Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતનાં વિજ્ઞાનરસિકોની કમાલ: અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓની સંખ્યામાં અધધ વધારો, 20...

    ગુજરાતનાં વિજ્ઞાનરસિકોની કમાલ: અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓની સંખ્યામાં અધધ વધારો, 20 વર્ષના રેકોર્ડ તૂટ્યાં

    આ વર્ષે માત્ર મે મહિનામાં ૧.૩૯ લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં આવેલ સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યાએ આગળના બધા રેકોર્ડ તોડી દીધા છે. આ વર્ષે માત્ર મે મહિનામાં ૧.૩૯ લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. એટલે કે ૨૦ વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ મુલાકાતીઓની માસિક સંખ્યા નોંધાઈ છે.

    સાયન્સ સિટી અમદાવાદનાં મુખ્ય આકર્ષણો:

    • એક્વેટિક ગેલેરી
    • રોબોટિક ગેલેરી
    • 5-ડી થિયેટર
    • 4-ડી થિયેટર
    • અનેક પ્રકારની રાઈડ
    • નેચર પાર્ક
    • સેલ્ફી કોર્નર

    અમદાવાદ સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં અલગ- અલગ ૬૮ ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે અને આ માટે ૨૮ મીટરની અંડરવોટર વોક વે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે. આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં ૧૮૮ પ્રજાતિની ૧૧,૬૦૦થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાય છે. અહીં ગેલેરીમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ સહિતના ૧૦ અલગ-અલગ ઝોનની જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર પણ છે. 

    - Advertisement -

    આ સાયન્સ સિટી ખાતે વિવિધ પ્રકારની સાહસિક રાઇડ્સ પણ આવેલી છે જે મુલાકાતીઓને ખૂબ આકર્ષે છે. આ રાઇડ્સમાં મુખ્ય છે VR રાઈડ, થ્રિલ રાઈડ, મિશન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર, અર્થકવેક એકસીપીયન્સ રાઈડ, કોલ માઇન રાઈડ અને બીજી અનેક. આમાંથી ઘણી રાઇડ્સની ચુકવણી એન્ટ્રી ટિકિટ સાથે થઈ જતી હોય છે.

    આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે ૧૧,૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૭૯ પ્રકારના ૨૦૦થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ સહિતના ક્ષેત્રે તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું  ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ, ૧૬ રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ પણ કરે છે. 

    સાયન્સ સીટીનું અન્ય એક મહત્વનુ આકર્ષણ છે નેચર પાર્ક. ૨૦ એકરમાં પથરાયેલ આ નેચર પાર્કમાં ૩૮૦થી વધુ સ્પીસિસ જોવા મળે છે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને  બાળકો માટે ખાસ પ્લે એરિયા  તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. અહી વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉંડેડ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. આ મુલાકાતને યાદગાર બનાવવા માટે સેલ્ફી કોર્નર પણ છે, જ્યાં મુલાકાતીઓ પોતાની સેલ્ફી લઈ શકે છે.

    પ્રશાસન અને સાયન્સ સિટી મેનેજમેંટ દ્વારા મુલાકાતીઓ વધારવા ખૂબ મહેનત કરાઇ

    આમ તો સાયન્સ સિટીના આકર્ષણ વિદેશોની સફર કરાવે છે, પરંતુ ખૂબ ઉંચા ભાવના કારણે સામાન્ય માણસ શરૂઆતમાં ત્યાં પહોંચી શકતો નહોતો. સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટ અગાઉ 900 રૂપિયા હતી, જે તાજેતરમાં જ 499 રૂપિયા કરી દેવામાં આવી હતી. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી દેવામાં આવી હતી.

    અગાઉ જે દર રૂ.900 હતા તેને ઘટાડીને રૂ.499 કરવામાં આવ્યા હતા. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા માટે આ 499ની ટિકિટમાં મુખ્ય પ્રવેશ, એકવેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 5ડી થિયેટર, 1 વિઆર રાઈડ, થ્રિલ રાઈડ, મિશન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર, અર્થકવેક એકસીપીયન્સ રાઈડ અને કોલ માઇન રાઈડનો સમાવેશ થાય છે.

    આમ ટિકિટના ઘટાડેલા દર અને ઉનાળુ વેકેશનના કારણે સાયન્સ સિટીમાં મુલાકાતીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મલી રહ્યો છે. અહિયાં વિધ્યાર્થીઓ ગમ્મત અને રમત સાથે જ્ઞાન મેળવે છે અને વિજ્ઞાનની વધુ નજીક આવે છે જેથી એમના જીવનમાં તેઓ વૈજ્ઞાનિક અભિગમ કેળવતા થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં