Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: માથાફરેલે યુવતીના સ્કુટરમાં લગાવી દીધું હતું GPS ટ્રેકર, જ્યાં જતી ત્યાં...

    સુરત: માથાફરેલે યુવતીના સ્કુટરમાં લગાવી દીધું હતું GPS ટ્રેકર, જ્યાં જતી ત્યાં પાછળ પહોંચી જતો, ફરિયાદ બાદ ધરપકડ

    પોલીસે આરોપી યુવક નિકુંજ પટેલ સામે IPCની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માથાફરેલ ઈસમે એક યુવતીના સ્કુટરમાં GPS ટ્રેકર લગાવી દીધું હતું અને તે જ્યાં પણ જતી ત્યાં પાછળ પહોંચી જતો હતો. આ અંગે યુવતીને જાણ થતાં તેણે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. 

    કતારગામ પોલીસ મથકે યુવતીએ સોમવારે (13 ફેબ્રુઆરી, 2023) ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે આરોપી યુવક નિકુંજ પટેલ સામે IPCની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે તેની બાજુના મહોલ્લામાં રહેતા નિકુંજ પટેલ સાથે તેની ઇન્સ્ટાગ્રામ મારફતે ઓળખાણ થઇ હતી અને બંને ચેટિંગ કરતા હતા. દરમ્યાન, યુવકે પ્રેમ સબંધ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને યુવતીએ તેમની જ્ઞાતિ અલગ હોવાના કારણે ફગાવી દીધો હતો અને પ્રેમ સબંધ બાંધવાની ના પાડી દીધી હતી. 

    - Advertisement -

    જોકે પછી પણ નિકુંજે યુવતીનો પીછો છોડ્યો ન હતો અને તેનો પીછો કરતો કોલેજ સુધી પહોંચી ગયો હતો અને ‘જો પ્રેમ સબંધ નહીં બાંધે તો તારા વિડીયો વાયરલ કરી દઈશ’ અને ‘જીવવાનું હરામ કરી નાંખીશ’ તેમ કહીને ધમકીઓ આપી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તે તેને દિવસના 100થી 200 ફોન કરતો હતો. 

    નિકુંજથી ત્રાસી જઈને યુવતીએ આ બાબતની ફરિયાદ તેની માતાને કરી હતી. જેમણે યુવકના પરિવારને વાત કરતાં તેમણે જવાબદારી લીધી હોવાના કારણે યુવતી અને તેની માતાએ કોઈ પોલીસ કાર્યવાહી કરી ન હતી. 

    યુવતીનું કહેવું છે કે ત્યારબાદ પણ તે જ્યાં પણ જતી ત્યાં નિકુંજ તેની પાછળ પહોંચી જ જતો હતો, જેથી તેને શંકા  ગઈ હતી. જેના નિવારણ માટે તેણે ગેરેજમાં જઈને ગાડી ચેક કરાવતાં બેટરી નજીકથી એક GPS ટ્રેકર મળી આવ્યું હતું. જેમાં એક સિમકાર્ડ પણ લાગેલું જોવા મળ્યું હતું. 

    ત્યારબાદ પણ તેણે પીછો કરવાનું ચાલુ રાખતાં યુવતી તેના પરિજનો સાથે પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ દાખલ કરાવી હતી અને તેના સ્કુટરમાંથી મળી આવેલું GPS ટ્રેકર પણ જમા કરાવ્યું હતું. 

    યુવતીની ફરિયાદના આધારે કતારગામ પોલીસે IPCની કલમ 354 (છેડતી), 323 (જાણીજોઈને કોઈને નુકસાન પહોંચાડવું), 504 (શાંતિભંગના ઇરાદે જાણીજોઈને થતું અપમાન), 506(2) (ગુનાહિત ધમકી) હેઠળ નિકુંજ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, આરોપી યુવક સામે કેસ દાખલ કરીને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને હાલ આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં