Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણમોદી સરકાર-1માં કેન્દ્રીય મંત્રી, રહી ચૂક્યા છે પ્રદેશ અધ્યક્ષ: કોણ છે વિષ્ણુદેવ...

    મોદી સરકાર-1માં કેન્દ્રીય મંત્રી, રહી ચૂક્યા છે પ્રદેશ અધ્યક્ષ: કોણ છે વિષ્ણુદેવ સાય, જેઓ બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી

    વિધાનસભા ચૂંટણીમાં તેઓ કુનકુરી બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમને 87,604 મત મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા કોંગ્રેસ ઉમેદવારને 62,063. આમ સાય 25 હજાર કરતાં વધુ મતોની સરસાઇથી વિજેતા બન્યા હતા.

    - Advertisement -

    આખરે છત્તીસગઢના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. વિષ્ણુદેવ સાય રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકોની હાજરીમાં આજે છત્તીસગઢમાં ધારાસભ્ય પક્ષની બેઠક મળી હતી, જેમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી હતી. 

    વિષ્ણુદેવ સાય આદિવાસી સમુદાયમાંથી આવે છે. વિધાનસભા ચૂંટણીમાં તેઓ કુનકુરી બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમને 87,604 મત મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા કોંગ્રેસ ઉમેદવારને 62,063. આમ સાય 25 હજાર કરતાં વધુ મતોની સરસાઇથી વિજેતા બન્યા હતા. નોંધવું જોઈએ કે પરિણામ જાહેર થયા બાદ તેમનું નામ ચર્ચાઈ જ રહ્યું હતું અને હવે આખરે ધારાસભ્યોની બેઠકમાં મહોર મારી દેવામાં આવી છે. 

    4 ટર્મના સાંસદ, કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે

    તેમનો જન્મ છત્તીસગઢના જશપુર જિલ્લામાં 21 ફેબ્રુઆરી, 1964ના રોજ થયો હતો. ગામના સરપંચથી તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી જે હવે રાજ્યના મુખ્યમંત્રી પદ પર આવીને પહોંચી છે. તેઓ પોતાના જ ગામમાં બિનહરીફ સરપંચ ચૂંટાયા હતા. 1990માં તેઓ પહેલી વખત મધ્ય પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. નોંધવું જોઈએ કે ત્યારે છત્તીસગઢ અસ્તિત્વમાં ન હતું. વર્ષ 2000માં નવું રાજ્ય બન્યું ત્યાં સુધી છત્તીસગઢ મધ્ય પ્રદેશનો જ ભાગ હતું. તેઓ 1990થી 1998 એમ 8 વર્ષ MPના ધારાસભ્ય રહ્યા હતા. 

    - Advertisement -

    1999માં વિષ્ણુદેવ સાય પહેલી વખત લોકસભા ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા. 2004માં તેઓ ફરીથી વિજેતા બન્યા અને 2009માં પણ બેઠક જાળવી રાખી. વર્ષ 2014માં તેઓ ચોથી ટર્મ માટે લોકસભા ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા. ત્યારબાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં તેમને માઇન્સ એન્ડ સ્ટીલ મંત્રાલયમાં રાજ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. 

    2020માં તેમને ભારતીય જનતા પાર્ટીના છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. 2022 સુધી તેમણે આ જવાબદારી નિભાવી અને ત્યારબાદ અરૂણ સાવને પ્રદેશ અધ્યક્ષ બનાવાતાં તેમણે પદ છોડ્યું હતું. નોંધનીય છે કે હાલ અરૂણ સાવનું નામ પણ છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં હતું. 

    છત્તીસગઢમાં અગાઉ કોંગ્રેસ સરકાર હતી. તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં 90માંથી 54 બેઠકો જીતી લઈને ભાજપે સત્તા આંચકી લીધી. સામે કોંગ્રેસને 35 બેઠકો જ મળી. એક બેઠક પ્રાદેશિક પાર્ટી GGPને મળી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં