Wednesday, April 24, 2024
More
  હોમપેજદેશશું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ? કોણ, ક્યાં, ક્યારે, કઈ રીતે અને કોની...

  શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ? કોણ, ક્યાં, ક્યારે, કઈ રીતે અને કોની સામે કરી શકે છે આ પ્રસ્તાવ? શું હોય છે તેના કારણો અને પરિણામો?: અહીં જાણો તમામ માહિતી

  અવિશ્વાસ પ્રસ્તાવ (No-confidence Motion) વિશે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ, તેમ છતાં ઘણી વાર આપણને આ પ્રસ્તાવ એટલે શું તેની યોગ્ય અને સચોટ માહિતી નથી હોતી. આથી ઘણા અગત્યના મુદ્દાઓ લઈને આજે આપણે અવિશ્વાસ પ્રસ્તાવ પર વિગતે માહિતી મેળવીશું.

  - Advertisement -

  આજે કોંગ્રેસ અને BRS એ સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુક્યો છે, જેને લોકસભા સ્પીકરે માન્ય રાખ્યો છે. હવે સ્પીકર જે દિવસ નક્કી કરશે ત્યારે તેના પર સંસદમાં ચર્ચા કરવામાં આવશે. આ અવિશ્વાસ પ્રસ્તાવ (No-confidence Motion) વિશે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ, તેમ છતાં ઘણી વાર આપણને આ પ્રસ્તાવ એટલે શું તેની યોગ્ય અને સચોટ માહિતી નથી હોતી. આથી ઘણા અગત્યના મુદ્દાઓ લઈને આજે આપણે અવિશ્વાસ પ્રસ્તાવ પર વિગતે માહિતી મેળવીશું.

  શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ?

  • અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં વિરોધપક્ષ (વિરોધી દળો) દ્વારા સરકાર વિરુદ્ધ લાવવામાં આવતો પ્રસ્તાવ છે.
  • સરકારનો વિરોધ કરવા માટે વિરોધપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે. સરકાર બની રહે તે માટે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થવો ખૂબ જ જરૂરી બની રહે છે. જો અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહ દ્વારા મંજૂરી મળી જાય તો સરકાર પડી ભાંગે છે.
  • જ્યારે વિરોધપક્ષને કે અન્ય કોઈ પાર્ટીને એવું લાગે કે સરકાર પાસે બહુમત નથી અથવા સરકાર ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે તો આવી સ્થિતિમાં વિરોધપક્ષ કે વિરોધી પાર્ટી દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે.
  • જો કે એ જરૂરી નથી કે વિરોધ પક્ષો માત્ર સરકારને પછાડવાના ઉદ્દેશ્યથી જ અવિશ્વાસની દરખાસ્ત લાવે, ઘણી વખત વિપક્ષ પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે છે જેથી સરકારને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા દબાણ કરવામાં આવે.

  કઈ રીતે રજૂ થાય છે અવિશ્વાસ પ્રસ્તાવ ?

  • અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 લોકસભા સાંસદોનું સમર્થન જરૂરી હોય છે. જે બાદ લોકસભા અધ્યક્ષ (સ્પીકર) સામે પ્રસ્તાવ રાખવામાં આવે છે.
  • સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર કોઈપણ સાંસદે આવી દરખાસ્ત લાવવા માટે ગૃહની પરવાનગી લેવી પડે છે અને જે દિવસે તે દરખાસ્ત રજૂ કરે તે દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં લોકસભાના મહાસચિવને દરખાસ્તની લેખિત સૂચના આપવાની હોય છે.
  • જો અધ્યક્ષ આ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દે છે તો પ્રસ્તાવ રજૂ કર્યાના 10 દિવસમાં તે અંગેની ચર્ચા કરવામાં આવે છે.
  • અધ્યક્ષ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં વોટિંગ કરાવી શકે છે. આ દરમ્યાન સરકાર પોતાના સાંસદોને ગૃહમાં હાજર વ્હિપ જાહેર કરે છે.

  અવિશ્વાસ પ્રસ્તાવ પર મંજૂરી મળ્યા બાદ શું થાય છે?

  જો લોકસભાના અધ્યક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂરી આપે છે તો પ્રસ્તાવ રજૂ કર્યાના 10 દિવસની અંદર તેના પર ચર્ચા જરૂરી છે. ત્યારબાદ અધ્યક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવી શકે છે, અથવા કોઈ નિર્ણય લઈ શકે છે.

  અવિશ્વાસ પ્રસ્તાવની સરકાર પર શું અસર પડે છે ?

  • અવિશ્વાસ પ્રસ્તાવમાં જો સરકાર વિરુદ્ધ વધુ મત પડ્યા હોય એટલે કે ગૃહમાં હાજર કુલ સભ્યોમાંથી બહુમત જો સરકાર વિરુદ્ધ મત આપે તો સરકાર પડી ભાંગે છે.
  • જો સરકારના પક્ષમાં બહુમતી આવે તો સરકાર યથાવત રહે છે.

  પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે આવ્યો ?

  ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત ઓગસ્ટ 1963 માં જે. બી. કૃપલાની દ્વારા જવાહરલાલ નેહરુ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં સરકારને બહુમતી મળી હતી.

  - Advertisement -

  કેટલી વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવી ચૂક્યો છે ?

  • ભારતીય સંસદમાં હમણાં સુધી 26થી વધારે વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવી ચૂક્યા છે.
  • 1978 માં આવા જ એક પ્રસ્તાવમાં મોરારજી દેસાઈની સરકાર ભાંગી પડી હતી.

  સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ કોની સામે?

  સંસદમાં સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યા હતા. સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો રેકોર્ડ માકપા સાંસદ જ્યોતિર્મય બસુના નામ પર છે.

  મોદી સરકાર વિરુદ્ધ કેટલા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયા?

  મોદી સરકાર વિરુદ્ધ પેહલો અવિશ્વાસ પ્રસ્તાવ 2018 માં રજૂ થયો હતો. જેમાં સરકારને બહુમતી મળી હતી. એટલે ત્યારપછી રજૂ થનારો આ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ હશે.

  જો કે આ વખતે પણ લોકસભામાં મોદી સરકારને કોઈ ખતરો નથી કારણ કે લોકસભામાં બહુમતી આંકડો 272 છે. જ્યારે NDA સરકાર પાસે 331 સભ્યો છે, આટલું જ નહીં પણ ફક્ત બીજેપી પાસે જ 303 સાંસદ છે.

  અવિશ્વાસ પ્રસ્તાવ અને વિશ્વાસ પ્રસ્તાવમાં શું છે તફાવત ?

  અવિશ્વાસ પ્રસ્તાવ હંમેશા વિરોધપક્ષ દ્વારા લાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય મોટાભાગે સરકાર ઉથલાવવાનો હોય છે. જ્યારે વિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં પોતાનું બહુમત દેખાડવા માટે સત્તાધારી પક્ષ દ્વારા લાવવામાં આવે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં