લોકસભા અને ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળના પરાજય બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકના નજીકના અને પૂર્વ IAS અધિકારી વી. કે પાંડિયને સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. રવિવારે (9 જૂન) એક વિડીયો બાઈટ મારફતે તેમણે આ બાબતની જાણકારી આપી. તેમણે BJD પરિવારની માફી માંગી અને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી.
પાંડિયને વિડીયો સંદેશમાં કહ્યું કે, “રાજકારણમાં પ્રવેશવાનો મારો એકમાત્ર મકસદ નવીન બાબુને (પટનાયક) મદદરૂપ થવાનો હતો. પરંતુ હવે મેં પોતાને સક્રિય રાજકારણમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ યાત્રામાં મેં કોઈને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગું છું. જો મારી વિરુદ્ધના પ્રચારના કારણે બીજુ જનતા દળનો પરાજય થયો હોય તો હું સમગ્ર બીજુ જનતા દળ પરિવારની માફી માંગું છું. જેમણે સહકાર આપ્યો છે તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હું કાયમ ઓડિશા અને મારા ગુરુ નવીન બાબુને પ્રાર્થનાઓમાં રાખીશ.”
#WATCH | 5T Chairman & BJD leader VK Pandian says, "…Now consciously I decide to withdraw myself from active politics. I am sorry if I have hurt anyone on this journey. I am sorry if this campaign narrative against me has had a part to play in BJD's loss…"
— ANI (@ANI) June 9, 2024
(Source: BJD) pic.twitter.com/Hf1stid8Gn
ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભા ચૂંટણી વખતે વી. કે પાંડિયનને નવીન પટનાયકના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા. પરંતુ પાર્ટીની હાર બાદ જવાબદાર પણ તેમને જ ઠેરવવામાં આવ્યા અને તેમની ટીકા પણ ઘણી થઈ. જોકે, નવીન પટનાયકે પાંડિયનનો બચાવ કર્યો હતો અને કહ્યું કે, હાર બદલ તેમની ટીકા કરવામાં આવી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે અને ચૂંટણી દરમિયાન તેમણે ઘણું સારું કામ કર્યું. જોકે, સાથે એમ પણ કહ્યું હતું કે પાંડિયન તેમના ઉત્તરાધિકારી નથી અને આ જનતા જ નક્કી કરશે.
નોંધવું જોઈએ કે લોકસભા ચૂંટણી સાથે જ યોજાયેલી ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં 24 વર્ષ બાદ બીજુ જનતા દળની કારમી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી. 147 બેઠકોમાંથી BJDને માત્ર 51 બેઠકો મળી, જ્યારે ભાજપને 78. જેની સાથે જ નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો અંત આવ્યો. તેઓ છેલ્લાં 24 વર્ષથી ઓડિશાના મુખ્યમંત્રી હતા, પણ હવે રાજીનામું આપવું પડ્યું છે. હવે ભારતીય જનતા પાર્ટી પોતાનો મુખ્યમંત્રી બનાવશે.
કોણ છે વી. કે પાંડિયન
50 વર્ષીય વી. કાર્તિકેયન પાંડિયન પૂર્વ IAS અધિકારી છે અને વર્ષો સુધી ઓડિશામાં મહત્વનાં પદ પર કામ કરી ચૂક્યા છે. મૂળ તેઓ તમિલનાડુમાંથી આવે છે અને 2000થી ઓડિશામાં IAS અધિકારી તરીકે ફરજ બજાવે છે. શરૂઆતમાં તેઓ ઓડિશાના વિવિધ જિલ્લાઓમાં અધિકારી રહ્યા. 2005માં તેમને મયૂરભંજ જિલ્લાના કલેક્ટર નીમવામાં આવ્યા હતા. ત્યાં વર્ષો સુધી તેમણે કામ કર્યું.
વર્ષ 2011માં પાંડિયનની નિમણૂક ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે થઈ. ત્યારથી મુખ્યમંત્રી સાથે જ તેમણે કામ કર્યું છે અને પછીથી તેમની ગણતરી નવીન પટનાયકના નજીકના વ્યક્તિઓમાં થતી ગઈ. વર્ષ 2023 સુધી તેઓ આ પદ પર રહ્યા. બીજી તરફ, 2019માં તેમને ઓડિશા સરકારના એક ખાસ કાર્યક્રમ 5T (ટ્રાન્સફોર્મલ ઇનિશિએટિવ્સ)ના સેક્રેટરી પણ નીમવામાં આવ્યા હતા.
ઓક્ટોબર, 2023માં તેમણે VRS લઇને IAS છોડી દીધું હતું અને તેના થોડા જ કલાકોમાં તેમને 5Tના ચેરમેન બનાવીને કેબિનેટ રેન્કનો હોદ્દો આપી દેવામાં આવ્યો હતો. તે સમયે પણ વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, 27 નવેમ્બર, 2023ના રોજ તેમણે અધિકારિક રીતે બીજુ જનતા દળનો ખેસ જ પહેરી લીધો અને રાજકારણમાં ડગ માંડ્યા.
જોકે, તે પહેલાં તેમની ચર્ચા ઓડિશાના રાજકારણમાં થવા જ માંડી હતી. નવીન પટનાયક આમ તો સ્વાસ્થ્ય કારણોસર બહુ બહાર નીકળતા ન હતા, પણ તેઓ જ્યાં જાય ત્યાં પાંડિયન તેમનો પડછાયો બનીને રહેતા. બીજું, રાજ્યના રાજકારણ અને બ્યુરોક્રેસીમાં પણ પાંડિયનનું કદ વધતું જતું હતું. ઘણા લોકોને તેઓ મુખ્યમંત્રી વતી જ મળી લેતા અને કામ કરી દેતા હતા. જેના કારણે ઘણા વિપક્ષ નેતા જ્યારે તેઓ અધિકારી હતા ત્યારે તેમને IAS છોડીને રાજકારણમાં આવવા માટે પડકાર પણ ફેંકતા હતા અને તે તેમણે આખરે સ્વીકાર્યો પણ ખરો.
લોકસભા ચૂંટણી સાથે જ ઓડિશા વિધાનસભા ચૂંટણી પણ યોજાઇ હતી. જેમાં પાંડિયને પાર્ટીના પ્રચારથી માંડીને રણનીતિ ઘડવામાં મોટો ભાગ ભજવ્યો. તેઓ નવીન પટનાયકના જમણા હાથ તરીકે જ ઓળખાતા હતા અને માનવામાં આવતું હતું કે જો BJD ફરી એક વખત જીતીને સરકાર બનાવે તો પાંડિયનને ટોચનું મંત્રાલય મળવું તો નક્કી જ છે પરંતુ પટનાયકના સ્વાસ્થ્યને જોતાં પાંડિયનને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે તોપણ નવાઈ નહીં.
This is a deeply distressing video. Shri VK Pandian ji is even controlling the hand movements of Shri Naveen Babu. I shudder to imagine the level of control a retired ex bureaucrat from Tamil Nadu is currently exercising over the future of Odisha!
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 28, 2024
BJP is determined is give back… pic.twitter.com/6PEAt7F9iM
ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અનેક ઠેકાણે વી. કે પાંડિયન નવીન પટનાયક સાથે જ જોવા મળ્યા હતા. જોકે, તેમના એક-બે સભાના વિડીયોએ પછીથી વિવાદ પણ સર્જ્યો, જેમાં પાંડિયન જાહેર સભામાં બોલતા પટનાયક માટે માઇક પકડતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પટનાયકના ધ્રૂજતા હાથને અપમાનજનક રીતે પકડીને સંતાડી દેવાની ક્ષણો પણ કેમેરામાં કેદ થઈ જતાં તેની પણ ખૂબ ટીકા થઈ હતી. વિપક્ષે અને ખાસ કરીને ભાજપે તેને મુદ્દો બનાવીને પ્રચાર કર્યો હતો કે પાંડિયન નવીન પટનાયકનો ઉપયોગ કરીને સત્તા સુધી પહોંચવા માંગે છે. નેતાઓએ એવા પણ આરોપ લગાવ્યા હતા કે પાંડિયન જ સ્ટેજ પરથી નવીન પટનાયકને સૂચના આપે છે કે તેમણે સભામાં શું બોલવાનું છે.
ઓડિશા ચૂંટણીના પ્રચારમાં આ મુદ્દાની પણ BJDને ઘણી અસર થઈ હોય તેવું માનવામાં આવે છે. આડકતરી રીતે વીકે પાંડિયને પણ પોતાના સંદેશમાં કહ્યું કે તેમની વિરુદ્ધના પ્રચારની પાર્ટીના પ્રદર્શન પર અસર થઈ હોય તો તેઓ માફી માંગે છે. જોકે, પરિણામો બાદ તેઓ ઓછા જોવા મળતા હતા અને નવીન પટનાયકે રાજીનામું આપ્યું ત્યારે તેમની સાથે પણ ન હતા. આખરે હવે તેમને રાજકારણ છોડવાની ઘોષણા કરી છે.
નવેમ્બર, 2023માં શરૂ થયેલી વી. કે પાંડિયનની રાજકીય સફર 6 મહિનાના ટૂંકાગાળામાં પૂર્ણ થઈ છે.