Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અગ્નિપથ’ પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ પર લગામ: વોટ્સઍપ ગ્રુપ્સ પર આવી તવાઈ,...

    ‘અગ્નિપથ’ પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ પર લગામ: વોટ્સઍપ ગ્રુપ્સ પર આવી તવાઈ, કેટલાકની ધરપકડ, સોશિયલ મીડિયા પર કડક નજર

    અગ્નિપથ યોજના અંગે ગેરસમજણ ફેલાવીને દેશમાં હિંસા ફેલાવવા ઈચ્છતા તત્વો સામે કડક હાથ લેવા કેન્દ્ર સરકારે કેટલાક વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    - Advertisement -

    સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજનાનો એક તરફ વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલીક ખોટી માહિતી પણ ફેલાઈ રહી છે. જેની ઉપર લગામ લગાવવા માટે રવિવારે (19 જૂન 2022) કેન્દ્ર સરકારે ફેક ન્યૂઝ ફેલાવતાં લગભગ 35 જેટલાં વોટ્સઍપ ગ્રુપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બીજી તરફ, સરકારની આ નવી યોજના અંગે ખોટી માહિતી ફેલાવતા અને યુવાનોને ગેરમાર્ગે દોરતા કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    મીડિયા અહેવાલોમાં ટેલિકોમ મંત્રાલયને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે લોકોને ચેતવણી આપી છે કે અગ્નિપથ યોજના વિશે આવી ગેરસમજો ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં 50 જેટલા વોટ્સએપ ગ્રુપ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્રએ વોટ્સઍપ ફેક્ટ-ચેકિંગ માટે 8799711259 નંબર પણ જારી કર્યો છે.

    ગૌતમ બુદ્ધ નગર કમિશનરેટ દ્વારા પ્રદર્શનની આડમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલા અસામાજિક તત્વોને કડક ચેતવણી આપવામાં આવી છે. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ લૉ એન્ડ ઓર્ડર આશુતોષ દ્વિવેદીએ કહ્યું કે તેમને સોશિયલ મીડિયા પરથી જાણકારી મળી રહી છે કે 20 જૂને કેટલાંક અસામાજિક તત્વો ભારત બંધ અને દિલ્હી કૂચના નામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. ગૌતમ બુદ્ધ નગરમાં કલમ 144 લાગુ છે. તેમ છતાં પણ જો કોઈ કાયદો-વ્યવસ્થા ભંગ કરવાના પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    વધુમાં જાણવા મળી રહ્યું છે કે પોલીસે યુપીના સહારનપુરમાંથી 5 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો સરકારની નવી યોજના સામે યુવાનોને ભડકાવી રહ્યા હતા. જોકે, જ્યારે પોલીસે તેમને પકડીને તેમની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ લોકો કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે અગ્નિપથ યોજનાનો સૌથી વધુ વિરોધ બિહારમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે બિહાર સરકારે 17 જૂને સુરક્ષા કારણોસર અને ખોટી માહિતીના પ્રસારને રોકવા માટે રાજ્યના 12 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. આ ઉપરાંત, ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓના મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રદર્શનોમાં કોચિંગ સેન્ટરોની પણ ભૂમિકા હતી.

    કેન્દ્ર સરકારે 15 જૂને અગ્નિપથ યોજના જાહેર કરી હતી. જે અનુસાર, 17.5 થી 21 વર્ષ સુધીના યુવાનોને સેનામાં સેવા આપવાની તક મળશે. જોકે, આ યોજના જાહેર થવાની સાથે જ બિહાર, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયાં હતાં અને જેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેટલેક ઠેકાણે ટ્રેન સળગાવી દેવામાં આવી તો ક્યાંક ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. 

    દરમ્યાન, કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે યોજના કોઈ પણ સંજોગોમાં પરત ખેંચવામાં આવશે નહીં. બીજી તરફ, જે યુવાનો રસ્તા પર ઉતરીને ઉપદ્રવ મચાવી રહ્યા છે તેઓ અગ્નિપથ યોજનામાં સામેલ થઇ શકશે નહીં તેવું એલાન કરવામાં આવ્યું છે. તેમજ તેમણે ફોર્મ ભરતાં પહેલાં જણાવવું પડશે કે પોતે કોઈ હિંસક પ્રદર્શનમાં સામેલ ન હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં