Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટતાલિબાને અફઘાનિસ્તાનના હેરાતમાં વિડીયો ગેમ્સ, સંગીત અને વિદેશી ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો,...

  તાલિબાને અફઘાનિસ્તાનના હેરાતમાં વિડીયો ગેમ્સ, સંગીત અને વિદેશી ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો, કહ્યું- આ બધું ઇસ્લામની વિરુદ્ધ, ફિલ્મોમાં મહિલાઓ હિજાબમાં નથી હોતી

  પ્રશાસને ઇસ્લામિક કાયદા શરિયાની વ્યાખ્યાને ન અનુસરતાં હોય તેવાં મનોરંજનના અન્ય સાધનો સામે પણ કાર્યવાહી કરી છે. હેરાતમાં આ પ્રતિબંધને લીધે 400થી વધુ બિઝનેસ બંધ થઈ ગયા છે.

  - Advertisement -

  અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનીઓ આવ્યા છે ત્યારથી તેઓ નવા-નવા પ્રતિબંધો લગાવી રહ્યા છે. હવે એક તાજા ફરમાન મુજબ પશ્ચિમી શહેર હેરાતમાં તાલિબાનો દ્વારા વિડીયો ગેમ્સ, વિદેશી ફિલ્મો અને સંગીત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યાંની સરકારનું કહેવું છે કે આ બધું ઇસ્લામની વિરુદ્ધ છે અને એમ પણ કહ્યું કે, બતાવવામાં આવતી ફિલ્મો ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને તેમાં મહિલાઓ હિજાબમાં પણ હોતી નથી.

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રશાસને ઇસ્લામિક કાયદા શરિયાની વ્યાખ્યાને ન અનુસરતાં હોય તેવાં મનોરંજનના અન્ય સાધનો સામે પણ કાર્યવાહી કરી છે. હેરાતમાં આ પ્રતિબંધને લીધે 400થી વધુ બિઝનેસ બંધ થઈ ગયા છે.

  હેરાતમાં મહિલાઓ માટે બગીચા, રેસ્ટોરન્ટ પણ બંધ થઈ ચૂક્યા છે

  હેરાતમાં તાલિબાનોએ વિડીયો ગેમ્સ, વિદેશી ફિલ્મો અને સંગીત પર પ્રતિબંધ મૂક્યો એમાં નવાઈ નથી. તેમણે આ મહિનાની શરૂઆતમાં જ હેરાતમાં મહિલાઓ અને પરિવારો માટે બગીચા, રેસ્ટોરન્ટ વગેરે બંધ કર્યા હતા. તે પહેલાં ઓક્ટોબર 2022માં તાલિબાન સરકારે દેશભરમાં હુક્કા ધરાવતા કેફે બંધ કરી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાન પુરુષોમાં હુક્કા પીવાનું ચલણ પ્રચલિત હતું.

  - Advertisement -

  અહેવાલ મુજબ, ગત મે માસમાં તાલિબાનોએ હેરાતની રેસ્ટોરન્ટમાં મહિલાઓ અને પુરુષોના સાથે જમવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને મહિલાઓ દ્વારા સંચાલિત રેસ્ટોરન્ટ પણ બંધ કરવામાં આવ્યા હતા.

  તાલિબાનીઓએ અન્ય કડક નિયમો પણ અમલમાં મૂક્યા છે કે અફઘાનોએ સાર્વજનિક રૂપે કઈ રીતે દેખાવું જોઈએ કે મહિલાઓ અને પુરુષોએ કઈ રીતે વાતચીત કરવી જોઈએ. આ પહેલાં તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં એવા રેડિયો સ્ટેશનનું પ્રસારણ અટકાવી દીધું હતું, જેનું સંચાલન મહિલાઓ કરી રહી હતી. બાદમાં જરૂરી નિયમો અને શરતો પૂરી થયા બાદ જ રેડિયો પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું.

  તાલિબાનોના આગમન પહેલાં વિડીયો ગેમિંગનું હબ હતું હેરાત

  ઓગસ્ટ 2021માં તાલિબાનો ફરી સત્તામાં આવ્યા તે પહેલાંના વર્ષોમાં હેરાત સ્થિત હઝરથા માર્કેટ વિડીયો ગેમિંગનું હબ હતું. સાંકડી ગલીઓમાં ઘણી દુકાનોમાં વિદેશી ફિલ્મો, ટીવી સિરિયલની ડીવીડી વેચાતી હતી. ગ્રાહકો ભારતીય, ઇરાનીયન અને પશ્ચિમી સંગીતની સીડી અને કેસેટ ખરીદતા હતા. હવે પ્રતિબંધોને કારણે મોટાભાગની દુકાનો પર તાળા લાગી ચૂક્યા છે.

  આવા મનોરંજનમાં સમય બગાડવો એ ઇસ્લામ વિરુદ્ધ: સરકાર

  મંત્રાલયના પ્રાદેશિક વડા મૌલવી અઝીજુર્રહેમાન મુહાજિરે કહ્યું કે, ઘણાં પરિવારોએ ફરિયાદ કરી હતી કે તેમના બાળકો ગેમિંગ પાર્લરમાં સમય બગડી રહ્યા છે. એટલે એ બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. રેડિયો આઝાદીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, “આ દુકાનો ભારતીય અને પશ્ચિમી મૂલ્યો, સંસ્કૃતિને દર્શાવતી અને પ્રોત્સાહન આપતી ફિલ્મોનું વેચાણ કરતી હતી, જે અફઘાન સંસ્કૃતિ અને પરંપરાઓથી ઘણી અલગ છે. આવી રોજબરોજની મનોરંજનની પ્રવૃત્તિઓ ઇસ્લામની વિરુદ્ધ છે.”

  મુહાજિરે કહ્યું કે, “આવી ફિલ્મોમાં મહિલાઓ હિજાબમાં ન હતી, જે શરિયા વિરુદ્ધ છે. અફઘાનિસ્તાનમાં હવે ઇસ્લામિક ડ્રેસ કોડને અનુસરવો ફરજિયાત છે. એટલે જ આવી ફિલ્મોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં