Saturday, April 20, 2024
More
  હોમપેજગુજરાતઅદાણી ગ્રુપ બનશે ભારતનું સિમેન્ટ કિંગ: ગૌતમ અદાણીએ દુનિયાની સૌથી મોટી સિમેન્ટ...

  અદાણી ગ્રુપ બનશે ભારતનું સિમેન્ટ કિંગ: ગૌતમ અદાણીએ દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપનીને 81,361 કરોડમાં ખરીદી

  - Advertisement -

  અદાણી ગ્રુપના ગૌતમ અદાણી હવે સિમેન્ટ ઉદ્યોગમાં ઉતર્યાં છે. ગૌતમ અદાણીની આગેવાનીવાળા અદાણી ગ્રુપ દ્વારા દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલ્સિમ ઈન્ડીયાને 10.5 બિલિયન ડોલર એટ્લે કે 81,361 કરોડ રૂપિયામાં ખરીદવા સોદો કરાયો છે.

  ભારતમાં અંબુજા અને એસીસી સિમેન્ટની પેરન્ટ કંપની હોલ્સિમ લિમિટેડ તેનો સિમેન્ટનો કારોબાર સમેટી રહી હતી અને અદાણી ગ્રુપની ઈચ્છા હોલ્સિમનો ભારતીય સિમેન્ટ કારોબાર ખરીદવાની હતી. અદાણી ગ્રુપ અને હોલ્સિમ વચ્ચે આ વિષયમાં 10.5 બિલિયન ડોલરનો સોદો થયો છે. આ સોદો એ અદાણી ગ્રુપ દ્વારા હમણાં સુધી કરવામાં આવેલો મોટામાં મોટો સોદો ગણવામાં આવે છે.

  હોલ્સિમ ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા હિસ્સો ધરાવે છે જે હવે અદાણી ગ્રુપની માલિકીનો થશે. એ જ રીતે હોલ્સિમ ગ્રુપ પાસે ACCમાં 54.53 ટકા હિસ્સો હતો. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો.

  - Advertisement -

  JSWની જેમ અદાણી ગ્રુપે તાજેતરમાં સિમેન્ટ વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. બંને ગ્રુપ આક્રમક રીતે સિમેન્ટ બિઝનેસનું વિસ્તરણ કરી રહ્યા છે. હાલમાં, આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક ભારતીય સિમેન્ટ માર્કેટમાં સૌથી મોટી કંપની બની છે. અલ્ટ્રાટેકની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 117 મિલિયન ટન છે. અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડની સંયુક્ત ક્ષમતા વાર્ષિક 66 મિલિયન ટન છે. એટલે કે હવે અદાણી ગ્રુપ ભારતીય સિમેન્ટ માર્કેટમાં સીધા બીજા નંબરે પહોંચી ગયું છે.

  અંબુજા અને ACC એ ભારતની બે અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ્સ છે. બંને કંપનીઓ પાસે 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 50,000 થી વધુ ચેનલ પાર્ટનર્સ છે.

  ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને આપી જાણકારી

  અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પર લખ્યું કે ‘ભારતની વાર્તામાં અમારો વિશ્વાસ અચળ છે. ભારતમાં હોલ્સિમ સિમેન્ટ કંપનીઓને અમારી ગ્રીન એનર્જી અને લોજિસ્ટિક્સ સાથે જોડવાથી અમે વિશ્વની સૌથી ગ્રીન સિમેન્ટ કંપની બનીશું.”

  વાસ્તવમાં હોલ્સિમ કંપની એસીસી અને અંબુજા સિમેન્ટની મૂળ માલિક છે. તે સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત બિલ્ડિંગ મટિરિયલ કંપની છે. ACC સિમેન્ટની શરૂઆત 1936માં મુંબઈથી થઈ હતી. વર્ષ 1983માં નરોત્તમ સેકસરિયા અને સુરેશ નિયોટિયા દ્વારા અંબુજા સિમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી.

  આ સોદા બાદ વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલ્સિમ ભારતમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચી લેવાની છે. સાથે જ તેની માલિકી ગૌતમ અદાણીના નામે રહેશે. આના પર હોલ્સિમ કંપનીના સીઈઓ જેનિસે પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હોલ્સિમ લિમિટેડના સીઈઓ જ્હોન જેનિશે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે અદાણી ગ્રૂપ વિકાસના આગલા યુગને આગળ વધારવા માટે ભારતમાં અમારો વ્યવસાય હસ્તગત કરી રહ્યું છે.”

  અદાણી પરિવારના રાજકારણમાં જોડાવાની અટકળોની આવ્યો અંત

  એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વ્યવસાયી એવા ભારતના ગૌતમ અદાણી પરિવારને લઈને છેલ્લા થોડા દિવસથી ચર્ચા થઈ રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગૌતમ અદાણી અને તેમની પત્ની ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે. આ દાવા પર અદાણી ગ્રુપ દ્વારા સ્પષ્ટતા અપાઈ છે.

  ગ્રુપે કહ્યું કે, અદાણી પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં જરા પણ રસ નથી. પોતાની સ્પષ્ટતામાં અદાણી ગ્રુપ કહે છે કે, “ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવાના સમાચારો વિશે અમે જાણ્યું. આ સમાચાર તદ્દન ખોટા છે. મીડિયા રિપોર્ટ દ્વારા બીજા લોકો પોતાના ફાયદા માટે અમારુ નામ ખરાબ કરી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ સભ્ય કોઈ રાજકીય પાર્ટી જોઈન કરવાના નથી. આ સમાચાર એકદમ ખોટા અને વાહિયાત છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં