Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણ‘લોકસભા ચૂંટણી બાદ કેમ, હમણાં જ રાહુલ ગાંધીની ધરપકડ કરી લો’: કોંગ્રેસ...

    ‘લોકસભા ચૂંટણી બાદ કેમ, હમણાં જ રાહુલ ગાંધીની ધરપકડ કરી લો’: કોંગ્રેસ નેતાની પોસ્ટનો આસામ CMએ આપ્યો રમૂજી જવાબ, કહ્યું- ચૂંટણીમાં અમને તેમની જરૂર પડશે

    એક ન્યૂઝપેપર કટિંગ શૅર કરીને કર્ણાટકના કોંગ્રેસી નેતા પ્રિયાંક ખડગેએ X પર હિમંત બિસ્વ સરમાને ટેગ કરીને લખ્યુ કે, જો રાહુલ ગાંધીએ ખરેખર કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો તેઓ હાલ જ શા માટે તેમની ધરપકડ નથી કરી લેતા? 

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ ગુરુવારે (25 જાન્યુઆરી, 2024) X પર એક પોસ્ટ કરી હતી, જેની યુઝરો મજા લઇ રહ્યા છે. જો રાહુલ ગાંધીની ધરપકડ કરવાના હોય તો ચૂંટણી બાદ કેમ? હાલ કેમ નહીં? તેવો પ્રશ્ન પૂછનાર કોંગ્રેસ નેતાને જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન તેમને રાહુલ ગાંધીની જરૂર છે. 

    વાસ્તવમાં આસામ CM સરમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીની ધરપકડ કરશે. રાજ્યમાં રાહુલ વિરુદ્ધ ‘ભારત ન્યાય યાત્રા’ દરમિયાન કાર્યકરોને પોલીસ સાથે સંઘર્ષમાં ઊતરવા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર FIR દાખલ કરવામાં આવી છે. જે મામલે સવાલ કરતાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હાલ નહીં પણ લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ જાય ત્યારબાદ તેઓ રાહુલ ગાંધીની ધરપકડ કરશે.

    આ સમાચારનું એક ન્યૂઝપેપર કટિંગ શૅર કરીને કર્ણાટકના કોંગ્રેસી નેતા પ્રિયાંક ખડગેએ X પર હિમંત બિસ્વ સરમાને ટેગ કરીને લખ્યુ કે, જો રાહુલ ગાંધીએ ખરેખર કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો તેઓ હાલ જ શા માટે તેમની ધરપકડ નથી કરી લેતા? 

    - Advertisement -

    ખડગે લખે છે, ‘હિમંત બિસ્વ સરમાજી, લોકસભા ચૂંટણી માટે રાહ શું કામ જોવાની? જો રાહુલ ગાંધીજીએ કાયદો તોડ્યો હોય તો તમે આગળ વધીને જરૂરી કાર્યવાહી શા માટે નથી કરી રહ્યા? તમે નહીં કરો, કારણ કે તમે પણ જાણો છો કે તેઓ (રાહુલ) સત્ય બોલે છે. તમે તમારા પાડોશીઓ (મણિપુર) સાથે ઉભા ન રહ્યા અને આસામના લોકોને લૂંટી રહ્યા છો. તેઓ તો માત્ર લોકોની ભાવનાઓને અવાજ આપી રહ્યા છે, જેનો તમને ડર લાગે છે.”

    કોંગ્રેસ નેતાએ તો બહુ ગંભીરતા સાથે પોતાની ‘ચિંતા’ વ્યક્ત કરી, પરંતુ આસામ સીએમએ આ વાતો હસવામાં કાઢી નાખી હતી. હિમંત સરમાએ રમૂજી જવાબ આપતાં કહ્યું કે, તેમને રાહુલ ગાંધીની ચૂંટણી દરમિયાન જરૂર પડશે, જેથી તેઓ હાલ ધરપકડ નથી કરી રહ્યા. લોકો હવે આ પોસ્ટના સ્ક્રીનશૉટ વાયરલ કરી રહ્યા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ એક નેરેટિવ બહુ જાણીતો છે કે રાહુલ ગાંધી ચૂંટણીમાં ભાજપને નુકસાન ઓછું અને ફાયદો વધારે કરાવે છે. લોકો માને છે કે રાહુલ ગાંધી પોતાનાં અળવીતરાં નિવેદનો, વિચિત્ર અને ન સમજાય તેવાં ભાષણો અને અટપટી વાતોથી ભાજપને જ ફાયદો કરાવે છે. ભાજપ સમર્થકો મજાકમાં તેમને ભાજપના ‘સ્ટાર કેમ્પેઇનર’ પણ કહેતા હોય છે. 

    રાહુલ ગાંધી વિરુદ્ધ શા માટે નોંધાઈ FIR? 

    રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હાલ આસામમાં છે. આસામ સરકારે આયોજકોને કહ્યું હતું કે તેઓ ગુવાહાટી શહેરમાં પ્રવેશ ન કરે અને બાયપાસ રૂટ લઇ લે. પરંતુ યાત્રા જેવી શહેરમાં પ્રવેશી કે કોંગ્રેસ કાર્યકરોએ બેરિકેડ તોડીને શહેરમાં ઘૂસવાના પ્રયાસ કર્યા અને પોલીસ સાથે ઝપાઝપી કરી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ સ્થળ પર જ હાજર હતા. 

    ઘટના બાદ આસામ CMએ રાહુલ ગાંધી પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ લગાવીને કેસ નોંધવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્વયં સંજ્ઞાન લઈને રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્ય નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં