Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમીર ખાનને ધૂમ 4માં કામ કરવું છે પરંતુ આદિત્ય ચોપરાએ રોકડું પરખાવ્યું;...

    આમીર ખાનને ધૂમ 4માં કામ કરવું છે પરંતુ આદિત્ય ચોપરાએ રોકડું પરખાવ્યું; ફ્રેન્ચાઇઝીનાં ત્રીજા ભાગમાં કામ કરી ચુક્યો છે અભિનેતા

    યશરાજ બેનરના કર્તાધર્તા એવા આદિત્ય ચોપરા સમક્ષ આમીર ખાને ધૂમ 4માં કામ કરવાની ઈચ્છા સામે ચાલીને વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    બોલિવુડ અને ક્રિકેટ આ બંનેમાં ટોચે પહોંચેલા કલાકારો અને ક્રિકેટરોને વધતી ઉંમરનો ખ્યાલ તરત આવતો નથી. આમ થવાને લીધે કલાકારો વૃદ્ધત્વને આરે આવી ગયા હોવા છતાં રોમેન્ટિક કે એક્શન હીરો બની રહેવાની લાલસા રોકી શકતાં નથી અને ક્રિકેટરો પોતાની નિવૃત્તિની યોગ્ય વય નક્કી કરી શકતાં નથી અને પરિણામે બંનેને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આમીર ખાને ધૂમ 4માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ તેની આ ઈચ્છા પૂરી થાય એવું લાગતું નથી.

    કોઈમોઈ નામની એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર યશરાજ બેનરના કર્તાધર્તા એવા આદિત્ય ચોપરા સમક્ષ આમીર ખાને ધૂમ 4માં કામ કરવાની ઈચ્છા સામે ચાલીને વ્યક્ત કરી હતી. આ અગાઉ એક એવો પ્રોપેગેન્ડા પણ બોલિવુડ વર્તુળોમાં ફેલાવવામાં આવ્યો હતો કે આમીર ખાન એક્શન મુવીઝમાં ઘણો કમ્ફર્ટેબલ હોય છે. આ બાબતે તેની જૂની ફિલ્મો જેવી કે ગજની, સરફરોશ અને ગુલામ ઉપરાંત ધૂમ 3નાં ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતાં.

    હવે આ પ્રચારનો ઉદ્દેશ આમીર ખાનને ધૂમ 4માં લેવા બાબતે આદિત્ય ચોપરા પર દબાણ ઉભું કરવાનો હોય કે ન હોય તેનો તો ઉલ્લેખ ઉપરોક્ત અહેવાલમાં નથી પરંતુ ચોપરાએ આમીરની દરખાસ્તને ધ્યાનમાં લીધી નથી એ પાક્કું છે. આદિત્ય ચોપરાએ આમીર ખાનને સીધેસીધું તો નથી કહ્યું પરંતુ આમીરના પ્રસ્તાવનો જવાબ એ રીતે આપવામાં આવ્યો છે કે ધૂમ 4 માટે યશરાજ ફિલ્મ્સ યુવાન અભિનેતાઓની શોધમાં છે.

    - Advertisement -

    આમ આ રીતે આમીર ખાનને આડકતરી રીતે એમ જણાવી દેવામાં આવ્યું છે કે હવે તમે વૃદ્ધ થયા એટલે તમે હવે રહેવા દો તો સારું. ધૂમ ફ્રેન્ચાઇઝી બે પોલીસ ઓફિસર્સ જુદાજુદા અને પ્રખ્યાત ચોરની પાછળ પડવાની વાત કરે છે. અત્યારસુધીમાં આ સિરીઝના ત્રણ ભાગ આવી ગયા છે જેમાં અગાઉ જણાવવામાં આવ્યું તેમ છેલ્લા ભાગમાં ખુદ આમીર ખાને નેગેટીવ રોલ કર્યો હતો.

    પરંતુ ધૂમ 4 માટે યશરાજના ધ્યાનમાં રણબીર કપૂર હોવાનું સામે આવ્યું હતું પરંતુ હાલમાં જ રીલીઝ થયેલી અને હીટ થયેલી ફિલ્મ તુ જુઠી મૈ મક્કારના એક પ્રમોશન કાર્યક્રમમાં રણબીર કપૂરે કહ્યું હતું કે તે ફક્ત યશરાજના કોલની રાહ જોઈ રહ્યો છે. આમ રણબીર પણ આ ફિલ્મ માટે ફિક્સ નથી થયો એમ કહી શકાય.

    જો ઈતિહાસ તપાસીએ તો શાહરૂખ ખાનની કેરિયર બનાવી દેનાર ફિલ્મ ડર માટે પહેલાં યશ ચોપરાએ આમીર ખાનનો જ સંપર્ક કર્યો હતો પરંતુ નેગેટીવ રોલ કરવાની ના પાડતા એ રોલ શાહરૂખને આપવામાં આવ્યો હતો. હવે આમીર ખાન એ જ યશ ચોપરાના યશરાજ માટે એક નહીં પરંતુ બે બે ફિલ્મો માટે નેગેટીવ રોલ કરવા માટે તૈયાર થયો છે.

    અત્રે એ પણ નોંધપાત્ર છે કે આમીર ખાનની છેલ્લી ફિલ્મ લાલસિંહ ચડ્ઢા બોક્સ ઓફીસ પર જબરદસ્ત નિષ્ફળતાને પામી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં