રાજધાની દિલ્હીની તિહાડ જેલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, તિહાડ જેલમાં જેલવાસ ભોગવી રહેલા 125 કેદીઓ HIV પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત 200 કેદીઓ સિફિલિસની બીમારીથી પીડાઈ રહ્યા છે. તાજેતરમાં જ 10 હજાર 500 કેદીઓની મેડિકલ સ્ક્રિનિંગ યોજાઈ હતી. જે બાદ આ વિશેની જાણકારી સામે આવી છે. તિહાડ જેલમાં તિહાડ, રોહિણી અને મંડોલી એમ ત્રણ જેલોનો સમાવેશ થાય છે. જેમાં હાલમાં લગભગ 14000 કેદીઓ જેલવાસ ભોગવી રહ્યા છે.
દિલ્હીની તિહાડ જેલમાં અવારનવાર કેદીઓની મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. તાજેતરમાં જ તિહાડ જેલના નવા DG સતીશ ગોલચાએ ચાર્જ સંભાળ્યા બાદ મે અને જૂન મહિનામાં 10 હજાર 500 કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેદીઓમાં HIV ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, તેમાં 125 કેદીઓ HIV પોઝિટિવ મળી આવ્યા છે અને લગભગ 200 જેટલા કેદીઓને સિફિલિસની બીમારી છે.
પહેલાંથી જ સંક્રમિત હતા કેદીઓ
જોકે, આ ઘટનામાં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ કેદીઓને તાજેતરમાં જ AIDS નથી થયો, પરંતુ અલગ-અલગ સમયે પણ તેઓ HIV પોઝિટિવ હતા. માહિતી અનુસાર, આ કેદીઓ જ્યારે જેલવાસ ભોગવવા માટે જેલમાં આવ્યા ત્યારે પણ તેઓ HIV પોઝિટિવ મળી આવ્યા હતા. જેલમાં આવતા પહેલાં મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, તે સમયે થયેલા ચેકઅપમાં પણ તે લોકો પોઝિટિવ જ હતા. હવે જ્યારે બહુવિધ કેદીઓની તપાસ કરવામાં આવી, ત્યારે પણ પહેલાંથી સંક્રમિત હતા તેવા કેદીઓ જ પોઝિટિવ આવ્યા છે.
તે સિવાય સાડા દસ હજાર કેદીઓમાંથી 200 કેદીઓને સિફિલિસની બીમારી એટલે કે સ્કિન ઇન્ફેકશન હોવાનું સામે આવ્યું છે. આ તમામ કેદીઓમાં ટીબીનો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. તિહાડ જેલના પ્રોટેક્ટિવ સરવે વિભાગે AIIMS અને સફ્દરજંગ હોસ્પિટલના સહયોગથી મહિલા કેદીઓ માટે સર્વાઇકલ કેન્સર ટેસ્ટ પણ કર્યા હતા. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે કે, મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા ઘણી વધારે હોય છે. જેથી જો કોઈ કેદી સર્વાઇકલ પોઝિટિવ આવે તો તેને તાત્કાલિન સારવાર પણ આપી શકાય.
એવું નથી કે, સર્વાઇકલ ટેસ્ટ પોઝિટિવ આવતા તરત જ કેન્સરની જાણ થઈ જાય છે. પરંતુ એકવાર જાણ થઈ જાય કેમ સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા છે, તો સમયસર ટેસ્ટ કરાવીને સારવાર પણ કરાવી શકાય છે. જેના કારણે તે બીમારીનું જોખમ પણ ઓછું કરી શકાય છેઃ અને કેદીને લાંબા સામે સુધી સ્વસ્થ પણ રાખી શકાય છે. હાલ પણ મેડિકલ ટીમ કેદીઓની તપાસમાં લાગી રહી છે.