ભારતને નવા સંસદ ભવનના રૂપમાં લોકશાહીનું નવું મંદિર મળવા જઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે, 2023ના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. જોકે, વિપક્ષે આ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરતા સંયુક્ત નિવેદન જારી કર્યું છે. બહિષ્કાર કરનારી 19 પાર્ટીઓમાં કોંગ્રેસ પણ સામેલ છે. પરંતુ, પાર્ટીના જ એક નેતાએ આ બહિષ્કારને અયોગ્ય ગણાવ્યો છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે કહ્યું છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન ભારતના PM નહીં કરે તો શું પાકિસ્તાનના PM કરશે?
‘સંસદનો વિરોધ એ દેશનો વિરોધ છે’
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે વિપક્ષી દળોના વલણની ઝાટકણી કાઢતાં કહ્યું કે, “ભારતની સંસદ ભારતની ધરોહર છે, ભાજપની નહીં… દેશની સંસદનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નહીં કરે તો શું પાકિસ્તાનના વડાપ્રધાન કરશે? સંસદ, રાષ્ટ્રપતિ ભવન આ એવી ઇમારતો છે જે કોઈ પાર્ટીની નહીં, દેશની હોય છે. આપણે વડાપ્રધાનની નીતિઓનો વિરોધ કરીએ, આપણે કરવો જોઈએ, આપણે દરેક જગ્યાએ કરશું. દેશની પ્રજાની ભાવનાઓનું સન્માન કરતા આપણને મોદીનો વિરોધ કરવાનો હક છે, પરંતુ દેશનો વિરોધ કરવો યોગ્ય નથી.”
#WATCH | If the Parliament of India will not be inaugurated by the PM of India, will it be inaugurated by the PM of Pakistan? We have the right to oppose Modi but it is not right to oppose the country. I appeal to the opposition to reconsider its decision: Acharya Pramod on… pic.twitter.com/h7VWk0oPoK
— ANI (@ANI) May 24, 2023
‘વિપક્ષ ઓવૈસીના માર્ગ પર ન ચાલે’
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વિપક્ષી દળોને કહ્યું કે, “હું તમામ પાર્ટીઓને અપીલ કરું છું કે તેઓ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે. મોદીનો વિરોધ કરો, દેશનો વિરોધ કરવો યોગ્ય નથી. દેશની સંસદ આખા દેશની છે, કોઈ એક પાર્ટીની નથી. ભારતની સંસદને ભાજપની સમજવી એ ખોટું છે. એટલે મારી વિનંતી છે કે તમામ વિપક્ષ ઓવૈસીના માર્ગ પર ન ચાલે.”
સંસદ ભવન ઉદ્ઘાટનનો 19 પાર્ટીઓએ કર્યો છે વિરોધ
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વિનાયક દામોદર સાવરકર જયંતીના દિવસે થઈ રહ્યું છે અને ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને બોલાવવામાં નથી આવ્યા એટલે વિપક્ષી દળો ભડક્યા છે. સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરીને ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), DMK, જનતા દળ (યુનાઇટેડ), આમ આદમી પાર્ટી (AAP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM), નેશનલ કોન્ફરન્સ, કેરાલા કોંગ્રેસ (M), રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી (RSP), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) અને રાષ્ટ્રીય લોક દળ (RLD) સામેલ છે.