કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 2 હજાર રૂપિયાની ચલણી નોટો સર્ક્યુલેશનમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ તેની અર્થવ્યવસ્થા પર પડનારી અસરોને લઈને ચર્ચાઓ શરૂ થઇ હતી તો વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા હતા. હવે એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે 2 હજાર રૂપિયાની નોટ પરત ખેંચવાના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર સારી જ અસરો પડશે અને તેને વેગ મળશે.
આ બાબત SBIના એક રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે 2 હજરની ચલણી નોટો પરત ખેંચાવાના કારણે બેન્ક ડિપોઝીટ, લૉનની ચૂકવણી અને વપરાશ, RBIની રિટેલ ડિજિટલ કરન્સીનો વપરાશ વધશે અને તેના કારણે એકંદરે આર્થિક વૃદ્ધિ થશે. એક અનુમાન અનુસાર, કન્ઝપ્શન ડિમાન્ડ 55 હજાર કરોડ સુધી વધી શકે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘બેન્ક નોટ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી નથી અને હાલ લીગલ ટેન્ડર તરીકે ચાલુ જ છે, તેમજ RBIએ ગ્રાહકોને 2 હજારની નોટ બેંકમાં જમા કરાવવા માટે કે બદલી લેવા માટે સલાહ આપી છે પરંતુ અનુમાન છે કે સોનાની ખરીદી અને મોબાઈલ, એસી જેવાં મોંઘાં ઉપકરણો ખરીદવા અને રિયલ એસ્ટેટ વગેરેમાં આ બેન્ક નોટનો ઉપયોગ વધુ થઇ શકે છે. આ ઉપરાંત, પેટ્રોલ પંપ, કૅશ ઓન ડિલિવરી પરચેઝ, મંદિરોમાં અપાતા દાન અને અન્ય મોટા ખર્ચમાં પણ રોકડ વ્યવહાર વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. તેમજ બેન્કમાં જમા થતી રકમમાં પણ વધારો થશે તે નિશ્ચિત છે.
આગળ કહેવામાં આવ્યું કે, ડિપોઝીટની સામે ઉપાડ પણ જોવા મળશે પરંતુ હાલના ટ્રેન્ડ પ્રમાણે CASA (કરન્ટ અકાઉન્ટ, સેવિંગ્સ અકાઉન્ટ) ડિપોઝિટ્સમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. રિપોર્ટમાં બેન્કોના ડેટાના આધારે કહેવામાં આવ્યું કે, 2 જૂન, 2023 સુધીમાં પંદર દિવસના ગાળામાં કુલ 3.3 લાખ કરોડની રકમ જમા કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં આ જ પખવાડિયામાં ડિપોઝીટમાં સરેરાશ 1.5 લાખ કરોડનો વધારો જોવા મળતો હતો, જેથી તેને ધ્યાનમાં લઈએ તો આ વર્ષે 1.8 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. ક્રેડિટ ફ્રન્ટની વાત કરવામાં આવે તો 30 ટકા ડિપોઝીટ (કે 92,000 કરોડ રૂપિયા) લૉનની ચૂકવણી માટે જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ 2 હજારની ચલણી નોટો માર્કેટમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રાખવામાં આવી હતી, જેથી હજુ પણ તે વાપરી શકાય છે. પરંતુ RBIએ ગ્રાહકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં નોટ બેન્કમાં જમા કરાવી દેવા કે બદલાવી લેવા માટે આગ્રહ કર્યો છે. જોકે, પચાસ ટકા કરતાં વધુ નોટ પરત આવી પણ ગઈ છે.