Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદારૂની હેરાફેરી, મારામારી, હત્યાના પ્રયાસ સહિતના 24 કેસમાં આરોપી, પાસા હેઠળ પણ...

    દારૂની હેરાફેરી, મારામારી, હત્યાના પ્રયાસ સહિતના 24 કેસમાં આરોપી, પાસા હેઠળ પણ થઇ હતી કાર્યવાહી: ‘આપ’ના વધુ એક વિધાનસભા ઉમેદવાર વિવાદમાં

    આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો પૈકી દેવગઢ બારિયા બેઠક પરના ઉમેદવાર ભરતસિંહ વખાળા વિવાદમાં આવ્યા, નોંધાઈ ચૂક્યા છે 24 કેસ.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોમાંથી વધુ એક ઉમેદવાર વિવાદમાં સપડાયા છે. દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના ‘આપ’ ઉમેદવાર ભરતભાઈ વખાળા સામે 24 જેટલા ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં દારૂની હેરાફેરી, મારામારી, લૂંટ, હત્યાનો પ્રયાસ વગેરેનો સમાવેશ થાય છે. 

    રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીના (આપ) ઉમેદવાર ભરતભાઈ વખાળા સામે દાહોદ-પંચમહાલના જુદા-જુદા પોલીસ મથકોએ કુલ 24 કેસ નોંધવામાં આવ્યા છે. ઉપરાંત, તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકી છે. તેમની સામે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 365 (કેદ રાખવા આશયથી અપહરણ કરવું) અને કલમ 386 (કોઈ વ્યક્તિને જોખમમાં મૂકીને પૈસાની વસૂલી કરવી) વગેરે હેઠળ જુદા-જુદા કેસ દાખલ થયા છે. 

    અગાઉ, રમખાણોમાં સામેલ થવાના અને શાંતિ ડહોળવાના આરોપસર ભરતભાઈ વખાળા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓમાં પણ તેમનું નામ સામે આવી ચૂક્યું છે. તેમને આમ આદમી પાર્ટીએ દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પરથી આ ચૂંટણી માટે ટિકિટ આપી છે. 

    - Advertisement -

    ભરતભાઈ વખાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલાં કોંગ્રેસમાં હતા અને 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી એ જ બેઠક પરથી લડ્યા હતા. જોકે, ભારે માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

    સોમનાથના ઉમેદવારે કહ્યું હતું- દારૂ ખરાબ નથી, તાકાત હોય એટલો પીવો

    આ ચૂંટણીમાં 182 બેઠકો પર લડવાની જાહેરાત કરી ચૂકેલી આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં ત્રીસ જેટલા ઉમેદવારોનાં નામોનું એલાન કરી ચૂકી છે. જોકે, જેમ-જેમ ઉમેદવારોનાં નામો જાહેર થઇ રહ્યાં છે તેમ એક પછી એક વિવાદ પણ શરૂ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા ‘આપ’ ઉમેદવારો વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા છે. 

    તાજેતરમાં જ ગીર સોમનાથ બેઠક પરના આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવાર અને પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ વાળાએ એક સભા સંબોધતા દારૂ અંગે એવું નિવેદન આપી દીધું હતું કે જેના કારણે હાંસીપાત્ર બન્યા હતા અને તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. 

    આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળાએ જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે, “આખી દુનિયામાં 800 કરોડની વસ્તી છે. કુલ 196 દેશો છે. આખી દુનિયામાં દારૂ પીવાની છૂટ છે. ભારતમાં 130 કરોડની વસ્તી છે. તેમાં પણ આખા દેશમાં દારૂ પીવાની છૂટ છે. માત્ર ગુજરાતમાં સાડા છ કરોડની વસ્તીમાં જ દારૂબંધી છે. એટલે સાબિત થઇ જાય છે કે દારૂ ખરાબ નથી.”

    સભા સંબોધતા તેમણે આગળ કહ્યું હતું કે, “દારૂ ખરાબ નથી, પણ દારૂ આપણને પી જાય છે, એ વાંધો છે. પણ હવે આપણે દારૂને પીવાનો છે. આપણે પીએ તો દારૂ ખરાબ નથી. બાકી તાકાત હોય તો દારૂ પીઓ. મોટા-મોટા ડોકટરો, આઈએએસ પણ દારૂ પીએ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં