Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ મહિલા સહકર્મીને ઘરે મૂકવા ગયેલા હિંદુ યુવાન સાથે મારપીટ, શહેજાદ પઠાણ...

    મુસ્લિમ મહિલા સહકર્મીને ઘરે મૂકવા ગયેલા હિંદુ યુવાન સાથે મારપીટ, શહેજાદ પઠાણ સહિત બે સામે ફરિયાદ- વડોદરાની ઘટના

    પીડિત યુવકે વડોદરાના સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, શહેજાદ પઠાણ અને અન્ય એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ.

    - Advertisement -

    વડોદરા શહેરમાં મુસ્લિમ વિસ્તારમાં ગયેલા એક હિંદુ યુવાનને માથાભારે ઈસમોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક તેની મુસ્લિમ સહકર્મચારીને ઘરે મૂકવા ગયો હતો, જ્યાં બે-ત્રણ ઈસમોએ મળીને તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 

    વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતો મયુર નામનો હિંદુ યુવક તેની સાથે કામ કરતી મંતશાને તેના ઘરે મૂકવા માટે ગયો હતો. જ્યાં એક ઈસમે તેને રોકીને નામ પૂછતાં તેણે ડરના માર્યા મુસ્લિમ નામ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે અન્ય એક શખ્સ સાથે મળીને હિંદુ યુવાનને ગાળો ભાંડીને મારપીટ કરી હતી અને યુવતીને પણ ગાળો ભાંડી હતી. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડોદરાના હરણી રોડ પર વિજયનગરમાં રહેતા મયુર પરમારે સીટી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 31 જાન્યુઆરીએ તેની નોકરી પૂરી થયા બાદ તેની સાથી કર્મચારી મંતશાએ તેને ઘરે મૂકી જવા માટે કહ્યું હતું. જેથી તેણે તેને બેસાડીને યાકુતપુરા લાલ અખાડા ત્રણ રસ્તા પાસે ઉતારી હતી. 

    - Advertisement -

    હિંદુ યુવક સાથે આવેલી મંતશાને જોઈને એક શખ્સે નજીક આવીને મયુરનું નામ પૂછ્યું હતું. જેના જવાબમાં તેણે પોતાનું નામ ‘શાદાબ’ જણાવ્યું હતું. જેના કારણે અજાણ્યા ઈસમે ‘તું ગુજરાતી જેવો લાગે છે’ અને ‘ખોટું શા માટે બોલે છે’ તેમ કહીને મોપેડની ચાવી કાઢી લીધી હતી અને એલફેલ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. 

    પીડિત યુવાને ફરિયાદમાં જણાવ્યું કે, ગાળો બોલવાની ના પાડતાં હુમલાખોરો ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે અન્ય એક ઈસમે મળીને તેને માર માર્યો હતો. દરમ્યાન, મંતશાએ વચ્ચે લડીને છોડાવતાં બંનેએ તેને પણ ગાળો ભાંડી હતી. 

    જોકે, પછીથી બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ હુમલો કરનાર બંને ભાગી છૂટ્યા હતા. ઘટના બાદ યુવકે વડોદરા શહેર પોલીસ મથકે પહોંચીને શહેઝાદ પઠાણ અને લાલાનો છોકરો, એમ બે ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. 

    યુવકની ફરિયાદના આધારે વડોદરા પોલીસે શહેઝાદ પઠાણ સહિત બે આરોપીઓ સામે IPCની કલમ 323 (જાણીજોઈને ઇજા પહોંચાડવી), 294(B) (જાહેરમાં અપશબ્દો બોલવા), 114 (ગુનો થયા સમયે દુષ્પ્રેરકની ઉપસ્થિતિ) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં