Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશ‘હું કદાચ પરત ન ફરી શકું, બાળકોનું ધ્યાન રાખજે’- પત્નીને કહીને અયોધ્યા...

    ‘હું કદાચ પરત ન ફરી શકું, બાળકોનું ધ્યાન રાખજે’- પત્નીને કહીને અયોધ્યા જવા નીકળ્યા હતા કારસેવક રામ બહાદુર વર્મા, બેભાન અવસ્થામાં પણ કહી રહ્યા હતા રામ-રામ, પુત્રે કહ્યું- મુલાયમે અમને અનાથ કર્યા

    શહીદ રામ બહાદુરના દીકરાએ અમને જણાવ્યું કે, તેમના પિતાના આખા શરીરમાં ગોળીઓના છરા વાગેલા હતા. આ ગોળીઓ સીધાના બદલે ત્રાંસા એન્ગલથી મારવામાં આવી હતી. જેથી કાલી સહાયને શંકા છે કે તેમના પિતા પર હેલિકોપ્ટરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અયોધ્યાના રામજન્મભૂમિ આંદોલનનો ઈતિહાસ લાંબો રહ્યો છે. પોતાના આરાધ્યદેવની જન્મભૂમિ મેળવવા માટે મુગલ કાળથી લઇ વર્તમાન સમય સુધી રામભક્તોએ અનેક યુદ્ધો અને કાયદાકીય લડાઈઓ લડવી પડી છે. હવે જ્યારે 22 જાન્યુઆરી, 2024ના રોજ ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા તેમની જન્મભૂમિ પર નિર્માણાધીન મંદિરમાં થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશનું વાતાવરણ ‘રામમય’ થઇ ગયું છે. આવા ઉત્સવના પ્રસંગે દુનિયાભરના હિંદુઓ તે તમામ રામભક્તોએ યાદ કરી રહ્યા છે, જેમણે બાબરથી લઈને મુલાયમ સરકારના શાસન કાળ સુધી રામ મંદિર માટે પોતાના પ્રાણોની આહુતિ આપી.

    આવા જ નામી-અનામી વીરોમાંથી એક હતા ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર નિવાસી કારસેવક રામ બહાદુર વર્મા. રામ બહાદુર વર્માને 30 ઓક્ટોબર, 1990ની કારસેવામાં ગોળી વાગી હતી, અને તેઓ વીરગતિને વર્યા હતા. ઑપઇન્ડિયાએ રામ બહાદુર વર્માના ઘરે જઈને તેમના પરિવારની મુલાકાત લીધી અને વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી.

    રામ મંદિર માટે ગોળી ખાનાર બલિદાની રામ બહાદુર વર્માનું ઘર સુલ્તાનપુર જિલ્લાના જયસિંહપુર વિસ્તારમાં આવેલું છે. તેમના ગામનું નામ સરતેજપુર છે. ગામથી અયોધ્યા રામ જન્મભૂમિ લગભગ 60 કિમી જેટલું દુર છે. જ્યારે અમે રામ બહાદુર વર્માના ઘરે પહોંચ્યા ત્યારે ગામની બહાર જ અમને તેમના મોટા દીકરા કાલી સહાય વર્મા મળી ગયા. કાલી સહાય વર્માએ જણાવ્યું કે 48 વર્ષની ઉંમરમાં બલિદાની વહોરેલા તેમના પિતા તેમની પાછળ એક બીમાર પત્ની અને 6 સંતાનો છોડી ગયા હતા. 6 સંતાનોમાં 2 દીકરીઓ અને 4 દીકરાઓ છે. જે સમયે રામ બહાદુર વર્માનું મૃત્યુ થયું ત્યારે બધા નાના હતા, હાલ સૌના લગ્ન થઇ ચૂક્યાં છે.

    - Advertisement -
    કારસેવક રામ બહાદુર વર્માના મોટા પુત્ર કાલી સહાય વર્મા તેમના નિવાસસ્થાને

    કારસેવક રામ બહાદુર વર્માનો પરિવાર મૂળરૂપથી ખેડૂત પરિવાર છે. ખેતી જ તેમનો મુખ્ય વ્યવસાય છે, જોકે, તેમના મોટા દીકરા કાલી સહાય હાલ ગામના સરપંચ છે. કાલી સહાય પોલિયોના કારણે નાનપણથી જ એક પગથી દિવ્યાંગ છે. વર્તમાન સમયમાં પણ તેમનું મકાન ખખડધજ હાલતમાં છે. જેનું પ્લાસ્ટર પણ ઉખડેલું જોઈ શકાય છે.

    માતાએ પિતાની ફરજ બજાવી

    જ્યારે રામ બહાદુર વર્મા વીરગતિ પામ્યા ત્યારે તેમના મોટા દીકર કાલી સહાયની ઉંમર 20 વર્ષની આસપાસ હતી. કાલી સહાયના જણાવ્યા અનુસાર, રામ બહાદુરની શહીદીના સમાચાર સાંભળીને ઘરમાં મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. જોકે, રામ બહાદુર વર્માનાં પત્ની ચંદ્રાવતીએ તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની જાતને સંભાળી લીધી. કાલી સહાયે પણ મોટા ભાઈની ફરજ નિભાવી અને શેરડી પિલવા જેવાં કામ કરી, તેઓએ નાના ભાઈ-બહેનોને ન માત્ર શિક્ષણ આપ્યું પરંતુ તેમના લગ્ન પણ કરાવ્યાં. કાલી સહાય વર્માએ જણાવ્યું કે પિતાજીના અવસાનનો સમય તેમના પરિવાર માટે સૌથી મુશ્કેલ સમય હતો.

    રામ મંદિર માટે બલિદાન આપનાર કારસેવક રામ બહાદુર વર્માના પત્ની પહેલેથી જ બીમાર હતાં. બાદમાં તેમને કેન્સર થયું. પરિવારે તેઓની સારવાર પાછળ ઘણો ખર્ચ કર્યો. લાંબી સારવાર બાદ ચંદ્રાવતીએ પણ આખરે વર્ષ 2016માં દુનિયાને વિદાય આપી. મૃત્યુ સમયે ચંદ્રાવતી લગભગ 73 વર્ષનાં હતાં. હાલમાં રામ બહાદુરનો પરિવાર હજુ પણ આ મુશ્કેલીઓથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

    પત્ની અને બાળકો કરતા વધુ પ્રિય શ્રીરામ હતા

    કાલી સહાય વર્માએ અમને જણાવ્યું કે તેમના પિતા ભગવાન શ્રીરામ અને બજરંગ બલીના પરમ ભક્ત હતા. દર મંગળવારે રામ બહાદુર નજીકના હનુમાન મંદિરે જતા હતા. આ ઉપરાંત તેઓ દર પૂનમના દિવસે સાઇકલ પર અયોધ્યા જતા હતા. વર્ષ 1990માં કારસેવા શરૂ થઈ ત્યારે રામ બહાદુરે દેશના ખૂણે-ખૂણેથી આવતા કારસેવકોને આશ્રય આપ્યો અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી. અંતે, 25 ઓક્ટોબર, 1990ના રોજ તેઓએ કેટલાક મિત્રો સાથે એક જૂથ બનાવ્યું અને અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અયોધ્યા તરફ પ્રયાણ કરતાં પહેલાં રામ બહાદુરે પત્નીને કહ્યું હતું કે, “હું કદાચ પરત ન ફરું, તો બાળકોનું ધ્યાન રાખજે.” કાલી સહાયે અશ્રુભિની આંખે આગળ કહ્યું, “મારા પિતાને પત્ની અને બાળકો કરતા પ્રભુ શ્રીરામ વધુ પ્રિય હતા.”

    કાલી સહાયે અમને આગળ જણાવ્યું કે, તેમના પિતાને અયોધ્યા જવાના એ તમામ રસ્તાઓની જાણકારી હતી, જે ત્યાં હાજર પોલીસ પ્રશાસનને પણ ખબર ન હતા. ખેતરોમાં છુપાઈને રામ બહાદુર તેમના સાથીઓ સાથે 30 ઓક્ટોબર, 1990ના રોજ અયોધ્યા પહોંચ્યા. કાલી સહાયનું કહેવું છે કે, તેમના પિતા જૂથની આગળ ચાલી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે કોઠારી બંધુઓ પછી રામ બહાદુર વર્માએ પણ ગુંબજ પર ચઢવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન મુલાયમ સિંહના આદેશ પર ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી લાગવાને કારણે રામ બહાદુર ગંભીર રીતે ઘાયલ થયા અને જમીન પર પડી ગયા.

    2 મહિના સુધી મૃત્યુ સામે લડ્યા અને અંતે વીરગતિને પામ્યા

    શહીદ રામ બહાદુરના દીકરાએ અમને જણાવ્યું કે, તેમના પિતાના આખા શરીરમાં ગોળીઓના છરા વાગેલા હતા. આ ગોળીઓ સીધાના બદલે ત્રાંસા એન્ગલથી મારવામાં આવી હતી. જેથી કાલી સહાયને શંકા છે કે તેમના પિતા પર હેલિકોપ્ટરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી એક છરો રામ બહાદુરના માથામાં વાગતા તેઓ બેભાન થઈને ભીડમાં પડી ગયા. સાથે ગયેલા કારસેવકોએ બેભાન રામ બહાદુરને ભીડમાંથી બહાર કાઢ્યા અને જીવના જોખમે તેમને અયોધ્યાની શ્રીરામ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.

    જ્યારે 4 દિવસ સુધી રામ બહાદુરના કોઈ સમાચાર ન મળ્યા, ત્યારે તેમની પત્ની અને પુત્રોએ અયોધ્યામાં તેઓને શોધવાનું શરૂ કર્યું. ઘણી જગ્યાએ શોધખોળ કર્યા બાદ આખરે રામ બહાદુર ગંભીર હાલતમાં શ્રીરામ હોસ્પિટલમાં દાખલ થયેલા મળ્યા. તે લગભગ 12 દિવસ સુધી અહીં દાખલ રહ્યા. તેમની હાલત ગંભીર થતી જોઈને રામ બહાદુરને લખનૌ સ્થિત મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. જેમતેમ કરી રામ બહાદુરના પરિવારના સભ્યો પણ લખનઉ પહોંચ્યા. અહીં તેમની સારવાર શરૂ થઈ પરંતુ આખરે લગભગ 2 મહિના પછી 3 જાન્યુઆરી, 1991ના રોજ રામ બહાદુરનું નિધન થયું.

    બેભાન અવસ્થામાં રામ-રામનું રટણ

    કાલી સહાય 1990માં લખનૌ મેડિકલ કોલેજમાં તેમના પિતાની દેખરેખ માટે ત્યાં હાજર હતા. તેમણે જણાવ્યું કે, માથામાં છરો વાગવાથી મગજમાં પરુ થઇ ગયું હતું. આ કારણે રામ બહાદુર અવારનવાર બેહોશ થઈ જતા હતા. કાલી સહાયએ દાવો કર્યો કે, જ્યારે તેઓ બેભાન હતા ત્યારે પણ તેમના પિતા હોસ્પિટલમાં રામ-રામ કહેતા હતા. અંતે, 3 જાન્યુઆરી, 1991 ના રોજ તેમનુ મૃત્યુ થયું અને પછી તેમના મૃતદેહને પૈતૃક ગામ સરતેજપુર લાવવામાં આવ્યો.

    લોકોએ મૃતદેહ પર પુષ્પોની વર્ષા કરી હતી

    વર્ષ 1990ને યાદ કરતાં કાલી સહાયે કહ્યું કે, તેમના પિતાની અયોધ્યાની કૂચ પહેલા જેટલાં સૈનિકો આ વિસ્તારમાં મુકવામાં આવ્યા હતા તેના કરતાં અનેક ગણા વધારે સુરક્ષા દળ અંતિમ સંસ્કાર સમયે ખડકી દેવામાં આવ્યું. આ દરમિયાન, લોકોની અવરજવર પર ઘણા પ્રકારના વહીવટી નિયંત્રણો લાદવામાં આવ્યા. પરંતુ તેમ છતાં, હજારો લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. 4 જાન્યુઆરી 1991ના રોજ, હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ સમગ્ર વિસ્તારમાં રામ બહાદુરના અંતિમયાત્રા કાઢી હતી, જેના પર લોકોએ ફૂલોની વર્ષા કરી હતી. બીજા દિવસે 5 જાન્યુઆરીએ, ગામના નાકે એક પ્રાચીન મંદિરની સામે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

    પિતાએ મુલાયમની ચેલેન્જ સ્વીકારી લીધી

    કાલી સહાય વર્મા મુલાયમ સિંહ યાદવને પોતાના સૌથી મોટા દુશ્મન ગણાવે છે. તેમણે કહ્યું કે મુલાયમ સિંહે તેઓને અનાથ કર્યા છે. રામ બહાદુર વર્માનો પરિવાર પણ રામ મંદિરના નિર્માણથી ઘણો ખુશ છે. તેઓ પિતાના બલિદાનને સાર્થક ગણાવે છે. કાલી સહાયના કહેવા પ્રમાણે, 1990માં મુલાયમ સિંહ યાદવે ચેલેન્જ આપી હતી કે અયોધ્યામાં તેમની ઈચ્છા વગર પક્ષી પણ ફરકી શકશે નહિ, પરંતુ તેમના બલિદાની પિતાએ આ ચેલેન્જને ન માત્ર સ્વીકારી પરંતુ પોતાના જીવની આહુતિ આપી ચેલેન્જ જીતી પણ લીધી. કાલી સહાય વર્મા 6 ડિસેમ્બર, 1992 ના રોજ વિવાદિત માળખાને તોડી પાડવાની ઘટનાને 1990 માં શહીદ થયેલા કારસેવકો માટે પ્રેરણા તરીકે ગણાવે છે. ઉલ્લેખનીય છે કે રામ બહાદુરના પરિવારજનો પણ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માંગે છે.

    રામ બહાદુરની સમાધિ આજે પણ પ્રેરણા આપે છે

    5 જાન્યુઆરી, 1991ના રોજ રામ બહાદુરવર્માનો અંતિમ સંસ્કાર જ્યાં કરવામાં આવ્યો હતો, આજે તે જગ્યા પર એક સમાધિ છે, આ સમાધિ રામ બહાદુર વર્માના પરિવારજનોએ જાતે જ બનાવી છે. દર વર્ષે 3 જાન્યુઆરીએ અહીં હિંદુ સંગઠનોનો મેળાવડો થાય છે અને હનુમાન ચાલીસા સાથે રામચરિતમાનસનો પાઠ પણ કરવામાં આવે છે. આ સિવાય અન્ય તહેવારો પર રામ બહાદુરના પરિવારના સભ્યો અહીં ભેગા થાય છે અને ભક્તિભાવથી પૂજાપાઠ કરે છે.

    કારસેવક રામ બહાદુર વર્માની સમાધિ

    જોકે, આ સ્મારકની આસપાસ જમીનના અભાવે લોકોને ભેગા થવામાં મુશ્કેલી પડે છે. રામ બહાદુરના પરિવારજનોએ પ્રશાસન અને સરકારને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે. સાથે તેઓ ઈચ્છે છે કે અયોધ્યા રામ મંદિરમાં તેમના પિતા અને અન્ય શહીદોનું સ્મારક બનાવવામાં આવે અને લોકોને તેમના બલિદાન વિશે જણાવવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં