ચીન સહિત અનેક દેશોમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. કોરોનાના BF-7 વેરીએન્ટથી ચીનમાં કરોડો લોકો સંક્રમિત થયા હોવાના અહેવાલોથી ટીવી ચેનલોના રિપોર્ટ અને સમાચારપત્રોની હેડલાઈનો ઉભરાઈ રહી છે. જેની વચ્ચે બિહારના બોધગયામાં દલાઈ લામાના કાર્યક્રમમાં 11 વિદેશી યાત્રીઓ કોરોના પોઝીટીવ આવતા તંત્ર એકશનમાં જોવા મળી રહ્યું છે. એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટીંગ શરુ કરી દેવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર આ તમામ યાત્રીઓ 24 ડિસેમ્બરે બોધગયા પહોંચ્યા હતા. જેમાં 1 ઇંગ્લેન્ડ અને 10 યાત્રીઓ મ્યાનમાર અને બેન્કોકના હોવાનું જણાવાઈ રહ્યું છે. આ તમામ યાત્રીઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા જેની પુષ્ટિ સિવિલ સર્જન ડૉ. રંજન કુમાર દ્વારા કરવામાં આવી હતી. આ તમામ સંક્રમિતોને એક હોટેલમાં અઈસોલેટ કરવામાં આવ્યાં છે.
દેવઘર જિલ્લા પણ પ્રશાસનને શરુ કરી તડામાર તૈયારીઓ
આ બાબતે ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રીએ કોરોના પ્રભાવિત દેશોમાંથી દેવઘર આવતા લોકોની કોરોના તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે તમામ પોઝિટિવ દર્દીઓ માટે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવશે. આ માટે સેમ્પલ રાંચી રિમ્સને મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે બૈદ્યનાથ મંદિર, એરપોર્ટ, એઈમ્સ, રેલ્વે સ્ટેશન (જાસીડીહ, દેવઘર, બૈદ્યનાથ ધામ રેલ્વે સ્ટેશન) પર કોરોના તપાસ માટે નિર્દેશ આપ્યો છે. સાથે જ કહ્યું કે જરૂર પડશે તો બિહાર બોર્ડરથી દેવઘરમાં પ્રવેશતા લોકોની પણ તપાસ કરવામાં આવશે. સામાન્ય લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે હાલમાં લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જ્યારે તમે બહાર જાઓ ત્યારે માસ્કનો ઉપયોગ કરો અને એક જગ્યાએ વધુ સમય સુધી ન રહો. સાવચેતી તરીકે સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
200 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર
કઅહેવાલો અનુસાર કોરોનાના સંભવિત ખતરાને જોતા જિલ્લા આરોગ્ય વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેવઘરની નવી અને જૂની સદર હોસ્પિટલમાં 100 બેડના આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જોકે અહીં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો એક પણ દર્દી મળ્યો નથી. તો બીજી તરફ, કોરોનાને લઈને સાવચેતીના પગલા રૂપે AIIMSમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. એઈમ્સમાં જતા દર્દીઓ અને તેમના સંબંધીઓએ માસ્કનો ઉપયોગ કરવો પડશે.
નોંધનીય છે કે બિહારના બોધગયામાં સોમવારે સાત લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ રવિવારે પણ ચાર લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. છેલ્લા 2 દિવસમાં 11 દર્દીઓ ત્યાં મળી આવ્યા છે. જે બાદ જિલ્લાની સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.