જે 8 ભારતીયોને ફાંસીની સજા આપવામાં આવી હતી તેમને કતારે મુક્ત કર્યા છે. ભારતની આ એક મોટી કૂટનીતિક જીત છે. 8માંથી 7 વ્યક્તિઓ ભારત પરત પણ ફરી ચૂક્યા છે. પરત આવ્યા બાદ તેમણે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક અખબારી યાદી જાહેર કરીને આ બાબતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું કે, કતારમાં બંધ દોહા ગ્લોબલ કંપની માટે કામ કરતા 8 ભારતીય નાગરિકોને મુક્ત કરવાના નિર્ણયનું ભારત સરકાર સ્વાગત કરે છે. આઠમાંથી 7 વ્યક્તિઓ ભારત પહોંચી ચૂક્યા છે. નાગરિકો વતન પરત ફરી શકે તે માટે તેમને મુક્ત કરવાના નિર્ણય માટે કતારના શાસકોના આભારી છીએ.
આ તમામ 8 ભારતીય નાગરિકો પૂર્વ નૌસૈનિકો છે અને દોહાની એક કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેમની ઉપર કથિત રીતે જાસૂસીનો આરોપ લગાવીને ઑક્ટોબર, 2022માં ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. પછીથી અનેક વખત તેમની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવતી રહી. જોકે, કતારે ક્યારેય જાહેરમાં આ વ્યક્તિઓ ઉપર શું આરોપો લાગ્યા છે તેની ચર્ચા કરી નથી.
પછીથી વર્ષ 2023માં તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. બીજી તરફ ભારત સરકારે તેમની મુક્તિ માટે તમામ પ્રયાસો ચાલુ કરી દીધા હતા અને એક તરફ કતારની સરકાર સાથે સતત વાતચીત ચાલુ રાખી અને બીજી તરફ 8 નાગરિકોના પરિજનો સાથે પણ સંપર્ક બનાવી રાખ્યો હતો. દરમ્યાન, સરકારે ફાંસીની સજા વિરુદ્ધ કતારની કોર્ટ ઑફ અપીલમાં અપીલ પણ દાખલ કરી હતી.
આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે પ્રથમ તમામની ફાંસીની સજા માફ કરી દીધી હતી અને તેમાં ઘટાડો કરીને જેલની સજામાં પરિવર્તિત કરી દીધી હતી. પરંતુ હવે તેમને મુક્તિ જ આપી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી હેઠળની સરકારની આ એક મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે.
#WATCH | Delhi: Qatar released the eight Indian ex-Navy veterans who were in its custody; seven of them have returned to India. pic.twitter.com/yuYVx5N8zR
— ANI (@ANI) February 12, 2024
વતન પરત ફરીને 7 ભારતીય નાગરિકોએ મીડિયા સાથે પણ વાતચીત કરી. સૌએ એકસૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ જો ન હોત તો તેઓ મુક્ત થઈ શક્યા ન હોત.