Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાંથી 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઇ?: મીડિયા રિપોર્ટ્સમાં દાવા...

    ગુજરાતમાંથી 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઇ?: મીડિયા રિપોર્ટ્સમાં દાવા બાદ ગુજરાત પોલીસે જણાવી સાચી હકીકત, જાણો શું છે સત્ય

    ગુજરાત પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, આ માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી છે. તેમજ વાસ્તવિકતા પણ જણાવવામાં આવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં અમુક મીડિયા રિપોર્ટ્સમાં NCRBના ડેટાને ટાંકીને છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 40 હજાર મહિલાઓ ગુમ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈને ગુજરાત પોલીસે સ્પષ્ટતા કરી છે. પોલીસે જણાવ્યું કે આ માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી છે અને સાથે વાસ્તવિકતા શું છે તે પણ જણાવ્યું હતું.

    ગુજરાત પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, 2016થી 2020 સુધીમાં ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઇ હતી પરંતુ તેમાંથી 39 હજારથી વધુ મહિલાઓ મળી આવી હતી. જે ડેટા પણ NCRBના પોર્ટલ પર ઉપલબ્ધ છે. 

    ગુજરાત પોલીસના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું કે, ‘હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડાના હવાલાથી ‘ગુજરાતમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઇ’ હોવાના સમાચાર પ્રકાશિત થયા છે. આ માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી છે.’ 

    - Advertisement -

    સ્પષ્ટતા કરતાં પોલીસે જણાવ્યું કે, ‘વર્ષ 2016થી 2020 સુધીમાં ગુજરાતમાંથી 41, 621 મહિલાઓ ગુમ થઇ હતી. પરંતુ આ પૈકી 39,497 મહિલાઓ એટલે કે 94.40 ટકા મહિલાઓ પરત મળી આવેલ છે અને તેમના પરિવાર સાથે રહે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને જેની ખરાઈ NCRB પોર્ટલ પરથી કરી શકાય છે.’ પોલીસે સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા સમાચાર અધૂરા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. 

    પોલીસે વધુમાં જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓ પારિવારિક વિવાદ કે પછી પરીક્ષાઓમાં નિષ્ફળ જવું જેવાં કારણોને લીધે લાપતા થઇ જતી હોય છે. પરંતુ લાપતા વ્યક્તિઓની તપાસમાં યૌન શોષણ માટે ટ્રાફિકિંગ કે ઓર્ગન ટ્રાફિકિંગના કોઈ કિસ્સા ધ્યાને આવ્યા નથી. વધુમાં જણાવવામાં આવ્યું કે, આ પ્રકારના કેસની તપાસ સ્થાયીક પોલીસ કરતી હોય છે અને અન્ય રાજ્યોની પોલીસ પણ ટ્રેક કરી શકે તે હેતુથી આ તમામ ડેટા એક અલગ વેબસાઈટ પર ફીડ કરવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે અખબાર ‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા એક રિપોર્ટમાં NCRBના ડેટાના આધારે આ બાબત જણાવવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં વર્ષ 2016માં 7,105, 2017માં 7,712, 2018માં 9,246, 2019માં 9,268 અને 2020માં 8,290 જેટલી મહિલાઓ ગુમ થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ કુલ આંકડો 41,621 પર પહોંચે છે. જોકે, રિપોર્ટમાં કેટલી મહિલાઓ પરત મળી આવી તે જાણવા મળ્યું ન હતું. ત્યારબાદ ગુજરાતી-હિન્દીનાં મીડિયા સંસ્થાનો દ્વારા પણ આવા રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

    સોશિયલ મીડિયા પર વાયરલ પરિપત્ર (સાભાર- Facebook)

    સોશિયલ મીડિયા ઉપર ગૃહ વિભાગને મોકલવામાં આવેલો એક પરિપત્ર પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પણ આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. જે અનુસાર, 2016માં 6,150, 2017માં 8,481, 2018માં 8,570, 2019માં 8,543 અને 2020માં 7,753 એમ કુલ 39,497 મહિલાઓ પરત મળી આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, ઑપઇન્ડિયા આ પત્રની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં