Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અગ્નિપથ યોજના પરત લેવાનો કોઈ સવાલ જ નથી’: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત...

    ‘અગ્નિપથ યોજના પરત લેવાનો કોઈ સવાલ જ નથી’: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ, કહ્યું- વિરોધ કરવો યોગ્ય પણ હિંસા ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે

    અજિત ડોવલે કહ્યું કે, આવતીકાલની તૈયારીઓ માટે આજે પરિવર્તન જરૂરી છે. અગ્નિપથ યોજનાની માંગ 22-25 વર્ષોથી થતી રહી હતી. જે કરતા આવ્યા છીએ એ જ કરતા રહીશું તો સુરક્ષિત નહીં રહીએ.

    - Advertisement -

    કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના થઇ રહેલા વિરોધ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે મહત્વપૂર્ણ વાતો કહી છે. ન્યૂઝ એજન્સી ANIના એડિટર સ્મિતા પ્રકાશને આપેલા ઇન્ટવ્યૂમાં તેમણે અગ્નિપથ યોજના અને રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દે અનેક વાતો કરી હતી. અજિત ડોવલ અગ્નિપથ યોજના અંગે, તેના થઇ રહેલા વિરોધ અંગે તેમજ ભારતની સુરક્ષા અંગે વિસ્તૃત વાતચીત કરે છે. 

    સુરક્ષા સલાહકાર અજિત ડોવલે સ્પષ્ટતા કરી હતી કે અગ્નિપથ યોજના પરત ખેંચાશે નહીં. તેમણે કહ્યું, “યોજના પરત લેવાનો કોઈ સવાલ જ નથી. આ યોજના રાતોરાત નથી આવી. દાયકાઓથી તેની ચર્ચા-વિચારણા કરવામાં આવતી રહી છે. 1970 થી વિવિધ સમિતિઓ આ અંગે ચર્ચા કરતી આવી છે અને ટેક્નોલોજી, મેનપાવર કે પછી અન્ય બાબતોને લઈને સેનામાં મહત્વના ફેરફારો કરવાની વાતો થતી રહી છે. 

    અગ્નિપથ યોજનાના થઇ રહેલા વિરોધ પ્રદર્શનો અને ખાસ કરીને હિંસક પ્રદર્શનોને લઈને સુરક્ષા સલાહકાર અજિત ડોવલ કહે છે કે, “વિરોધ કરવો અને અવાજ ઉઠાવવો એ બરાબર છે અને લોકતંત્રમાં તેમ કરવાની સ્વતંત્રતા પણ મળે છે. પરંતુ આ તોડફોડ અને હિંસાને યોગ્ય ઠેરવી શકાય નહીં અને તે ચલાવી લેવામાં પણ નહીં આવે.

    - Advertisement -

    અજિત ડોવલે કહ્યું કે, આવતીકાલની તૈયારીઓ માટે આજે પરિવર્તન જરૂરી છે. અગ્નિપથ યોજનાની માંગ 22-25 વર્ષોથી થતી રહી હતી. જે કરતા આવ્યા છીએ એ જ કરતા રહીશું તો સુરક્ષિત નહીં રહીએ.

    તેમણે કહ્યું કે, આટલા લાંબા સમયથી માંગ કરવામાં આવ્યા છતાં રાજનીતિક ઈચ્છાશક્તિ ન હોવાના કારણે નિર્ણય થઇ શક્યો ન હતો. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડે છે. દેશની ચારેતરફ માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે અને પરિસ્થતિ જોઈને આપણે પણ માળખાંગત બદલાવ લાવવા જ પડશે. 

    અગ્નિપથ યોજના અંગે તેમણે કહ્યું કે, આજે ભારતની વસ્તીમાં સૌથી વધુ યુવાનો છે. દુનિયામાં સૌથી વધુ યુવાનો આપણે ત્યાં છે. ભારતીય સેનાની સરેરાશ ઉંમર દુનિયાભરમાં સૌથી વધુ છે. દુનિયા મોટા ફેરફારોમાંથી પસાર થઇ રહી છે અને આપણે અજ્ઞાત શત્રુઓ સાથે લડી રહ્યા છીએ. જેથી આ તમામ ફેરફારો બહુ જરૂરી છે.

    તેમણે કહ્યું કે, એકલા અગ્નિવીર આખી સેના નહીં હોય. અગ્નિવીર માત્ર પહેલા ચાર વર્ષ ભરતી કરવામાં આવેલ જવાનો હશે. બાકી સેનાનો મોટો હિસ્સો અનુભવી લોકોનો હશે. (ચાર વર્ષ બાદ) જે અગ્નિવીરો નિયમિત થશે તેમને પૂરતી તાલીમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બદલાતા સમય સાથે સેનામાં પણ બદલાવ બહુ જરૂરી છે.

    NSA અજિત ડોવલે એમ પણ કહ્યું કે, છેલ્લા 8 વર્ષોમાં માળખાંગત સુધારા બહુ થયા છે. 25 વર્ષોથી CDS નો મુદ્દો પેન્ડિંગ હતો. રાજનીતિક ઈચ્છાશક્તિના અભાવના કારણે તેનો અમલ થઇ શક્યો ન હતો. આજે ડિફેન્સ એજન્સીની પોતાની સ્પેસની સ્વતંત્ર એજન્સી છે. ઉપરાંત તેમણે ભારતમાં નિર્મિત AK-203 ઍસૉલ્ટ રાઇફલ અંગે પણ જણાવ્યું હતું, તેમણે કહ્યું કે, આ દુનિયાની સૌથી સારી અસોલ્ટ રાઇફલ છે અને સૈન્ય ઉપકરણોમાં પણ ખૂબ પ્રગતિ થઇ રહી છે.

    આ ઉપરાંત, રેજિમેન્ટ સિસ્ટમ અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે આ સિસ્ટમ બંધ નહીં થાય. તેમણે રેજિમેન્ટ સિસ્ટમ અંગે કહ્યું હતું કે, “જ્યાં સુધી રેજિમેન્ટનો સવાલ છે. રેજિમેન્ટ ચાલુ જ રહેશે. રેજિમેન્ટ બંધ થઇ રહી નથી.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં