સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ખોટા સમાચાર ફેલાવનારી યુ-ટ્યુબ ચેનલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 6 યુ-ટ્યુબ ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ છે. સરકારનું કહેવું છે કે આ ફેક ન્યૂઝ ફેલાવતી યુ-ટ્યુબ ચેનલોના લગભગ 20 લાખ સબસ્ક્રાઇબર્સ હતા અને તેમના વીડિયો પર 51 કરોડથી વધુ વ્યૂઝ હતા.
મળતી જાણકારી અનુસાર સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટચેક યુનિટે જણાવ્યું હતું કે, ફેક ન્યૂઝ ફેલાવતી તમામ યુટ્યુબ ચેનલો સંકલિત રીતે કામ કરી રહી છે અને ખોટી માહિતી ફેલાવી રહી છે. તેમના વીડિયોને 51 કરોડથી વધુ વખત જોવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુ-ટ્યુબ ચેનલો ચૂંટણી, સુપ્રીમ કોર્ટ અને સંસદની કાર્યવાહી અને સરકારની કામગીરી વિશે ફેક ન્યૂઝ ફેલાવી રહી હોવાનું ધ્યાન પર આવ્યું છે.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે ફેક ન્યૂઝ ફેલાવતી યુટ્યુબ ચેનલોમાં 5.57 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી નેશન ટીવી, 10.9 લાખ સબસ્ક્રાઇબર્સવાળી સંવાદ ટીવી, 21,100 સબસ્ક્રાઇબર્સ ધરાવતી સરોકાર ભારત, 25,400 સબસ્ક્રાઇબર્સ ધરાવતી નેશન 24, સ્વર્ણિમ ભારત 6,070 સબસ્ક્રાઇબર્સ અને 3.48 લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવતી સંવાદ સમાચાર ચેનલનો સમાવેશ થાય છે.
A #YouTube channel ‘Samvaad TV’ with over 10 lakh subscribers was found to be propagating #FakeNews about the Government of India and making false claims about the statements of the Union Ministers. @PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 12, 2023
found almost all of its content to be fake.
Here’s a thread👇 pic.twitter.com/MQxsMF7CeI
પીઆઈબીના ફેક્ટચેક યુનિટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યા બાદ સંવાદ સમાચાર, સંવાદ ટીવી અને નેશન ટીવીએ તેમના નામ બદલીને અનુક્રમે ઇનસાઇડ ઇન્ડિયા, ઇનસાઇડ ભારત અને નેશન વીકલી કરી દીધાં હતાં. ઉપરોક્ત ચેનલોના વીડિયોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ અંગેના ખોટા દાવાઓ અને ભારતના રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ સહિત વરિષ્ઠ બંધારણીય પદાધિકારીઓના ખોટાં નિવેદનો ચલાવ્યાં હતાં.
‘ફેક ન્યૂઝ’ એ અર્થતંત્રનો એક ભાગ છે જે બનાવટી સમાચારોની આવક પર ચાલે છે. આ ચેનલો દર્શકોનો ભરોસો જીતવા માટે બનાવટી, ક્લિકબેઇટ અને સનસનાટીભર્યા થમ્બનેઇલ અને ટીવી ચેનલોના ન્યૂઝ એન્કર્સની તસવીરોનો ઉપયોગ કરે છે અને ખોટા સમાચારોને સાચી ખબર હોવાનો પ્રોપેગેન્ડા ચલાવે છે. આવાં જુઠ્ઠાણાં ફેલાવીને આ પ્રકારની ચેનલો તેમના દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયો વધુને વધુ લોકો જુએ તે માટેનો પ્રયાસ કરે છે જેથી તેઓ વધુ પૈસા કમાઇ શકે. પીઆઈબીના ‘ફેક્ટચેક’ યુનિટ દ્વારા આ પ્રકારની આ બીજી કાર્યવાહી છે. ગયા મહિને આ યુનિટે ફેક ન્યૂઝ ફેલાવતી ત્રણ ચેનલોની પોલ ખોલી હતી અને યુ-ટ્યુબને પત્ર લખીને તેમના પર પ્રતિબંધ મૂકાવ્યો હતો.