Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાત'ગરબામાં તિલક અને ગૌમૂત્ર આચમન બાદ જ આપવો પ્રવેશ': અંબાજીમાં બાગેશ્વરધામ સરકારનું...

    ‘ગરબામાં તિલક અને ગૌમૂત્ર આચમન બાદ જ આપવો પ્રવેશ’: અંબાજીમાં બાગેશ્વરધામ સરકારનું નિવેદન, કહ્યું- મુસ્લિમ યુવકો પોતાની બહેનોને ગરબામાં લાવી બહેનચારો નિભાવે

    "લવ જેહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યો છે. નવરાત્રિમાં ગરબામાં ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ નિભાવે. આયોજકોએ ગરબામાં આવતા તમામ લોકોને તિલક કરી, ગંગાજળ-ગૌમૂત્રનું આચમન કરાવીને જ પ્રવેશ આપવો જોઈએ."

    - Advertisement -

    ગુજરાતમાં નવરાત્રિનો માહોલ છે. લોકો ઉત્સાહ અને ઉમંગથી માતાજીના નોરતાને રાસ-ગરબા થકી વધાવી રહ્યા છે. તેવામાં પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે પધારેલા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ગરબા અને નવરાત્રિને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ગરબામાં આવતા તમામ લોકોને કપાળે તિલક કરી, ગંગાજળ અને ગૌમૂત્રનું આચમન કરાવીને જ પ્રવેશ આપવો જોઈએ. સાથે તેમણે એવું પણ કહ્યું કે મુસ્લિમ યુવકો ભાઈચારો નિભાવવા માટે ગરબામાં પ્રવેશે છે તો તેમણે પોતાની બહેનને પણ સાથે લાવવી જોઈએ અને બહેનચારો પણ નિભાવવો જોઈએ.

    પવિત્ર નવરાત્રિ નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા માટે તેઓ પગપાળા યાત્રા કરશે. આ સાથે તેમણે લવ જેહાદ અને ગરબાને લઈને પણ નિવેદન આપ્યા હતા.

    ગૌમૂત્ર, ગંગાજળ પીવડાવી ગરબામાં આપવો પ્રવેશ

    પત્રકાર પરિષદમાં જ્યારે બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લવજેહાદ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, “લવ જેહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યો છે. નવરાત્રિમાં ગરબામાં ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ નિભાવે. આયોજકોએ ગરબામાં આવતા તમામ લોકોને તિલક કરી, ગંગાજળ-ગૌમૂત્રનું આચમન કરાવીને જ પ્રવેશ આપવો જોઈએ.” બાબા બાગેશ્વરે આ નિવેદન નવરાત્રિમાં થતાં લવ જેહાદના કિસ્સાઓને લઈને આપ્યું હતું.

    - Advertisement -

    ‘સનાતન જ જીવનનો રસ્તો છે’

    પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં પત્રકાર પરિષદ દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સનાતન ધર્મ વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. સાથે તેમણે ભારતભરમાં પગપાળા યાત્રા કરી હિંદુઓને જાગૃત અને એકત્રિત કરવાનું પણ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે,” મારે ત્યાં બધાની અરજીનો સ્વીકાર થાય છે અને મારી અરજી મા અંબાએ સ્વીકારી છે.”

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રિ જેવા પવિત્ર હિંદુ તહેવારને ધ્યાને રાખીને કેટલીક જગ્યાએ ગરબા આયોજકોએ મહત્વના નિર્ણયો પણ કર્યા છે. જેમાં ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં તિલક કરીને આવવા જેવા નિયમો કર્યા છે. આ સાથે ઘણી જગ્યાએ ગૌમૂત્ર અને ગંગાજળ છાંટીને જ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવાનો નિયમ પણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં