કર્ણાટકમાં ડેરી જાયન્ટ અમૂલના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાના કોલ વચ્ચે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે રાજ્યના ડેરી માર્કેટમાં કંપનીની એન્ટ્રી સ્પર્ધા કરવા માટે નથી પરંતુ સ્થાનિક નંદિની બ્રાન્ડ સાથે સહઅસ્તિત્વ માટે છે.
અહેવાલો મુજબ બ્રુહત બેંગલુરુ હોટેલ એસોસિએશને તમામ હોટલ માલિકોને અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અને કર્ણાટકના ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે ‘રાજ્યનું ગૌરવ’ નંદિનીનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બહિષ્કારના એલાન સાથે, આ મુદ્દા પર રાજકીય નિવેદનબાજી પણ તીવ્ર બની છે અને વિપક્ષી નેતાઓએ કર્ણાટક સરકાર પર ‘રાજ્યના ગૌરવ’, નંદિની બ્રાન્ડને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.
મહેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને એક વિશિષ્ટ વાર્તાલાપમાં કહ્યું, “તે અમૂલ વિરુદ્ધ નંદિની વિશે નથી પરંતુ તે અમૂલ અને નંદિની છે. બંને ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થાઓ છે જે સમાન હિતો પર કામ કરે છે. અમે અહીં નંદિની સાથે સ્પર્ધા કરવા નથી આવ્યા.”
‘BoycottAmul’ અને ‘GoBackAmul’ જેવી ટીકાઓ અને સૂત્રોનો જવાબ આપતા, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ કહ્યું, “અમે અમારી રીતે આવતી પ્રતિક્રિયાઓ પર ટિપ્પણી અથવા ટીકા કરી શકતા નથી. અમારો વિરોધ કરનારાઓ પણ અમારા ગ્રાહક છે. તેઓ તેમના મનની વાત કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ નંદિની અને અમૂલ વચ્ચેના સારા સંબંધોને કંઈપણ બદલશે નહીં.”
તેઓએ આગળ કહ્યું, “અમે નંદિની સાથે અનેક મુદ્દે નજીકથી કામ કરીએ છીએ. છેલ્લા એક દાયકાથી, અમે બેંગલુરુમાં મધર ડેરીના પ્લાન્ટમાં નંદિની દૂધનો ઉપયોગ કરીને અમૂલ આઈસ્ક્રીમનું પેકિંગ કરીએ છીએ. જ્યારે અમારી પાસે ચીઝની અછત હતી ત્યારે પણ અમે નંદિની પાસેથી ચેડર ચીઝ ખરીદી હતી જ્યારે તેઓ સરપ્લસ હતા.”
શું છે અમૂલ-નંદિની વિવાદ?
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને તાજેતરમાં જ ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા બેંગલુરુમાં અમૂલ દૂધ અને દહીં રજૂ કરવાની યોજના જાહેર કરી છે.
A new wave of freshness with milk and curd is coming
— Amul.coop (@Amul_Coop) April 5, 2023
to Bengaluru. More information coming soon. #LaunchAlert pic.twitter.com/q2SCGsmsFP
કર્ણાટકના વિપક્ષી નેતાઓ દ્વારા આ કાર્યવાહીની ટીકા કરવામાં આવી હતી, જેમણે દાવો કર્યો હતો કે તે KMFની માલિકીની નંદિની બ્રાન્ડના હિતોને નુકસાન પહોંચાડશે.
સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન તાકતાં કહ્યું કે કેવી રીતે બરોડા બેંકે વિજયા બેંકને સબમર્જ કરી અને દાવો કર્યો કે બંદરો અને એરપોર્ટ અદાણીને સોંપવામાં આવ્યા હતા. અને હવે અમૂલનો વારો છે.
કર્ણાટક કોંગ્રેસના વડા શિવકુમારે કહ્યું કે અમૂલ કરતાં નંદિની દૂધની વધુ ‘સારી’ બ્રાન્ડ છે તથા કર્ણાટકના દૂધ અને ખેડૂતોને ‘સુરક્ષિત’ કરવામાં આવશે. તેમણે કહ્યું કે “અમે અમારા કર્ણાટક અને અમારા ખેડૂતોના દૂધની રક્ષા કરવા માંગીએ છીએ.”