Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: યુ-ટ્યુબ ચેનલ ચલાવતા સ્વઘોષિત પત્રકારની ધરપકડ, શાળા સંચાલકો પાસેથી ખંડણી ઉઘરાવવાનો...

    અમદાવાદ: યુ-ટ્યુબ ચેનલ ચલાવતા સ્વઘોષિત પત્રકારની ધરપકડ, શાળા સંચાલકો પાસેથી ખંડણી ઉઘરાવવાનો આરોપ

    કથિત પત્રકાર આશિષ કંજારીયા વોટ્સએપ પર આર.ટી.આઈ. અરજીઓ અને મેસેજ મોકલીને ટ્રસ્ટીઓને સ્કૂલ ચાલુ રાખવી હોય તો પૈસા આપો કહીને ખંડણી માગતો હતો અને ના પાડવા પર ધમકી આપતો હતો.

    - Advertisement -

    અમદાવાદમાં એક યુ-ટ્યુબ ચેનલ ચલાવતા સ્વઘોષિત પત્રકારની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ‘પોલ ખોલ ટીવી’ નામથી ચેનલ ચલાવતા આશિષ કંજારીયા સામે ખાનગી સ્કૂલના સંચાલક પાસેથી 10 લાખની ખંડણી માગવાનો આરોપ છે. પોતાને પોલ ખોલ ચેનલનો પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વાલી મંડળનો પ્રમુખ ગણાવતા આશિષ કંજારીયાએ વર્ષ 2017થી અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આવેલી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

    પોલ ખોલ ચેનલનો કથિત પત્રકાર આશિષ કંજારીયા વોટ્સએપ પર આર.ટી.આઈ. અરજીઓ અને મેસેજ મોકલીને ટ્રસ્ટીઓને સ્કૂલ ચાલુ રાખવી હોય તો પૈસા આપો કહીને ખંડણી માગતો હતો અને ના પાડવા પર ધમકી આપતો હતો. મણિનગરમાં આવેલી એડ્યુનોવા સાયન્સ સ્કૂલના સંચાલક તેણે પૈસા માગતા સંચાલકે ફરિયાદ નોંધાવી હતી અને પોલ ખોલી નાંખી હતી.

    કથિત પત્રકારે સ્કૂલ બંધ કરી દેવાની ધમકી આપી હતી

    સ્કૂલના સંચાલક સંજયસિંગ ધરમપાલસિંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, “મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં 9થી 12 ધોરણનો અભ્યાસ કરાવવામાં આવે છે. મારા પર પોલ ખોલ ટીવીના એડિટર આશિષ કંજારીયાએ વોટ્સએપ કોલ કરીને કહ્યું કે, મેં ઘણી બધી સ્કૂલો વિરુદ્ધ આરટીઆઈ કરીને મારી પોલ ખોલ ટીવી મારફતે પોલ ખોલી બદનામ કરેલ છે. હું તમને રૂબરૂ મળવા માગું છું. ત્યારબાદ તે જુદી-જુદી સ્કૂલોને લગતાં વિડીયો અને મેસેજ મોકલતો હતો. રૂબરૂ મળ્યા બાદ તેણે કહ્યું હતું કે તમે મને મારી ચેનલ માટે એડ આપો.”

    - Advertisement -

    સંજયસિંગે આગળ કહ્યું કે, અમે એડ આપવાની ના પાડતાં આશિષ કંજારીયાએ કહ્યું હતું કે તમે એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગેરકાયદેસર ચલાવો છે. તમારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે નહીંતર સ્કૂલ બંધ કરાવી દઈશ. ત્યારબાદ આશિષ કંજારીયાએ રૂબરૂમાં 25 હજાર રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ વધુ 2.25 લાખ રૂપિયા માગ્યા અને ના પાડતાં તેણે ખોટી આરટીઆઈ અરજીઓ કરાવી હતી. ત્યારપછી આશિષ કંજારીયાએ સ્કૂલ ચાલુ રાખવી હોય તો 10 લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી.

    30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને પણ ધમકી આપી હતી

    આશિષ કંજારીયા અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. તે ઘણાં સમયથી સ્કૂલના સંચાલકોને બ્લેકમેઇલ કરીને ખંડણી ઉઘરાવતો હોવાનું સામે આવ્યું છે. કથિત પત્રકાર 2017થી અત્યારસુધીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં જાણીતી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને આવી ધમકી આપી ચૂક્યો છે. તો રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ તેણે અનેક વિદ્યાર્થીઓને પૈસાથી પ્રવેશ અપાવ્યો હોવાનું પણ ખૂલ્યું છે.

    આશિષ કંજારીયાની પોલીસે ધરપકડ કરી ત્યારે તે દારૂના નશામાં હોવાથી ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં