આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં TDP (તેલુગુ દેશમ પાર્ટી)ના વડા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગને કારણે 7 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી પક્ષના પ્રચારના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે હતા અને આ દરમિયાન તેમના સ્વાગત માટે હજારો સમર્થકો એકઠા થયા હતા. ઘટના બાદ ચંદ્રબાબુ નાયડુ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા હતા. જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે.
ટીડીપીએ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. TDPએ એક ટ્વીટમાં કહ્યું કે, “ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે તેઓ તેલુગુ દેશમના ચાહકો અને કાર્યકરોના પરિવારોની પડખે ઊભા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલાં દરેકના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
Andhra Pradesh | Seven TDP workers lost their lives after a scuffle broke out between party workers during a public meeting being held by TDP leader N Chandrababu Naidu in Kandukuru of Nellore district today.
— ANI (@ANI) December 28, 2022
7 people have lost their lives, injured admitted to hospital: Police pic.twitter.com/uqU1j8K66X
આગામી 2024 માં આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સતત પોતાનો જનાધાર ખોઈ રહેલા ચંદ્રબાબૂ નાયડૂ પ્રચારના ભાગરૂપે નેલ્લોર જિલ્લામાં પહોંચ્યા હતા.
આ પહેલા 2019 વિધાનસભા ચૂંટણી પહેલા 2018માં ચંદ્રાબાબુ નાયડુના પક્ષ TDPએ NDA સાથે પોતાનો છેડો ફાડ્યો હતો અને લોકસભા અને વિધાનસભા બંનેમાં એકલા હાથે ચૂંટણીમાં ઉતર્યા હતા પરંતુ તેમાં તેઓ સફળ થયા ન હતા અને વિધાનસભા તેમજ લોકસભામાં તેમનો કારમો પરાજય થયો હતો. 2019 વિધાનસભા ચૂંટણીમાં વાય.એસ.જગનમોહન રેડ્ડીના પક્ષને (YSRCP) આંધ્રપ્રદેશની જનતાએ જંગી બહુમતીથી જીત અપાવી હતી અને ચંદ્રબાબૂના પક્ષના સૂપડા સાફ કરી નાખ્યા હતા. કુલ 175 સીટમાંથી ચંદ્રબાબૂને માત્ર 23 સીટો મળી હતી જ્યારે જગનમોહન રેડ્ડીના પક્ષને 151 સીટ સાથે જંગી બહુમતી મળી હતી.
લોકસભામાં પણ તેમના કંઈક આવાજ હાલ થયા હતા. રાજ્યની કુલ 25 લોકસભા સીટોમાંથી TDPને માત્ર 3 સીટો જ્યારે જગનમોહન રેડ્ડીના પક્ષને 22 સીટો મળી હતી.
આમ, પોતાના પક્ષને આંધ્રપ્રદેશમાં ફરી ઊભો કરવા માટે ચંદ્રબાબૂએ ચૂંટણી પ્રચાર અત્યારથી ચાલુ કરી દીધો છે જેના ભાગરૂપે તેઓ નેલ્લોર જિલ્લામાં પહોંચ્યા હતા અને તેમના રોડ-શો દરમયાન આ દુ:ખદ બનાવ બન્યો હતો અને કુલ 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાથે જ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.