ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયામાં 3 પાકિસ્તાની સહિત 12 લોકોના તલવારથી ગળા કાપ્યા હોવાની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર આ લોકોને 10 દિવસમાં સજા કરવામાં આવી છે. તેમનું ગળું તલવારથી કાપી નાખવામાં આવ્યું છે . આ ઘટનાએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા કરવામાં આવેલા વચનોને પણ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ઉજાગર કર્યા છે.
સલમાને અહિંસક ગુનાઓ માટે મોતની સજા રોકવાની વાત કરી હતી. પરંતુ સાઉદી અરેબિયામાં 3 પાકિસ્તાની સહિત 12 લોકોના તલવારથી ગળા કાપ્યા તેમના પર ડ્રગ સંબંધિત ગુનામાં સંડોવણીનો આરોપ હતો.
મીડિયા અહેવાલો અનુસાર, મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા છેલ્લા 12 લોકોની ડ્રગ રાખવા અને તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી . આ લોકો પાસેથી જે ડ્રગ્સ મળી આવ્યા હતા તે હાઈ લેવલના ડ્રગ્સની શ્રેણીમાં સામેલ નહોતા. તે છતાં પણ આ લોકોના ગળા કાપવામાં આવ્યા છે. શરિયા કાનુન હેઠળ સાઉદી અરેબિયાની સરકાર દ્વારા જે લોકોના ગળા કાપી નાખવામાં આવ્યા હતા તેમાં 3 પાકિસ્તાની, 4 સીરિયન, 3 સાઉદી અને 2 જોર્ડનના નાગરિકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચમાં સાઉદી સરકારે 81 લોકોને મોતની સજા ફટકારી હતી . તે સમયે સજા પામેલા 81 લોકોમાંથી 73 સાઉદી, 7 યમન અને 1 સીરિયન નાગરિક હતા. આ લોકો પર બળાત્કાર, બાળકોનું અપહરણ, હત્યા, હથિયારોની દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો. તેમજ કેટલાક લોકો અલ કાયદા અને ISIS જેવા ઈસ્લામિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા.
સાઉદી અરેબિયામાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 132 લોકોને મોતની સજા આપવામાં આવી છે, જેનો આકડો ગયા વર્ષ કરતાં વધુ છે. વર્ષ 2021માં સાઉદી સરકારે 69 લોકોને મોતની સજા સંભળાવી હતી. જ્યારે 2019માં 187 લોકોને આ સજા આપવામાં આવી હતી.
નોંધપાત્ર રીતે, વર્ષ 2018 માં, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે વહીવટીતંત્રે મૃત્યુદંડ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. માત્ર હત્યા કે હત્યાના દોષિતોને જ મૃત્યુદંડ આપવામાં આવે છે. સાથે જ તેમણે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે સાઉદી અરેબિયામાં કાયદા અનુસાર જ નિર્ણય લેવામાં આવે છે.