Monday, April 29, 2024
More
    હોમપેજદેશ‘PM મોદી ન હોત તો આજે અમે અહીં ઉભા ન હોત’: કતારથી...

    ‘PM મોદી ન હોત તો આજે અમે અહીં ઉભા ન હોત’: કતારથી પરત ફરેલા પૂર્વ નૌસૈનિકોએ માન્યો વડાપ્રધાનનો આભાર, કહ્યું- તેમના હસ્તક્ષેપ વગર આ શક્ય જ ન હતું

    પૂર્વ નૌસૈનિકે પણ વડાપ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું કે, "ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છીએ કે અમે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છીએ. સાથે ચોક્કસપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કરવા માંગીએ છીએ, કારણ કે તેમના વ્યક્તિગત હસ્તક્ષેપથી જ આ શક્ય બન્યું છે."

    - Advertisement -

    કતારમાં જે 8 ભારતીયોને ફાંસીની સજા આપવામાં આવી હતી તેમને હવે ત્યાંની સરકારે મુક્ત કરી દીધા છે. તેમના પર કથિત રીતે જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારત સરકારના હસ્તક્ષેપ બાદ તેમને ફાંસીની સજામાંથી રાહત પણ આપવામાં આવી હતી. 8માંથી 7 નાગરિકો ભારત પરત ફર્યા છે. આ તમામે PM મોદીને આ સફળતાનો શ્રેય આપ્યો છે અને આભાર પણ માન્યો છે. તેમણે કહ્યું છે કે, જો PM મોદી ન હોત તો તેઓ આજે અહીં ન હોત. તેમણે વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે.

    કતારથી પરત ફરેલા 7 નાગરિકોએ મીડિયા સાથે વાત કરતી વખતે વડાપ્રધાન મોદીની અને કેન્દ્ર સરકારની કૂટનીતિની પ્રશંસા કરી અને PM મોદીનો આભાર પણ માન્યો. કતારથી પરત ફરેલા એક પૂર્વ નૌસૈનિકે કહ્યું કે, “અમે ભારત આવવા માટે લગભગ 18 મહિના રાહ જોઈ છે. અમે વડાપ્રધાનના ખૂબ જ આભારી છીએ. આ તેમના વ્યક્તિગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણોથી જ શક્ય બન્યું છે. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસ માટે આભારી છીએ અને તે પ્રયાસો વગર આ શક્ય જ નહોતું.”

    કતારથી પરત ફરેલા અન્ય એક નાગરિકે કહ્યું કે, “વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ વગર આ શક્ય નહોતું. આજે અમે આપની સામે ઊભા રહી શક્યા ન હોત. જો ઉચ્ચસ્તરીય હસ્તક્ષેપ ના થયો હોત તો આ શક્ય જ નહોતું. આ ભારત સરકારના અથાગ પ્રયાસો દ્વારા જ થઈ શક્યું છે.”

    - Advertisement -

    ભારત પરત ફરેલા અન્ય એક પૂર્વ નૌસૈનિકે પણ વડાપ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું કે, “ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છીએ કે અમે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છીએ. સાથે ચોક્કસપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કરવા માંગીએ છીએ, કારણ કે તેમના વ્યક્તિગત હસ્તક્ષેપથી જ આ શક્ય બન્યું છે.” સાથે તેમણે કતાર સરકાર અને તેમના શાસકોનો પણ આભાર માન્યો છે.

    નોંધનીય છે કે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક અખબારી યાદી જાહેર કરીને આ બાબતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું કે, કતારમાં બંધ દોહા ગ્લોબલ કંપની માટે કામ કરતા 8 ભારતીય નાગરિકોને મુક્ત કરવાના નિર્ણયનું ભારત સરકાર સ્વાગત કરે છે. આઠમાંથી 7 વ્યક્તિઓ ભારત પહોંચી ચૂક્યા છે. નાગરિકો વતન પરત ફરી શકે તે માટે તેમને મુક્ત કરવાના નિર્ણય માટે કતારના શાસકોના આભારી છીએ.

    ઉલ્લેખનીય છે કે આ તમામ 8 નાગરિકોને ઓક્ટોબર, 2022માં કથિત રીતે જાસૂસીના આરોપસર પકડી લેવામાં આવ્યા હતા, ત્યારથી તેઓ કસ્ટડીમાં હતા. જોકે, કતારે ક્યારેય આ આરોપો સાર્વજનિક કર્યા નથી, પરંતુ ગત ઓક્ટોબરમાં આ તમામને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ભારત સરકારે સતત ત્યાંની સરકાર સાથે વાતચીત ચાલુ રાખી અને વડાપ્રધાન મોદીએ પણ વ્યક્તિગત રીતે પૂરતા પ્રયાસો કર્યા. પરિણામસ્વરૂપ આજે ભારતે એ કરી બતાવ્યું જે અસંભવ નહીં તોપણ અત્યંત કઠિન જરૂર હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં