Wednesday, April 17, 2024
More
    હોમપેજરાજકારણબંને તબક્કાના મતદાન બાદ હવે ગુજરાત જોઈ રહ્યું છે 8 તારીખના પરિણામની...

    બંને તબક્કાના મતદાન બાદ હવે ગુજરાત જોઈ રહ્યું છે 8 તારીખના પરિણામની વાટ: એ પહેલા જાણો VIP બેઠકો માટે એક્ઝીટ પોલ્સનું આકલન

    182 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં અમુક બેઠકો એવી હતી, જેની ઉપર સમગ્ર ગુજરાતની નજર હતી. એક્ઝીટ પોલ મુજબ આવી 15 બેઠકો પર મતદારોએ કોના માથે કળશ ઢોળ્યો એ ટૂંકમાં જાણીએ. 

    - Advertisement -

    5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મળતાં શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું હતું. દિવસના અંતે બીજા તબક્કાનું મતદાન 64.39% પહોંચ્યું હતું. જે બાદ પહેલા અને બીજા તબક્કાનું સરેસાશ મતદાન 63.78% થવા પામ્યું છે. જેવું મતદાન પત્યું એવા તરત જુદા જુદા એક્ઝીટ પોલ અને સર્વેના આંકડા બહાર આવવા માંડ્યા હતા.

    લગભગ દરેલ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી ખુબ આરામથી સતત 7મી વાર ગુજરાતમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. અને મોટા ભાગના સર્વેમાં તેમણે મેળવેલ બેઠકોનો આંકડો ઐતિહાસિક સપાટી વટાવી રહ્યો છે.

    182 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં અમુક બેઠકો એવી હતી, જેની ઉપર સમગ્ર ગુજરાતની નજર હતી. એક્ઝીટ પોલ મુજબ આવી 15 બેઠકો પર મતદારોએ કોના માથે કળશ ઢોળ્યો એ ટૂંકમાં જાણીએ. 

    - Advertisement -

    ઘાટલોડિયા: આ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બેઠક છે. ગત વખતે મુખ્યમંત્રી અહીંથી ગુજરાતમાં સૌથી મોટા માર્જિનથી જીત્યા હતા. જોકે, ત્યારે તેઓ ધારાસભ્ય જ હતા. આ વખતે પણ તેમણે આ સીટ પરથી ભારે બહુમતીથી જીત મેળવી શકે છે.

    પુરી શક્યતા છે કે ગઈ વખતની જેમ આ વખતે પણ ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતભરમાં સૌથી વધુ માટેની સરસાઈથી જીતી શકે છે. તેમની સામે કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકને ઉતારવામાં આવ્યાં હતાં. 

    વરાછા રોડ: મુખ્યમંત્રીની બેઠક કરતાં પણ આખા ગુજરાતનું ધ્યાન વધુ હોય તેવી બેઠકોમાંની એક બેઠક આ છે. સમગ્ર ગુજરાતમાં લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી, પરંતુ વરાછા રોડનો સમાવેશ એવી બેઠકોમાં થાય છે, જ્યાં લડાઈ ભાજપ અને AAP વચ્ચે હતી.

    અમુક સર્વે અહિયાંથી AAP ઉમેદવાર અને PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાને પાતળી સરસાઈથી જીતતા બતાવી રહ્યા છે. બીજી બાજુ મોટા ભાગના સર્વે અહીંથી કુમાર કાનાણીને જીતતા દર્શાવી રહ્યા છે. એવું માની શકાય કે આખા ગુજરાતમાં એક આ બેઠક પર જ AAP BJPને લડત આપતી નજરે પડી રહી છે.

    આ બેઠક પર શરૂઆતમાં આમ આદમી પાર્ટીએ થોડોઘણો માહોલ બનાવ્યો હતો, પરંતુ છેલ્લા પાંચ દિવસમાં ભાજપે ઝંઝાવાતી પ્રચાર કરીને બાજી પલટાવી નાંખી હતી. જેમાં પીએમ મોદીના રોડ શૉ અને તેમણે કમલમ્ ખાતે કરેલી બેઠકો મોટો ભાગ ભજવી ગઈ હતી. 

    કતારગામ: આ બેઠક પર પણ ધ્યાન વધુ હતું. કારણ કે અહીં આમ આદમી પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા હતા. જોકે, અહીં પણ આમ આદમી પાર્ટીની વરાછા કરતાં પણ ખરાબ હાલત થઇ છે.

    ગોપાલ ઇટાલિયાનું સતત હિન્દૂવિરોધી વલણ ખુબ અસર કરી ગયું છે. કોઈ જ એકઝીટ પોલમાં ઈટાલિયાને જીતતા નથી બતાવવામાં આવ્યા. બધે જ ગોપાલ ઇટાલિયા ભાજપના વિનુ મોરડીયા સામે હારતો બતાવવામાં આવ્યો છે. 

    ખંભાળિયા: આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ચૂંટણી લડ્યા હતા. અહીં ખરા અર્થમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપ તરફથી મુળભાઈ બેરા અને કોંગ્રેસ તરફથી વિક્રમભાઈ માડમ આમ, બંને મોટા ગજાના નેતા સામે ઈસુદાનનો જંગ હતો.

    આ પહેલા ઈસુદાન દ્વારકા બેઠક પરથી ચૂંટણી લડવાના હતા. પરંતુ દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકની લોકપ્રિયતા જોઈને ઈસુદાન ખંભાળિયા ગયા હતા. અને એક્ઝીટ પોલ અનુસાર તેમને અહીં પણ કાંઈ હાથે લાગતું નથી દેખાઈ રહ્યું. દરેક સર્વે અહીંયા આપની હાર બાજુ ઈશારો કરી રહ્યા છે.

    મોરબી: ચાલુ મંત્રી બ્રિજેશ મેરજાને બદલીને તેમના સ્થાને અહીં કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ અપાઈ હતી. આ એ જ કાંતિલાલ અમૃતિયા છે, જેમણે મોરબીની દુર્ઘટના બાદ ક્ષણનો પણ વિચાર કર્યા વગર પાણીમાં કૂદીને લોકોના જીવ બચાવ્યા હતા.

    પાટીદાર આંદોલનને કારણે 2017માં હારેલા કાંતિભાઈ અમૃતિયા અહીંથી ફરીથી એકવાર મોટા માર્જીનથી જીતતા જોવા મળી રહ્યા છે.

    વિરમગામ: પાટીદાર આંદોલનનો ચહેરો અને કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ અહીંથી ભાજપની ટિકિટ પર લડ્યા હતા. વિરમગામ એ હાર્દિક પટેલનું વતન પણ છે. PAAS દ્વારા અહીં હાર્દિક વિરુદ્ધ ઘણો પ્રચાર કરાયો હતો. અહીં 63.95% મતદાન થયું હતું.

    આ બેઠક છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. હાલના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવાર હતા. આપ તરફથી કુંવરજી ઠાકોર ઉભા રહ્યા હતા. એક્ઝીટ પોલ અનુસાર આ બેઠક પરથી હાર્દિક પટેલ જીતતા જોવા મળી રહ્યા છે.

    ગાંધીનગર દક્ષિણ: હાર્દિક પટેલ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયેલા યુવાનેતા અલ્પેશ ઠાકોરને ભાજપે આ વખતે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉતાર્યા હતા. 2017માં તેઓ રાધનપુરથી કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા અને જીત મેળવી હતી. જોકે, ત્યારબાદ તેઓ રાજીનામું આપીને ભાજપમાં આવ્યા અને આ જ બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા તો તેમણે હાર ચાખવી પડી હતી.

    પરંતુ એક્ઝીટ પોલ અનુસાર અલ્પેશ ઠાકોર આ વખતે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જીતતા જોવા મળી રહ્યા છે. આ બેઠક પર 62.2% મતદાન થયું હતું. કોંગ્રેસ તરફથી અહીંયા હિમાંશુ પટેલ અને આપ તરફથી દોલત પટેલ મેદાનમાં હતા.

    વડગામ: 2017ના ત્રણ ‘યુવાનેતાઓ’માંના ત્રીજા નેતા જીગ્નેશ મેવાણી અહીંથી લડ્યા હતા. 2017માં તેઓ અહીંથી અપક્ષ તરીકે લડ્યા હતા અને જીત મેળવી હતી. આ બેઠક અનુસૂચિત જતી માટે આરક્ષિત છે.

    2017માં જીગ્નેશ માટે જે નેતાએ કોંગ્રેસમાંથી બેઠક ખાલી કરી એ મણિલાલ વાઘેલા આ વખતે ભાજપમાંથી લડ્યા હતા. અને જીગ્નેશ પોતે કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ અહીંથી દલપત ભાટિયા અને AIMIMએ કલ્પેશ સુંઢિયાને મેદાનમાં ઉતાર્યા હતા.

    AAP અને AIMIMની હાજરીથી ભાજપને ફાયદો થશે એવું મનાઈ રહ્યું હતું. પરંતુ એક્ઝીટ પોલ અનુસાર અહીંથી ફરી એક વખત જીગ્નેશ મેવાણી જીતી રહ્યા છે.

    જામનગર ઉત્તર: જામનગર ઉત્તર એ સૌરાષ્ટ્રની એક અગત્યની બેઠક ગણી શકાય છે. અહીં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા આ વખતે આ બેઠક પરથી ભાજપ તરફથી લડ્યાં હતા.તો સામે કોંગ્રેસમાં જાડેજાના બહેન ઉભા હતા. 2008માં અસ્તિત્વમાં આવ્યા બાદ આ બેઠક પર અત્યાર સુધીમાં બે ચૂંટણી થઇ, જેમાં એક-એક વખત બંને પાર્ટીઓ જીતી હતી.

    રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની ઉમેદવાર હોવાના કારણે આ બેઠક પર આખા દેશનું ધ્યાન હતું. અહીં ક્રિકેટર ખુદ પ્રચારમાં ઉતરેલા જોવા મળ્યા હતા. અને આ જંજાવાતી પ્રચારની ફળ પણ મળતું દેખાઈ રહ્યું છે ભાજપને. એક્ઝીટ પોલમાં આ બેઠક ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે.

    ઝઘડિયા: ભરૂચ જિલ્લાની આ એક એવી બેઠક છે જેના પર દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસની નજર છે. ઝઘડિયા બેઠક બીટીપીનો ગઢ માનવામાં આવે છે. છોટુ વસાવા 1990થી સતત અહીંથી ચૂંટાતા આવી રહ્યા છે.

    આ વખતે અહીં વસાવા પરિવારમાં જ આંતરિક વિખવાદ ઉભો થયો હતો અને બાપ દીકરાએ સામસામાં ફોર્મ ભર્યાં હતાં. જોકે, આખરે મહેશ વસાવાએ ફોર્મ ખેંચી લીધું હતું અને પિતા છોટુ વસાવાને લડવા માટે મેદાન મોકળું કરી આપ્યું હતું. જેનો સીધો ફાયદો પણ તેમને મળતો જોઈ શકાય છે. એકવાર ફરીથી એક્ઝીટ પોલમાં આ બેઠક BTPના ફાળે જઈ રહી છે.

    ભાવનગર પશ્ચિમ: આ બેઠક શિક્ષણમંત્રી અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની છે. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ અહીંથી લડી ચૂક્યા છે. અહીં જીતુ વાઘાણી 2012થી જીતતા આવ્યા છે. આ વખતે પણ પાર્ટીએ તેમને જ ટિકિટ આપી હતી.

    આ વખતે કોંગ્રેસે અહીંયા કિશોરસિંહ ગોહિલને ટિકિટ આપી હતી અને આપ તરફથી રજુ સોલંકી મેદાનમાં હતા.

    આ બેઠક જીતુ વાઘાણીનો ગઢ કહેવાય છે અને દર વખતે મોટા માર્જિનથી જીત મેળવતા રહ્યા હોય તે તરફ એક્ઝીટ પોલ ઈશારો કરી રહ્યા છે. 

    મજુરા: ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અહીંથી ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાના સહુથી યુવાન ધારાસભ્યનું માન મેળવનાર હર્ષ સંઘવીને આ વખતે પણ ખાસ હરીફાઈનો સામનો કરવો પડ્યો નથી. પ્રચાર દરમ્યાન જ આ હકીકત સામે આવી ગઈ હતી કે હર્ષ સંઘવી ફરીથી આ બેઠક પર મોટાં માર્જીનથી જીત મેળવશે.

    જુદા જુદા એક્ઝીટ પોલ પણ આ બેઠક પર હર્ષ સંઘવીને સારી એવી લીડથી જીતતા બતાવી રહ્યા છે.

    પોરબંદર: આ બેઠક પર આ ચૂંટણીમાં હાઈ-પ્રોફાઈલ બેઠકો પૈકીની એક હતી, જ્યાં બંને પાર્ટીઓના બે દિગ્ગ્જ નેતાઓ ચૂંટણીમાં ઉતર્યા છે. અહીં કોંગ્રેસે પૂર્વ વિપક્ષ નેતા અને પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાને ઉતાર્યા હતા, તો ભાજપે પણ કદાવર નેતા બાબુ બોખીરીયાને જ ટિકિટ આપી હતી. 

    આ બેઠક પર છેલ્લી ચાર ચૂંટણીઓમાં બે વખત મોઢવાડિયા અને બે વખત બોખીરીયા જીત્યા હતા. છેલ્લી બે ટર્મથી અહીં ભાજપ જ જીતતું આવ્યું છે. આ ચૂંટણીમાં પણ બંને ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી હતી. પરંતુ એક્ઝીટ પોલ્સ પોતાનો પસંદગીનો કળશ બાબુ બોખરિયા પર ઢોળતા જોવા મળ્યા હતા.

    વાંસદા: દક્ષિણ ગુજરાતની આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી વાંસદા વિધાનસભા બેઠક પર પણ આ વખતે બધાની નજર હતી. આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી હતી. કોંગ્રેસના જાણીતો ચહેરો અનંત પટેલ સામે ભાજપે યુવા ઉમેદવાર પિયુષ પટેલને મેદાને ઉતાર્યા હતા. એક્ઝીટ પોલનું માનીએ તો અનંત પટેલ પોતાની સીટ બચાવી શક્યા નથી. 

    નોંધનીય છે કે પિયુષ પટેલ પર મતદાનની આગલી રાત્રે કોંગ્રેસી કાર્યકર્તાઓએ હુમલો પણ કરી દીધો હતો, જેના કારણે તેમને ઇજા પહોંચી હતી. આ બાબતે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

    કુતિયાણા: આ બેઠક કાંધલ જાડેજાનો ગઢ કહેવાય છે. તેઓ 2012 અને 2017માં એનસીપીમાંથી ચૂંટાયા હતા. જોકે, આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની લ્હાયમાં એનસીપીએ તેમને ટિકિટ આપી ન હતી. ત્યારબાદ તેમણે રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી.

    જોકે, અહીં પાર્ટી નથી જીતતી પરંતુ કાંધલ જાડેજા જીતે છે, લોકો તેમના નામ પર વોટ આપતા હોય છે. એક્ઝીટ પોલ ઈશારો કરે છે કે આ વખત પણ કાંધલ જાડેજા સીટ બચાવવામાં સફળ રહ્યા છે. 

    અમરેલી: અમરેલી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની બેઠક છે. અહીંથી ભાજપે યુવા નેતા કૌશિક વેકરીયાને ઉતાર્યા હતા. 

    આમ તો હમણાં સુધી આ બેઠક ધાનાણી સરળતાથી જીતતા આવી રહ્યા હતા. પરંતુ આ વખતે અહીંયા કટોકટીની લડાઈ જોવા મળી હતી. એક્ઝીટ પોલમાં પણ સ્પષ્ટ વિજેતા નથી દર્શાવવામાં આવ્યા.

    વાઘોડિયા: ભાજપે અહીંથી દબંગ નેતાની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપતાં તેઓ વિફર્યા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ તેમને પાર્ટીમાંથી કાઢી પણ મૂકવામાં આવ્યા હતા. સાથે જ અહીં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ માટે પ્રચાર પણ ખુબ કરાયો હતો.

    6 છેલ્લી ટર્મથી આ બેઠક પર શ્રીવાસ્તવ જીતતા આવી રહ્યા છે. પરંતુ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને તેઓ સતત સમાચારમાં રહેતા હોય છે. એક્ઝીટ પોલ અહીંયા કોઈ સ્પષ્ટ વિજેતા નથી બતાવી રહ્યા.

    ધાનેરા: ઉત્તર ગુજરાતની ચર્ચિત બેઠકોમાંથી એક ધાનેરા પર પણ વાઘોડિયા જેવો જ ઘાટ થયો હતો. માવજી દેસાઈને ભાજપે રિપીટ ન કરતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી ભાઈ અહીંયાના ખુબ ખ્યાતનામ નેતા છે.

    છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર કોંગ્રેસ જીતતી આવી છે. પરંતુ ગત વખતે કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સામે માત્ર 2000 વોટથી જીત્યા હતા. હવે આ વખતે જયારે કોંગ્રેસ પ્રત્યે લોકોને રોષ છે સાથે જ ભાજપના જે ઉમેદવારને તેઓ ચાહતા હતા તે અપક્ષ લડી રહ્યા છે ત્યારે શક્યતા છે કે અહીં માવજીભાઈ દેસાઈની જ જીત થાય અને એક્ઝીટ પોલ પણ આવું જ કંઈક બતાવી રહ્યા છે.

    બાયડ: આ બેઠક એક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ વખતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ તરફથી આ બેઠક પર ચૂંટણી લડ્યા હતાં. પુત્ર માટે અહીં શંકરસિંહ વાઘેલાએ પણ પ્રચાર કર્યો હતો.

    કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી ભાજપના ઉમેદવાર ભીખી બહેન પટેલ માટે જે લડાઈ પહેલાથી કઠણ હતી તે વધુ સખત થઇ હતી. એક્ઝીટ પોલ આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને જીતતા બતાવી રહ્યા છે.

    (આ સ્ટોરી મેઘલસિંહ પરમાર અને લિંકન સોખડીયા દ્વારા સંયુકતપણે લખવામાં આવી છે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં