Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ત્યાંની પોલીસ અમને મારતી હતી, સમયસર જમવાનું પણ ન મળતું’: પાકિસ્તાનની જેલમાંથી...

  ‘ત્યાંની પોલીસ અમને મારતી હતી, સમયસર જમવાનું પણ ન મળતું’: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના 184 માછીમારો વતન પરત ફર્યા, જણાવી આપવીતી

  તમામને અટારી બોર્ડરેથી પરત લાવવામાં આવ્યા, ત્યાંથી ટ્રેનમાં વડોદરા આવી પહોંચતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે તમામનું સ્વાગત કર્યું હતું.

  - Advertisement -

  પાકિસ્તાનની જેલમાં છેલ્લા 4 વર્ષથી કેદ કરવામાં આવેલા ગુજરાતના 184 માછીમારોને ભારત સરકારે છોડાવ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનથી 198 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી 184 ગુજરાતના હતા. બાકીના અન્ય દરિયાકાંઠાનાં રાજ્યોના રહેવાસીઓ છે. આ તમામને અટારી-વાઘા સરહદેથી ભારત લાવવામાં આવ્યા હતા, જ્યાંથી રેલ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

  આજે વહેલી સવારે માછીમારોનું એક મોટું જૂથ વડોદરા આવી પહોંચ્યું હતું. પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. સરકારના પ્રયત્નો બાદ વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા કુલ 198 માછીમારોને મુક્ત કરાવવામાં સરકારને મોટી સફળતા મળી હતી.

  અહેવાલો અનુસાર મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2 માછીમારોનો સમાવેશ થાય છે. ગુજરાતના 184 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 152, દેવભૂમિ દ્વારકાના 22, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.

  - Advertisement -

  અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં માછીમારી કરવા જતા સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સીમામાંથી પકડાયેલા મોટાભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે.

  પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારોને પ્રતાડિત કરવામાં આવતા

  પાકિસ્તાનથી પરત લાવવામાં આવેલા માછીમારોએ છેલ્લા 4 વર્ષમાં પોતે ભોગવેલી પ્રતાડનાઓ વિશે જણાવ્યું હતું. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ કોડિનારના રહેવાસી કાંતિ મકવાણાએ જણાવ્યું હતું કે, “અમે દરિયામાં ભારતીય બોર્ડર વિસ્તારમાં હતા, પરંતુ પાણીના વહેણને કારણે પાકિસ્તાન તરફ જતા રહ્યા હતા. આ સમયે પાકિસ્તાની આર્મી આવી જતા અમને પકડીને કરાચી જેલમાં મોકલી દીધા હતા.” તેમણે આગળ જણાવ્યું હતું કે, “મને સાડા ત્રણ વર્ષ જેલમાં રાખવામાં આવ્યો હતો. અમને 11 મેના રોજ કરાચી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને આજે વડોદરા પહોંચ્યા છીએ. આજે અમે દિલથી ખૂબ ખુશ છીએ. પાકિસ્તાનની જેલમાં ખૂબ જ યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. સમયસર જમવાનું મળતું ન હતું, ખૂબ મુશ્કેલીઓ વચ્ચે આટલાં વર્ષો કાઢ્યાં છે.”

  અન્ય એક કોડીનારના જ રહેવાસી લાખાભાઈ નામના માછીમારને ટાંકીને દિવ્ય ભાસ્કરે જણાવ્યું હતું કે, તેઓ સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા, સમુદ્રમાં બોર્ડરની કોઇ દિવાલ હોતી નથી. પાણીના કરંટ અને ઝડપી હવાના કારણે બોર્ડર ક્રોસ કરી અને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. તે સમયે પાકિસ્તાની કોસ્ટગાર્ડે તેમને પકડી લીધા હતા અને કરાચીની લાટી જેલમાં નાખ્યા હતા. જ્યાં તેમને 4 વર્ષ રાખવામાં આવ્યા. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં જીવવુ ખૂબ જ મુશ્કેલ છે. ઘરવાળાની ચિંતા અને બાળકોના વિયોગ વચ્ચે વચ્ચે વિતાવેલાં 4 વર્ષ ખૂબ કપરા રહ્યા હતા. પાકિસ્તાની પોલીસ તેમને માર પણ મારતી હતી અને ઘણીવાર રૂમમાંથી પણ નીકળવા દેતા નહોતા.

  આ મામલે રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 184 જેટલા માછીમાર ભાઇઓ પાકિસ્તાનની જેલમાં કેદ હતા. તેઓને ભારત સરકારના પ્રયાસોથી ભારતીય માછીમારોનો છુટકારો થયો અને અટારી બોર્ડરથી આજે વતન પરત લાવવામાં આવ્યા છે. ગુજરાતની સાથે સાથે આંધ્રપ્રદેશ, દીવ અને ગોવાના માછીમારોની પણ મુક્તિ થઇ છે. આજે તમામ માછીમારોને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા અને જ્યાં માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને બસ મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા છે. મુક્ત થયેલા માછીમારોએ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં