યુપીના (Uttar Pradesh) સહારનપુર જિલ્લામાં લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના ચર્ચિત દેવબંદ વિસ્તારમાં આસ મોહમ્મદ અંસારી ઉર્ફ આશુ પર એક પરણિત હિંદુ મહિલા સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી આશુ પીડિતાની દુકાનમાં જ નોકરી કરતો હતો. તેના પર પીડિતાનો અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલ કરવાનો પણ આરોપ છે. પોલીસે શનિવાર (28 ઓકટોબર, 2023)ના રોજ આસ મોહમ્મદની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
આ મામલો યુપીના દેવબંદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં રહેતી એક પીડિતાએ 21 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પીડિતાની દેવબંદ માર્કેટમાં કપડાની દુકાન છે. દેવબંદના જ શમશાદનો પુત્ર આસ મોહમ્મદ ઉર્ફે આશુ આ દુકાનમાં નોકરી કરતો હતો. દુકાનમાંથી સામાન અને રોકડ લેવા માટે આશુ ઘણીવાર પીડિતાના ઘરે આવતો-જતો રહેતો હતો. પીડિતાનો આરોપ છે કે આ દરમિયાન આશુ તેના પર ખરાબ નજર રાખવા લાગ્યો હતો. આરોપ છે કે તેણે પીડિતાનો અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હતો.
નહાતી વખતે બનાવ્યો અશ્લીલ વિડીયો
ફરિયાદમાં પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, એક દિવસ આશુ ઘરે આવ્યો ત્યારે તે સ્નાન કરી રહી હતી. આ દરમિયાન આશુએ ગુપ્ત રીતે પીડિતાનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો. પીડિતાને આસ મોહમ્મદની આ કરતૂત વિશે કોઈ જાણ નહોતી. થોડા દિવસો પછી આશુ અંસારીએ નોકરી છોડી દીધી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 19 ઓકટોબર 2023ની સાંજે તે તેના ઘરે એકલી હતી. આ દરમિયાન આશુ અંસારી બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને અને તેની છેડતી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તે હિંદુ મહિલા પર અવૈધ સંબંધ બનાવવાનું દબાણ કરવા લાગ્યો. જ્યારે પીડિતાએ ના પાડી તો આશુ અંસારીએ તેને નહાતી વખતે બનાવેલો વિડીયો બતાવ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો.
બ્લેકમેલ કરીને આચર્યું દુષ્કર્મ
પીડિતાએ જણાવ્યું કે પોતાનો વિડીયો જોઈને તે મજબૂર થઈ ગઈ હતી. આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને આશુ અંસારીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં જ્યારે પીડિતાએ વિડીયો ડિલીટ કરવાની વિનંતી કરી ત્યારે આસ મોહમ્મદે આ માંગણી સ્વીકારી નહિ. વિડીયો તો ડિલીટ ના કર્યો અને ઊલટું તેણે પીડિતાને કહ્યું કે, “આ બતાવીને જ્યારે હું ઈચ્છું ત્યારે તારો રેપ કરીશ.” પોતાની કરતૂત કોઈને જણાવવા પર આશુ અંસારીએ પીડિતા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદના અંતે, મહિલાએ આશુ અંસારી સામે કડક કાર્યવાહીની માંગ કરી અને તેના અશ્લીલ વિડીયો અને ફોટા ડિલીટ કરવાની પણ વિનંતી કરી હતી. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે. પોલીસે આ ફરિયાદના આધારે આશુ અંસારી પર IPCની કલમ 376, 452, અને 506 હેઠળ FIR નોંધી છે. જ્યારે 28 ઓક્ટોબર, 2023ના રોજ આસ મોહમ્મદની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો છે.