તાજેતરમાં દિલ્હી સર્વિસીસ બિલ પરની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચઢ્ઢા પર ફ્રોડ કરવાનો આરોપ લાગ્યા બાદ હવે તેમને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની સાથે અન્ય AAP સાંસદ સંજય સિંઘનું સસ્પેન્શન પણ લંબાવી દેવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના આ બંને સાંસદો વિશેષાધિકાર સમિતિનો નિર્ણય ન આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે. આજે રાજ્યસભા ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ વિશે ગૃહને જણાવ્યું હતું.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar announces, "…I suspend Raghav Chadha from the service of the Council till the Council has the benefit of the report by the Committee of Privileges." pic.twitter.com/OXMGitpdMQ
— ANI (@ANI) August 11, 2023
વાસ્તવમાં 7 ઓગસ્ટ, 2023ના રોજ જ્યારે દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું અને તેની પર ચર્ચા ચાલી તો આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક પ્રસ્તાવ રજૂ કરીને બિલને સંસદની સિલેક્ટ કમિટી સમક્ષ રજૂ કરવા માટે અપીલ કરી હતી. તેમની ઉપર આરોપ છે કે રાજ્યસભાના પાંચ સાંસદોની મંજૂરી વગર જ તેમનાં નામનો ઉલ્લેખ પ્રસ્તાવ પર કરી દીધો હતો.
આ પાંચ સાંસદોમાં સુધાંશુ ત્રિવેદી, નરહરિ અમીન અને ફાંગનોન કોન્યાક (ત્રણેય ભાજપ) તેમજ બીજેડી સાંસદ સસ્મિત પાત્રા અને DMK સાંસદ થંબીદુરઈનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે તેમનાં નામ સામેલ કરવા પહેલાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. જેને લઈને રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો અને મામલાની તપાસ માટે ઉપસભાપતિને વિનંતી કરી હતી.
રાજ્યસભા ચેરમેને મામલે વિશેષાધિકાર સમિતિને મોકલતાં સમિતિએ રાઘવ ચઢ્ઢાને નોટિસ પાઠવી હતી. જેની ઉપર હવે તેઓ જવાબ આપશે. આ સમિતિ તપાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.
રાઘવ ઉપરાંત રાજ્યસભા ચેરમેને અન્ય એક AAP સાંસદ સંજય સિંઘને પણ સસ્પેન્ડ કર્યા છે. રાજ્યસભામાં નેતા પિયુષ ગોયલે સંજય સિંઘને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે પસાર થઇ ગયો હતો. તેમને ‘અમર્યાદિત આચરણ’ માટે ગૃહમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે. 24 જુલાઈએ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે વિશેષાધિકાર સમિતિનો પ્રસ્તાવ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ જ રહેશે.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar announces the suspension of AAP MP Sanjay Singh
— ANI (@ANI) August 11, 2023
He says, "…I find it expedient to refer the matter to the Committee of Privileges…suspension order dated 24th July 2023 may continue beyond the current session till the Council has… pic.twitter.com/WoOCPiaZYa
બન્યું હતું એવું કે થોડા દિવસ અગાઉ રાજ્યસભામાં પ્રશ્ન કાળ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદો મણિપુરની ઘટના પર વડાપ્રધાન મોદીના નિવેદનની માગ કરી રહ્યા હતા. આ દરમિયાન સંજય સિંઘ સભાપતિની ખુરશી પાસે દોડી આવ્યા, જેથી સભાપતિએ તેમને પરત જઈને પોતાનું સ્થાન લેવા માટે કહ્યું પરંતુ સંજય સિંઘ ન માન્યા. ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમની સામે પણ વિશેષાધિકાર સમિતિ તપાસ કરી રહી છે, જેનો રિપોર્ટ આવ્યા સુધી સસ્પેન્ડ રહેશે.