Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાત5 નવેમ્બરથી કચ્છમાં RSSની કાર્યકારી બેઠક, તે પહેલાં ભુજમાં યોજાયું 10 હજાર...

    5 નવેમ્બરથી કચ્છમાં RSSની કાર્યકારી બેઠક, તે પહેલાં ભુજમાં યોજાયું 10 હજાર સ્વયંસેવકોનું એકત્રીકરણ: CM ભૂપેન્દ્ર પટેલ-મોહન ભાગવત વચ્ચે પણ મુલાકાત

    એકત્રીકરણ કાર્યક્રમ માટે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના કુલ મળીને 1600 કાર્યકર્તાઓએ સંપર્ક કર્યા હતા. તેમણે ચાર મહિના સુધી 30 તાલુકા-નગરના પ્રવાસ કરી કુલ 610 ગામ સુધી પહોંચી પ્રવાસ ખેડ્યો. જ્યાં તેમણે 110 મંડળ અને 200 ઉપ સ્તીમાં 400 આયોજન બેઠક કરી કુલ 20,000 લોકોનો સંપર્ક કર્યો હતો.

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે, તેવામાં દર વર્ષની જેમ આ વર્ષે સંઘની કાર્યકારી બેઠક સીમાવર્તી કચ્છના ભુજ ખાતે યોજાવા જઈ રહી છે. આ બેઠક પહેલાં ગુરૂવારે (2 નવેમ્બર, 2023) ભુજ ખાતે સંઘના સ્વયંસેવકોનું એકત્રીકરણ યોજાયું હતું. આ એકત્રીકરણમાં સંઘના સ્વયંસેવકોએ 610 ગામનો પ્રવાસ કરીને 15 હજાર લોકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે બાદ આ એકત્રીકરણમાં 10,000 સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

    આ મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કચ્છ વિભાગના કાર્યવાહ રવજી ખેતાણીના જણાવ્યા અનુસાર, આ એકત્રીકરણ કાર્યક્રમ માટે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના કુલ મળીને 1600 કાર્યકર્તાઓએ સંપર્ક કર્યા હતા. તેમણે ચાર મહિના સુધી 30 તાલુકા-નગરના પ્રવાસ કરી કુલ 610 ગામ સુધી પહોંચી પ્રવાસ ખેડ્યો. જ્યાં તેમણે 110 મંડળ અને 200 ઉપવસ્તીમાં 400 આયોજન બેઠક કરી કુલ 20,000 લોકોનો સંપર્ક કર્યો હતો. આ સંપર્કો બાદ એકત્રીકરણ માટે 15 હજાર સ્વયંસેવકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટર થયેલા સ્વયંસેવકોમાંથી કુલ 10,000 સ્વયંસેવકો આ એકત્રીકરણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકારી બેઠક પૂર્વે યોજાયેલા આ એકત્રીકરણ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-સરકાર્યવાહ અરુણકુમારે સ્વયંસેવકોને સંબોધ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, “ભારતના સ્વતંત્રતાનાં 75 વર્ષ અને સંઘનું શતાબ્દી વર્ષ એક સાથે ઉજવાઈ રહ્યા છે તે સૌભાગ્યની વાત છે. ભારત આજે વિશ્વની 5મી સહુથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણી આત્મગૌરવયુક્ત વિદેશ નીતિએ G-20માં તમામ દેશોને સહમત કરી મહત્વના પ્રસ્તાવો પસાર કર્યા છે. વસુધૈવ કુટુમ્બકમ અને સર્વે ભવન્તુ સુખિન:ની ભાવનાથી ભારતે કપરા સમયમાં અનેક દેશોને વેક્સિનથી માંડીને અન્ન અને મેડીકલ સહાય પૂરી પાડી છે.”

    - Advertisement -

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સર સંઘચાલક વચ્ચે મુલાકાત

    કચ્છ ખાતે યોજાનાર સંઘની કાર્યકારી બેઠક માટે સર સંઘચાલક મોહન ભાગવત અને સંઘના અન્ય અધિકારીઓ ભુજમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મોહન ભાગવત વચ્ચે શુક્રવારે (3 નવેમ્બર 2023) મુલાકાત થઇ હતી. લગભગ 2 કલાક સુધી ચાલેલી આ મુલાકાતમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સિવાય આગામી સમયમાં યોજાનાર સંઘની કાર્યકારી બેઠકને લઈને સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે જણાવ્યું હતું કે, “પ્રથમ વખત ભુજમાં રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાવા જઇ રહી છે, ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં હિંદુત્વનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. 2025માં સંઘને 100 વર્ષ પૂર્ણ થશે. ત્યારે સંઘના કાર્યવિસ્તાર માટે પણ ચર્ચાઓ કરવામાં આવશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં