Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતસંદેશખાલીની ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન: અમદાવાદમાં હજારો...

    સંદેશખાલીની ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન: અમદાવાદમાં હજારો વિદ્યાર્થીઓએ રસ્તા પર આવી મમતા બેનર્જીનું પુતળું બાળ્યું

    અભાવિપના જણાવ્યા અનુસાર ગુજરાતની મોટાભાગની વિશ્વવિદ્યાલયો તથા 32 જીલ્લા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ સાથે સામૂહિક બળાત્કારની ઘટનાના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે. ઘટનાને લઈને ઠેક-ઠેકાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVPએ) પણ આ મામલે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદમાં પણ સંદેશખાલી મામલે અભાવિપે પ્રદર્શન કરીને મમતા બેનર્જીનું પુતળું સળગાવ્યું હતું. પરિષદે આરોપ લગાવ્યો છે કે TMCના ગુંડાઓને રાજ્યસરકાર છાવરી રહી છે. આ વિરોધ દરમિયાન સળગાવવામાં આવેલા પુતળાને ઓલવવા જતા એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશખાલીની ઘટનાને લઈને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. અભાવિપના જણાવ્યા અનુસાર ગુજરાતની મોટાભાગની વિશ્વવિદ્યાલયો તથા 32 જીલ્લા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમા થયેલ આ વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં વિધાર્થી કાર્યકરો જોડાયા હતા.

    દેશના ખૂણે-ખૂણે થઈ રહ્યા છે પ્રદર્શન- અભાવિપ

    આ પ્રદર્શનને લઈને અભાવિપના રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લએ જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી વારંવાર જનતા વિરોધી નીતિઓને બળ આપી રહ્યા છે તથા ભ્રષ્ટાચારીઓ અને અપરાધીઓનુ સંરક્ષણ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તુષ્ટિકરણની નીતિથી સામાન્ય માણસ ત્રસ્ત છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિથી અપરાધીઓના આત્મવિશ્વાસને બળ મળ્યું છે. સંદેશખાલીમાં મહિલાઓ સાથે જે બળજબરી કરવામાં આવી, તેમાં મોટાભાગની મહિલાઓ પછાત વર્ગ અને અનુસૂચિત જાતિની છે. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી આ બળજબરીનો વિરોધ દેશના દરેક ખૂણામાં વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે.”

    - Advertisement -

    આ મામલે અભાવિપના ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “સંદેશખાલીમાં હિંદુ મહિલાઓ સાથે થઈ રહેલી બળજબરીની ઘટનાઓ જ્યારથી સામે આવી છે, ત્યારથી વિદ્યાર્થી પરિષદ ન્યાયની માંગને લઈને દેશના શૈક્ષણિક સંસ્થાનોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પશ્ચિમ બંગાળની મહિલાઓની સુરક્ષા અને સમ્માનપૂર્ણ જીવન સરકારની પ્રાથમિકતામાં નથી. મહિલા વિરોધી અને ‘મમતા’ હીન મમતા બેનર્જીની અરાજક સરકાર વિરુદ્ધ દેશના ખૂણા ખૂણામાં છાત્રશક્તિ આક્રોશિત છે. સંદેશખાલીની બેહનોની આ લડાઈ વિદ્યાર્થી પરિષદના લાખો કાર્યકર્તા ન્યાય પ્રાપ્તિ સુધી લડતા રહેશે.”

    મમતા બેનર્જીનું પુતળું ફૂંકવામાં આવ્યું

    ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વિરોધ દરમિયાન વિદ્યાર્થી પરિષદે મમતા બેનર્જીનું પુતળું ફૂંક્યું હતું. મમતા બેનર્જીની TMC સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓમાં આક્રોશ ચરમસીમાએ હતો. બીજી તરફ પુતળું સળગાવાયા બાદ એક પોલીસ કોન્સ્ટેબલે તેને ઓલવવાનો પ્રયત્ન કરતા તેઓ દાજી ગયા હતા. વિરોધને પગલે પોલીસે વિદ્યાર્થી પરિષદના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. સાથે જ દાજી ગયેલા પોલીસકર્મીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    શું છે સંદેશખાલીની ઘટના?

    ઉલ્લેખનીય છે કે TMC નેતા શાહજહાં શેખ પર સંદેશખાલીમાં મહિલાઓનું જાતીય શોષણ કરવાનો અને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો આરોપ છે. મહિલાઓના ઉત્પીડનનો મામલો પ્રકાશમાં આવ્યા પછી સંદેશખાલી વિસ્તારના લોકો શેખની ધરપકડની માંગ સાથે છેલ્લા એક મહિનાથી હિંસક વિરોધ કરી રહ્યા હતા. આ મામલે વિપક્ષ ટીએમસી નેતા શેખ શાહજહાંને લઈને મમતા બેનર્જીની સરકારને સતત ઘેરી રહ્યો હતો.

    વિરોધ ઉગ્ર બનતા અને રાષ્ટ્રીય લેવલે મુદ્દો ઉઠતા MC નેતા શાહજહાં શેખની બંગાળ પોલીસે ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી બુધવારની (28 ફેબ્રુઆરી) મોડી રાતે ધરપકડ કરી હતી. TMC નેતા શાહજહાં શેખ પર EDના અધિકારીઓ પર હુમલો, સ્થાનિક મહિલાઓની જાતીય સતામણી અને રાશન કૌભાંડમાં સંડોવણીના ગંભીર આરોપો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં