તો બીજી તરફ કરાંચી પોલીસ હુમલાખોરોને પકડવા અને ઘટનાની તપાસ કરવાના પોકળ દાવાઓ કરી રહી છે.

    - Advertisement -

    અહમદીયા સમુદાયની મસ્જિદ પર હુમલાની આ બીજી ઘટના

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અહમદીયા સમુદાયની મસ્જિદ પર હુમલાની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય અગાઉ પણ કરાંચીના જ જમશેદ રોડ પર આવેલા અહમદી જમાતના વઝુખાના પર આ પ્રકારનો જ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જમાતખાનાની મિનારોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. અહીં નોંધવું જરૂરી છે કે વર્ષ 1974માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન જુલ્ફીકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાની બંધારણમાં સંશોધન કરીને અહમદીયા મુસ્લિમોને ગેર-મુસ્લિમ ઘોષિત કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનમાં અહમદીયા મુસ્લિમો ભેદભાવ અને પ્રતાડના ભોગવી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે હજુ તાજેતરમાં જ પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, આ હુમલામાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો જયારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. નમાજના સમયે થયેલા આ હુમલા સમયે મસ્જિદમાં લગભગ 400થી વધુ લોકો હાજર હતા. હુમલાની જવાબદારી ‘તહરીક-એ-તાલીબાન’ નામના સંગઠને લીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં