Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'નમાજ પઢવાની છૂટ, તિલક કરવાની મનાઈ': એર ઇન્ડિયાની હિંદુ મહિલા કર્મચારીનો અધિકારી...

    ‘નમાજ પઢવાની છૂટ, તિલક કરવાની મનાઈ’: એર ઇન્ડિયાની હિંદુ મહિલા કર્મચારીનો અધિકારી મહજબીન પર ભેદભાવનો આરોપ, PM મોદી-ગૃહમંત્રી સમક્ષ કરી ન્યાયની માંગ

    એર ઇન્ડિયા STSમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં ચંચલ ત્યાગીએ PCM મહજબીન અખ્તર પર ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, મુસ્લિમ કર્મચારીઓને દિવસમાં અનેક વાર નમાજ પઢવાની છૂટ આપવામાં આવી રહી છે, પરંતુ તેમને માત્ર તિલક લગાવવા પર હેરાન કરવામાં આવી રહ્યાં છે.

    - Advertisement -

    દિલ્હીના (Delhi) ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યરત એર ઇન્ડિયાની (Air India) મહિલા કર્મચારી ચંચલ ત્યાગીએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને પોતાની મુસ્લિમ મહિલા અધિકારી પર ધાર્મિક ભેદભાવનો (Religious Discrimination) આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે, એર ઇન્ડિયાની મુસ્લિમ અધિકારી મહઝબીન અખ્તર તેમને તિલક લગાવવાથી રોકી રહી છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, તિલક લગાવવાથી તેમને વર્કપ્લેસ પર ખૂબ પરેશાન પણ કરવામાં આવે છે.

    એર ઇન્ડિયા STSમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં ચંચલ ત્યાગીએ PCM મહઝબીન અખ્તર પર ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, મુસ્લિમ કર્મચારીઓને દિવસમાં અનેક વાર નમાજ પઢવાની છૂટ આપવામાં આવી રહી છે, પરંતુ તેમને માત્ર તિલક લગાવવા પર હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું છે કે, તેઓ લાંબા સમયથી તિલક લગાવી રહ્યા છે, પરંતુ તેમને આ કારણોસર વર્કપ્લેસ પર હેરાન કરવામાં આવી રહ્યાં છે.

    ચંચલ ત્યાગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું એર ઇન્ડિયા સેટ્સમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. PCM મહઝબીન અખ્તર દ્વારા મને હેરાન કરવામાં આવી રહી છે. મને પૂજા કર્યા બાદ તિલક લગાવવાથી પણ રોકવામાં આવી રહી છે, જ્યારે મુસ્લિમ કર્મચારીઓને ડ્યુટી પર અનેક વખત નમાજ પઢવાની છૂટ આપવામાં આવી છે.” તેમણે સવાલ કર્યો છે કે, આખરે આવો ભેદભાવ શા માટે?

    - Advertisement -

    આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, તેમના વરિષ્ઠ અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવવા અને પોલીસ કમિશનરને આવેદન આપવા છતાં પણ અખ્તર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમણે બાળપણથી જ સનાતન પરંપરાઓનું પાલન કર્યું છે અને શરૂઆતના દિવસોમાં કંપનીમાં કોઈને તેમના તિલક લગાવવાને લઈને વાંધો પણ નહોતો, પરંતુ અધિકારી તરીકે મહજબીનના આવ્યા બાદથી તેમણે વાંધો ઉઠાવવાનો શરૂ કર્યો હતો.

    PM મોદી, અમિત શાહને મદદ માટે કરી વિનંતી

    ચંચલે આરોપ લગાવ્યો છે કે, નવરાત્રિના સમયથી મહજબીન તેમને ટાર્ગેટ કરી રહી છે. આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તિલક લગાવવાના કારણે તેમના અધિકારી દરેક વાત પર તેમને હેરાન કરી રહ્યા છે અને વારંવાર ટોકી રહ્યા છે. આ ઉપરાંત દિવાળીની રજા પણ મંજૂર ન કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે આ ઘટનાની ફરિયાદ એરપોર્ટ ઓથોરીટી અને દિલ્હી પોલીસ કમિશનરને કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ચંચલે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને તેમની વ્યથા ઠાલવી છે.

    વિડીયોમાં તેમણે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, નોકરી છોડવા સિવાય તેમના પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી, કારણ કે મહઝબીન વારંવાર તેમને હેરાન કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહઝબીનને આ ઘટનાને લઈને સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે, કંપનીમાં તમામ ધર્મોના લોકો કામ કરે છે અને બધા માટે નિયમો પણ સમાન છે.

    ચંચલ ત્યાગીનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલો વધુ વેગ પકડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો ચંચલના સમર્થનમાં સામે આવ્યા છે અને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ આ વિવાદ પર હજી સુધી એર ઇન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી, પરંતુ મહજબીન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમણે કોઈપણ રીતે ભેદભાવ કર્યો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં