Friday, October 11, 2024
More
    હોમપેજદેશ1993ના સીરિયલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડા દોષમુક્ત ઠેરવાયો, અજમેરની...

    1993ના સીરિયલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડા દોષમુક્ત ઠેરવાયો, અજમેરની TADA કોર્ટનો ચુકાદો: મુંબઈ-સુરત સહિત પાંચ શહેરોમાં ટ્રેનમાં થયા હતા બ્લાસ્ટ

    2013માં આખરે ભારત-નેપાળ સરહદેથી અબ્દુલ કરીમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે અજમેરની જેલમાં બંધ છે. જોકે, સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષમુક્ત ઠેરવાયા છતાં પણ તે જેલમાં જ રહેશે, કારણ કે અન્ય ઘણા કેસમાં તે આરોપી છે અને અમુકમાં સજા પણ પામી ચૂક્યો છે.

    - Advertisement -

    રાજસ્થાનના અજમેરની TADA (ટેરરિસ્ટ એન્ડ એન્ટી ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ) કોર્ટે 1993ના ટ્રેન બૉમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ‘ટુંડા’ને પુરાવાના અભાવે દોષમુક્ત ઠેરવ્યો છે. ગુરુવારે (29 ફેબ્રુઆરી, 2024) આ ચુકાદો આપવામાં આવ્યો. જ્યારે આ કેસમાં બે અન્ય આરોપીઓ ઈરફાન (70) અને હમીમુદ્દીનને (44) દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 

    1992ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યાની રામજન્મભૂમિ પર વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યા બાદ તેના બીજા વર્ષે 5-6 ડિસેમ્બરની રાત્રે લખનૌ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈમાં ચાર ટ્રેનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બૉમ્બ બ્લાસ્ટમાં 2 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 22ને ઈજા પહોંચી હતી. 

    આ ઘટનામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના બૉમ્બ મેકર તરીકે ઓળખાતા અને આતંકવાદી દાઉદ ઇબ્રાહિમના નજીકના ગણાતા અબ્દુલ કરીમ ટુંડા અને તેના બે સાથીઓનાં નામ સામે આવ્યાં હતાં. જેમની સામે પછીથી TADA, IPC, રેલવે એક્ટ, આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સુનાવણી કરતી TADA કોર્ટે સપ્ટેમ્બર, 2021માં ટુંડા અને તેના 2 સાથીઓ વિરુદ્ધ પાંચ શહેરોમાં સિરિયલ બ્લાસ્ટનું કાવતરું રચવા મામલે આરોપો ઘડ્યા હતા. પરંતુ હવે અબ્દુલ ટુંડાને દોષમુક્ત ઠેરવવામાં આવ્યો છે. 

    - Advertisement -

    મૂળ UPનો, અન્ય પણ ઘણા કેસોમાં આરોપી, 2013માં પકડાયો હતો

    અબ્દુલ ટુંડા મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી છે. તેની સામે અન્ય પણ ઘણા કેસો નોંધાયેલા છે. 1996માં દિલ્હીમાં પોલીસ હેડક્વાર્ટર્સ બહાર થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં પણ તે આરોપી હતો. જેને લઈને ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. પછીથી 2000માં તે બાંગ્લાદેશમાં મૃત્યુ પામ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ 2005માં પકડાયેલા લશ્કર આતંકવાદી અબ્દુલ મસૂદે ખુલાસો કર્યો હતો કે ટુંડા જીવિત છે. 2001ના સંસદ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને 20 આતંકવાદીઓની એક યાદી આપીને ભારતને સોંપવા માટે કહ્યું હતું, જેમાં પણ અબ્દુલનું નામ સામેલ હતું. 

    વર્ષ 2013માં આખરે ભારત-નેપાળ સરહદેથી અબ્દુલ કરીમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે અજમેરની જેલમાં બંધ છે. જોકે, સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષમુક્ત ઠેરવાયા છતાં પણ તે જેલમાં જ રહેશે, કારણ કે અન્ય ઘણા કેસમાં તે આરોપી છે અને અમુકમાં સજા પણ પામી ચૂક્યો છે. તેની સામે 33 જેટલા કેસ છે. 

    એ પણ નોંધવું જોઈએ કે દેશમાં TADA હેઠળના કેસ પર સુનાવણી કરવા માટે સ્પેશિયલ કોર્ટ હોય છે, જે માત્ર ત્રણ જ શહેરોમાં ચાલે છે. શ્રીનગર, અજમેર અને મુંબઈ. શ્રીનગરની કોર્ટ શરૂ થયાને વધુ વર્ષો થયાં નથી, જેથી ઉત્તર ભારતના મોટાભાગના TADA કેસો અજમેરની કોર્ટમાં ચાલી રહ્યા છે. જ્યારે દક્ષિણ ભારતના કેસો મુંબઈની કોર્ટ સાંભળી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં