Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ નહીં જ મળે; જગદીશ ઠાકોરના પ્રદેશ...

    ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ નહીં જ મળે; જગદીશ ઠાકોરના પ્રદેશ પ્રમુખ તરીકે ગણતરીના દિવસો?

    આ રીતે જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસને અને તેનાં વિધાનસભા પક્ષ બન્નેને ગુજરાત સરકાર અને વિધાનસભા અધ્યક્ષની દયા થશે તો જ વિપક્ષી નેતાનું પદ મળી શકે છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક હાર બાદ ગુજરાત કોંગ્રેસને હજી કળ પણ નથી વળી પરંતુ તેનાં માટે માઠા સમાચારોની લાઈન હજી લાંબી ને લાંબી જ થતી જાય છે. ગુજરાત વિધાનસભાના સેક્રેટરીએટ તરફથી મળેલા પત્ર બાદ માંડ માંડ પ્રદેશ કોંગ્રેસે પૂર્વ પ્રમુખ અમિત ચાવડાને વિધાનસભા પક્ષનાં નેતા તરીકે નિમ્યાં હતાં, પરંતુ હવે પક્ષને જે પદની લાલચ છે એ પદ તેને આ વિધાનસભામાં તો નહીં જ મળે તે લગભગ નક્કી થઇ ગયું છે.

    એક સમાચાર વેબસાઈટ જેણે ભાજપના નેતાને ક્વોટ કર્યા છે તેનું કહેવું છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનાં નેતાનું પદ મેળવવા માટે ઓછામાં ઓછા 19 ધારાસભ્યો કોઇપણ પક્ષ પાસે હોવા જરૂરી છે. પરંતુ કોંગ્રેસ પાસે તેનાથી પણ બે ઓછાં એટલેકે 17 ધારાસભ્ય હોવાથી તેને આ પદ મળશે નહીં. આથી અમિત ચાવડા આ વિધાનસભામાં વિપક્ષનાં નેતા નહીં પરંતુ ફક્ત કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા જ બની રહેશે.

    જો કે નિયમ અનુસાર પુરતી સંખ્યા ન હોવા છતાં પણ જો વિપક્ષના નેતાનું પદ આપવાની ઈચ્છા બહુમતી પક્ષ એટલેકે સરકાર ધરાવે છે તો તે વટહુકમ લાવીને તેમ કરી શકે છે, અથવાતો જો વિધાનસભા અધ્યક્ષ પોતાના હોદ્દાની રુએ આ પ્રકારની નિમણુંક કરી શકતાં હોય છે. આ રીતે જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસને અને તેનાં વિધાનસભા પક્ષ બન્નેને ગુજરાત સરકાર અને વિધાનસભા અધ્યક્ષની દયા થશે તો જ વિપક્ષી નેતાનું પદ મળી શકે છે.

    - Advertisement -

    પરંતુ એક ઘટના એવી પણ બની છે જે અમિત ચાવડાને વિપક્ષનાં નેતાનું પદ નહીં જ મળે તે બાબતને પાક્કી કરે છે. ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરીએ હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને વિપક્ષી નેતાને મળનારો બંગલો ફાળવી દીધો છે. આમ આ વખતે ગુજરાત વિધાનસભા આધિકારિકરીતે વિપક્ષી નેતા વિહોણી જ રહે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

    બીજી તરફ વિધાનસભામાં ગુજરાત કોંગ્રેસને મળેલી કારમી હારના દોઢ મહિના બાદ હવે પક્ષનું હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પણ હટાવવા માટે તૈયાર થયું છે. કેટલાક સમાચારો એમ જણાવે છે કે જગદીશ ઠાકોરને આ મહિનાનાં અંત સુધીમાં પાણીચું પકડાવી દેવામાં આવશે. જો વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડા એટલેકે ક્ષત્રિય હોય તો પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ પાટીદારના નામ અંગે વિચારણા પણ થઇ શકે છે.

    તેમ છતાં હાલમાં પક્ષમાં અર્જુન મોઢવાડિયા, પરેશ ધાણાની, ડૉ જીતુ પટેલ, અને દીપક બાબરિયાના નામ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે. આ નામોમાં અર્જુન મોઢવાડિયા અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે તો પરેશ ધાણાની ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બની ચુક્યા છે.

    એક રીતે જોવા જઈએ તો જો પરેશ ધાણાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનશે તો 2019ની લોકસભાની હારની જવાબદારી લઇને તે સમયનાં પોતપોતાના પદ પરથી રાજીનામું આપી ચુકેલા ધાણાની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ફરીથી ગુજરાત કોંગ્રેસ મહત્વની જવાબદારી આપીને સમયનું એક આખું ચક્ર પૂરું કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં