Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગળામાં ક્રોસ, ૐના પ્રતીક પર પગ: ફિલ્મના સીનની ક્લિપ વાયરલ થયા બાદ...

    ગળામાં ક્રોસ, ૐના પ્રતીક પર પગ: ફિલ્મના સીનની ક્લિપ વાયરલ થયા બાદ અભિનેતા શ્રેયસ તળપદેએ માંગવી પડી માફી, કહ્યું- ફરી ક્યારેય આવું નહીં કરું

    આ ક્લિપ વાયરલ થયા બાદ ઘણા યુઝરોએ શ્રેયસ તળપદેને ટેગ કરીને તેમનું ધ્યાન દોર્યું હતું તો ઘણાએ તેમની ટીકા પણ કરી હતી. 

    - Advertisement -

    અભિનેતા શ્રેયસ તળપદેએ (Shreyas Talpade) એક ફિલ્મના દ્રશ્યને લઈને માફી (Aplology) માંગવી પડી છે. તેમની એક ફિલ્મના સીનની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં તેઓ હિંદુ પ્રતીકનું અપમાન કરતા જોવા મળ્યા હતા. આ ક્લિપ વાયરલ થયા બાદ શ્રેયસે માફી માંગતાં કહ્યું કે, તેમની આ ભૂલ હતી અને આવું બીજી વખત ન થાય તેની બાહેંધરી આપી હતી. 

    રવિવારે (12 ફેબ્રુઆરી, 2023) ટ્વિટર પર ‘જેમ્સ ઑફ બૉલીવુડ ફેન’ નામના અકાઉન્ટ પરથી એક ક્લિપ પોસ્ટ કરવામાં આવી હતી. આ ક્લિપ વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘કમાલ, ધમાલ, માલામાલ’નું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ક્લિપ સાથે લખવામાં આવ્યું કે, ‘ખ્રિસ્તી વ્યક્તિ ૐ ઉપર પગ મૂકી રહ્યો છે. ઉર્દૂવુડમાં આ પ્રકારનું અપમાન કોઈ બીજા ધર્મનું થતું જોયું?’

    શું છે ક્લિપમાં? 

    ક્લિપમાં 30 સેકન્ડનું એક ફિલ્મનું દ્રશ્ય છે. જેમાં શ્રેયસ તળપદે એક વાહનની વચ્ચે ઉભા રહીને તેને પોતાના પગ વડે અટકાવી દે છે. શ્રેયસ વાહનના આગળના ભાગે જ્યાં પગ મૂકે છે ત્યાં ૐ દોરવામાં આવ્યો છે. ફિલ્મમાં શ્રેયસ તળપદેના પાત્રનું નામ જ્હોની હતું, જે ખ્રિસ્તી નામ છે. ઉપરાંત, દ્રશ્યમાં તેઓ ગળામાં ‘ક્રોસ’ પહેરેલા પણ જોવા મળે છે, જે સામાન્યતઃ ખ્રિસ્તીઓ પહેરે છે. 

    - Advertisement -

    આ ક્લિપ વાયરલ થયા બાદ ઘણા યુઝરોએ શ્રેયસ તળપદેને ટેગ કરીને તેમનું ધ્યાન દોર્યું હતું તો ઘણાએ તેમની ટીકા પણ કરી હતી. 

    ‘ટ્રુથ સોલ્જર’ નામના યુઝરે શ્રેયસ તળપદેને ટેગ કરીને કહ્યું કે, થોડા પૈસા માટે શું તેઓ તેમના ભગવાનને જ અપમાનિત કરશે? 

    અંશુલ લખે છે કે, આ સ્પષ્ટ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેની ઘૃણા છે. શ્રેયસ તળપદે, તમારું આ વિશે શું કહેવું છે? શરમ જેવું કંઈ વધ્યું છે?

    એક યુઝરે અભિનેતાને ટેગ કરીને કહ્યું કે, શા માટે તેઓ (અભિનેતાઓ) હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા રહે છે? તેમણે એમ પણ પૂછ્યું કે શું તેઓ અલ્લાહ કે જીસસ વિશે આ પ્રકારની હરકતો કરી શકે?

    શ્રેયસ તળપદેએ માફી માંગી 

    ત્યારબાદ આજે શ્રેયસ તળપદેએ આ દ્રશ્યને લઈને માફી માંગી હતી. તેમણે કહ્યું, ‘શૂટિંગ કરતા હોઈએ ત્યારે ઘણાં બધાં પરિબળો કામ કરતાં હોય છે અને ખાસ કરીને એક્શન સીન કરીએ ત્યારે ડાયરેક્ટરની જરૂરિયાતો, સમય મર્યાદા જેવું ઘણું જોવું પડતું હોય છે.’ તેમણે આગળ કહ્યું કે, ‘આમ કહીને હું આ દ્રશ્ય બદલ કોઈ સફાઈ આપી રહ્યો નથી કે મારી જાતને સાચી પુરવાર કરી રહ્યો નથી. હું એટલું જ કહી શકું કે આ સંપૂર્ણ રીતે બિનઈરાદાપૂર્વક થયું હતું અને જે બદલ હું દિલગીર છું.’ 

    અભિનેતા આગળ કહે છે કે, ‘મારે એ જોવું જોઈતું હતું અને ડાયરેક્ટરના ધ્યાને લાવવું જોઈતું હતું. પરંતુ હવે હું ક્યારેય પણ ઇરાદાપૂર્વક કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડીશ નહીં કે આ પ્રકારનું કૃત્ય ફરી કરીશ નહીં.’

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં