Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતદરિયામાં તણાઈ ગયો હતો સુરતનો 14 વર્ષીય કિશોર, ગણેશજીની પ્રતિમાના સહારે 36...

    દરિયામાં તણાઈ ગયો હતો સુરતનો 14 વર્ષીય કિશોર, ગણેશજીની પ્રતિમાના સહારે 36 કલાક સુધી તોફાની દરિયામાં મોત સામે ઝઝૂમતો રહ્યો: આખરે નવસારીથી બચાવી લેવાયો

    ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે લખનના પિતાને શનિવારે મોડી રાત્રે નવસારીથી ફોન આવ્યો કે તેમનો પુત્ર જીવિત મળી આવ્યો છે. ત્યારબાદ તરત તેઓ પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સાથે મળીને નવસારીના ધોલાઈ બંદરે પહોંચ્યા હતા.

    - Advertisement -

    સુરતના એક કિશોર સાથે એવી ઘટના બની છે, જે ચમત્કારથી ક્યાંય કમ નથી! આ 14 વર્ષીય બાળક દરિયામાં નહાવા પડ્યો હતો, જ્યાંથી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. કિનારે ઊભેલા લોકોના અને પ્રયાસો પછી પણ તેને તણાતાં બચાવી ન શકાયો અને ફાયરની ટીમોને પણ તેનો પત્તો ન લાગ્યો ત્યારે પરિવારને આશા છોડી દીધી હતી. પરંતુ 36 કલાક બાદ આ તે નવસારી પાસેથી હેમખેમ મળી આવ્યો હતો. આ સમય દરમિયાન તે તોફાની દરિયા સામે ઝઝૂમતો રહ્યો અને સાથ મળ્યો ગણેશજીનો!

    ઘટના એવી છે કે સુરતના ગોડાદરામાં રહેતા વિકાસ દેવીપૂજક નામના વ્યક્તિના બે દીકરા લખન (14), કરણ 911) તેમજ દીકરી અંજલિ તેમની દાદી સવિતાબેન સાથે શુક્રવારે (30 સપ્ટેમ્બર, 2023) સુરતના પાર્લેપોઇન્ટ સ્થિત અંબાજી મંદિરે દર્શન માટે ગયાં હતાં. ત્યાંથી દાદી બાળકોને ડુમસના દરિયાકિનારે ફરવા માટે લઇ ગયાં હતાં. અહીં લખન અને કરણ દરિયામાં નહાવા પડ્યા હતા.

    બંને દરિયામાં રમતા હતા તે દરમિયાન બપોરે 1-2ના ગાળામાં ભરતી શરૂ થતાં બંને દરિયામાં ખેંચાવા માંડ્યા હતા. બંને ભાઈઓ દરિયાના પાણીમાં તણાવા લાગતાં તેમની નજીકના લોકોએ કરણને તો બચાવી લીધો હતો પરંતુ લખન બચી ન શક્યો અને દરિયાના પાણીમાં તણાઈ ગયો!

    - Advertisement -

    કિશોર દરિયામાં તણાઈ જતાં પોલીસને અને ત્યારબાદ બચાવી લેવામાં મદદ કરવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને તેની શોધખોળ પણ કરી પરંતુ અફાટ દરિયામાં તેને શોધી ન શકાયો અને નિષ્ફળતા જ હાથ લાગી. પરિવારે તમામ પ્રયાસો કરી જોયા પરંતુ લખનનો કોઈ પત્તો ન મળ્યો અને જેમ-જેમ કલાકો વીતતા ગયા તેમ તે જીવિત મળવાની આશા ધૂંધળી થતી ગઈ. આખરે પરિવારે તેનો મૃતદેહ પણ અંતે મળી જાય તે માટેના પ્રયાસ શરૂ કરી દીધા હતા. 

    પરંતુ ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે લખનના પિતાને શનિવારે મોડી રાત્રે નવસારીથી ફોન આવ્યો કે તેમનો પુત્ર જીવિત મળી આવ્યો છે. ત્યારબાદ તરત તેઓ પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સાથે મળીને નવસારીના ધોલાઈ બંદરે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોતાં લખન હેમખેમ હતો અને શરીર પર ઇજાનું એક નિશાન પણ ન હતું. 

    ગણેશજીએ બચાવ્યો, પ્રતિમાના અવશેષના સહારે 36 કલાક સુધી ઝઝૂમ્યો 

    બન્યું હતું એવું કે દરિયામાં દૂર સુધી તણાઈ ગયા બાદ લખનના હાથમાં ગણેશજીની પ્રતિમાના અવશેષ આવી ગયા હતા. ગણેશજીની પ્રતિમા જ્યાં મૂકવામાં આવે તે પાટિયું તેના હાથમાં આવી ગયું હતું, જેના સહારે તેણે દરિયામાં 24 કલાક કાઢ્યા અને મદદની આશાએ જીવિત રહ્યો. 

    દરમ્યાન, નવસારીના માછીમાર રસિક ટંડેલ અને તેમના 7 ખલાસીઓની ટીમ 5 દિવસથી દરિયો ખેડી રહી હતી. તેમની બોટ શનિવારે બપોરે નવસારીના કિનારેથી 18 નોટિકલ માઈલ (22 કિલોમીટર) જેટલી દૂર હતી ત્યારે તેમને વિસર્જિત ગણેશજીની પ્રતિમાના અવશેષ પર કોઇ બેઠું હોય તેવું દેખાયું હતું. તેમણે ધ્યાનથી જોતાં એક કિશોર દેખાયો જે હાથથી ઇશારા કરીને મદદ માંગી રહ્યો હતો. 

    ત્યારબાદ માછીમારોએ પોતાની બોટ લખન તરફ વાળી અને દોરડું આપીને તેને પોતાની બોટમાં લઇ લીધો હતો. ત્યારબાદ તેમણે પોતાની પાસે રહેલું ભોજન પણ આપ્યું અને તે બચી જશે તેવી હિંમત આપીને પરિવારજનોની માહિતી મેળવી. ત્યારબાદ તેમણે ગામના અન્ય માછીમારને જાણ કરીને પોલીસને સમાચાર પહોંચાડવા જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે પરિવારનો સંપર્ક કર્યો. 

    અમે આશા છોડી દીધી હતી, માતાજીના આશીર્વાદથી બચ્યો: પિતા 

    એક તરફ પરિવાર બંદરે પહોંચ્યો તો બીજી તરફ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને કિશોરને જરૂરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે અને સ્વાસ્થ્ય એકદમ સામાન્ય છે. સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા બાદ પરિવારને સોંપી દેવામાં આવશે. 

    પુત્ર મળી ગયા બાદ તેના પિતાએ કહ્યું હતું કે, અમે આશા છોડી દીધી હતી અને લાગતું હતું કે નહીં બચે પરંતુ માતાજીના આશીર્વાદથી તે બચી ગયો.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં