Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકમાં જૈન મુનિની હત્યા, લાશના ટુકડા કરીને ફેંકી દેવાયા: ભાજપની ઉચ્ચસ્તરીય તપાસની...

  કર્ણાટકમાં જૈન મુનિની હત્યા, લાશના ટુકડા કરીને ફેંકી દેવાયા: ભાજપની ઉચ્ચસ્તરીય તપાસની માંગ

  હત્યા બાદ લાશને ઠેકાણે પાડવા આરોપીઓએ મૃતદેહના ટુકડા કરીને તેને નજીકના ગામમાંથી પસાર થતી નદીમાં ફેંકી દીધા હતા.

  - Advertisement -

  કર્ણાટકમાં એક જૈન મુનિની હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાઓએ મુનિની હત્યા બાદ તેમની લાશના ટુકડા કરીને નદીમાં ફેંકી દેવાના સમાચાર સામે આવતાં જ જૈન સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પાસે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા માટેની માંગ કરી છે.

  અહેવાલો મુજબ મૃતક જૈન મુનિ આચાર્ય કામકુમાર નંદી કર્ણાટકના બેલગાવી જિલ્લામાં આવેલા કિચોડી સ્થિત નંદ પર્વત પર બનેલા જૈન આશ્રમમાં છેલ્લાં 15 વર્ષથી રહેતા હતા. ગત 5 જુલાઈના રોજ અચાનક તેઓ ગાયબ થઈ ગયા હતા. તેમની કોઈ ભાળ ન મળતાં અનુયાયીઓ તેમજ જૈન ઉપાસકોએ શોધખોળ આદરી હતી. 2 દિવસ સુધી મુનિ ન મળી આવતાં અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પૂછપરછમાં આરોપીએ જૈન મુનિના અપહરણ અને હત્યાની વાત કબૂલી હતી.

  પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીએ સ્વીકાર્યું હતું કે તેણે અન્ય એક વ્યક્તિ સાથે મળીને જૈન મુનિનું અપહરણ કરીને તેમની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ લાશને ઠેકાણે પાડવા આરોપીઓએ મુનિના ટુકડા કરીને તેને નજીકના ગામમાંથી પસાર થતી નદીમાં ફેંકી દીધા હતા. ઉપરાંત પોલીસ તપાસમાં હત્યા પાછળનું પ્રાથમિક કારણ પણ સામે આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર આરોપીઓએ જૈન મુનિ પાસેથી કેટલાક રૂપિયા ઉધાર લીધા હતા, જ્યારે તેમણે આપેલા પૈસા પરત માગ્યા ત્યારે આરોપીઓએ મુનિનું કાસળ કાઢી નાંખવાનો વિચાર કરી હત્યાને અંજામ આપ્યો હતો. ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, બંને આરોપીની ઓળખ નારાયણ બસપ્પા માડી અને હસન દલાયથ તરીકે થઇ છે.

  - Advertisement -

  ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની ભાજપની માંગ

  ઉલ્લેખનીય છે કે અહિંસામાં માનનારા જૈન સમુદાયના મુનિની હત્યા બાદ જૈન સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પણ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પાસે જૈન મુનિની હત્યાના મામલાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. આ મામલે ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ પર નિશાન સાધતાં ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘કર્ણાટકમાં દિગંબર જૈન સંત પૂજ્ય આચાર્ય કામનંદીજી મહારાજના અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસના કુશાસનમાં હવે જૈન સંતો પણ સુરક્ષિત નથી.’ તેમણે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરીને હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

  તો બીજી તરફ કર્ણાટક રાજ્યના ભાજપ પ્રમુખ નલિને કુમારે પણ ઘટનાની નિંદા કરીને આ મામલે તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ નલિને કર્ણાટકની કોંગ્રેસ સરકાર પાસે સાધુ-સંતોને સુરક્ષા પૂરી પાડવા માટે પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ અને દોષિતો પર ગુનો દાખલ કરી આકરામાં આકરી સજા ફટકારવી જોઈએ. બીજી તરફ પોલીસે આ મામલે ઝડપેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અન્ય આરોપીની પણ ધરપકડ કરી કરુવાહી શરુ કરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં