દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વૃદ્ધ મહિલા ઉપર પેશાબ કરનાર શંકર મિશ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. મિશ્રા પર 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કથી દિલ્હી જતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં નશાની હાલતમાં મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાનો આરોપ છે. કોર્ટે મિશ્રાની પોલીસ કસ્ટડીનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે ન્યાયિક કસ્ટડીમાં મોકલવા માટે સંમત થયા હતા.
Air India passenger urinating incident of Nov 26 | Accused Shankar Mishra sent to 14 days judicial custody by Delhi’s Patiala House court pic.twitter.com/b8cMCDJ0V2
— ANI (@ANI) January 7, 2023
આજે શંકર મિશ્રાની દિલ્હી પોલીસે બેંગલુરુમાં ધરપકડ કરી હતી અને તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ સામે હાજર કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો હતો.
દિલ્હી પોલીસે બુધવારે આ મામલામાં એફઆઈઆર નોંધી હતી અને ત્યારથી આરોપીને શોધી રહી હતી. આરોપીને પકડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી જેની આખરે બેંગલુરુમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી ફરાર આરોપી શંકર મિશ્રાએ તેના વકીલો દ્વારા એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે તેણે પીડિતને ‘વળતર’ ચૂકવ્યું છે અને મહિલાએ ફરિયાદ નોંધાવવાનો કોઈ ઈરાદો દર્શાવ્યો નથી તે પછી આ ઘટનાક્રમ બહાર આવ્યો છે.
નોકરીમાંથી પણ કાઢી મૂકાયો
શુક્રવાર (6 જાન્યુઆરી)ના દિવસે શંકર મિશ્રાને યુએસ ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ વેલ્સ ફાર્ગોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. શુક્રવાર, 6 જાન્યુઆરી, 2023 ના રોજ એક નિવેદન બહાર પાડતા, વેલ્સ ફાર્ગોએ જણાવ્યું હતું કે શંકર મિશ્રા સામેના આરોપો ગંભીર છે.
પોતાના નિર્ણય અંગે એક નિવેદન જારી કરીને કંપનીએ કહ્યું, “વેલ્સ ફાર્ગો કર્મચારીઓને વ્યવસાયિક અને વ્યક્તિગત આચરણના ઉચ્ચતમ ધોરણો પર રાખે છે. અમને આ આરોપો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ લાગે છે. આ વ્યક્તિને વેલ્સ ફાર્ગોમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. અમે કાયદાના અમલીકરણ માટે સહકાર આપી રહ્યા છીએ.”
શંકર મિશ્રા વેલ્સ ફાર્ગોના ભારતીય ચેપ્ટર માટે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતો હતો, જે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં મુખ્યમથક ધરાવતી મલ્ટી નેશનલ ફાયનાન્સિયલ સર્વિસ કોર્પોરેશન છે.
26 નવેમ્બર 2022ની છે ઘટના
આ ઘટના 26 નવેમ્બર, 2022ના રોજ બની હતી. પરંતુ તે માત્ર ત્યારે જ સામે આવી જ્યારે મીડિયાએ 4 જાન્યુઆરી, 2023 ના રોજ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેકરનને સબમિટ કરેલા મહિલા યાત્રીના પત્ર વિશે અહેવાલ આપ્યો. આ પત્રમાં, 70 વર્ષની પ્રૌઢ મહિલાએ એર ઈન્ડિયાની એ ફ્લાઈટમાં તેની સાથે થયેલ આ આઘાતજનક કિસ્સો વર્ણવ્યો હતો. જે બાદ આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી.