અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલાં બાતમીના આધારે LCB પોલીસે વિશાલા હોટેલ પર હથિયાર સાથે આવેલા શાહનવાઝ શેખની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ કરતાં એક પછી એક નામો ખૂલતાં ગયાં હતાં. પોલીસે આરોપીઓની પૂછપરછ કરીને શાહનવાઝ શેખ સહિત 6 આરોપીઓને ઝડપી પાડયા હતા. આગળની પૂછપરછ દ્વારા જાણવા મળ્યું હતું કે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતો આફતાબ હથિયારોની સપ્લાય કરતો હતો. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આખરે વાસણા પોલીસને મધ્યપ્રદેશના ઈન્દોરથી સપ્લાયર આફતાબની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
થોડા સમય પહેલા અમદાવાદમાં LCB પોલીસે 9 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 64 કારતૂસો સાથે 6 આરોપીઓને પકડી પાડયા હતા. તે સમયે શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરહાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીર પઠાણ અને શાહરુખ પઠાણ નામના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસે હથિયારો ક્યાંથી આવ્યા તેની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતો આફતાબ ગેરકાયદે હથિયારોની સપ્લાય કરે છે. આરોપીઓ પાસે મળી આવેલા હથિયારો પણ આફતાબે જ સપ્લાય કર્યા હતા. આફતાબ દેશભરમાં હથિયારો સપ્લાય કરી મોટાપાયે વેપાર કરતો હતો.વાસણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા ઈન્દોરથી મુખ્ય સપ્લાયર આફતાબની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદ: હથિયારોનો સોદાગર ઝડપાયો
— News18Gujarati (@News18Guj) September 11, 2023
ઇન્દોરથી વાસણા પોલીસે આફતાબને ઝડપ્યો
દેશભરમાં હથિયાર સપ્લાય કરતો હતો આફતાબ
અગાઉ 10 હથિયાર સાથે 6 લોકોની થઈ હતી ધરપકડ#news18gujaratino1 #Ahmedabad #Police
શું હતો સમગ્ર ઘટનાક્રમ
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ LCBની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદની વિશાલા હોટલ પાસે એક વ્યક્તિ હથિયાર લઈને આવવાનો છે. બાતમીના આધારે પોલીસે સફળ દરોડો પાડીને એક હથિયાર અને ૩ કારતૂસ સાથે શાહનવાઝ શેખને પકડી પાડ્યો હતો. આ હથિયાર ક્યાંથી આવ્યું તેની તપાસ દરમિયાન શાહનવાઝે સમીર પઠાણનું નામ આપ્યું હતું. પોલીસે માહિતીના આધારે સમીરને પણ ઝડપી લીધો હતો જેની પાસેથી શાહનવાઝ હથિયાર લાવ્યો હતો. LCB દ્વારા સમીરની કડક પૂછપરછ કરાતા તેણે આ વાત કબૂલ કરી હતી. સાથે જ તેણે ખુલાસો કર્યો હતો કે બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે છે.
આમ એક બાદ એક આરોપીઓ પાસેથી પૂછપરછ કરીને LCBએ શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીર પઠાણ અને શાહરૂખ પઠાણ એમ 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 9 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 64 કારતૂસ પણ કબજે લીધા હતા. નોંધનીય છે કે આરોપીઓમાં મોટા ભાગના જમાલપુર વિસ્તારના હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલો આરોપી સમીર પઠાણ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરનો રહેવાસી છે. ઇન્દોરમાં તેના ગામના આફતાબ પાસેથી તે હથિયારો લાવીને ફરહાનને વેચવા માટે આપતો હતો. ફરહાન આ હથિયારો ડબલ ભાવે વેચતો હતો. વાસણા પોલીસે આખરે હથિયારોના સોદાગર આફતાબની ઈન્દોરથી ધરપકડ કરી છે.